Abtak Media Google News

કપાસના ભાવમાં સતત વધારો થતા આજે સૌથી ઉંચામાં પ્રતિમણના રૂ.1605 બોલાયા

દર વર્ષની સરખામણીએ આ વર્ષે સારા  ભાવો મળતા ખેડુતો ખુશ ખુશાલ

કપાસની સીઝન પૂર્ણ થઈ ગઈ હોવા છતા રાજકોટ  માર્કેટીંગ યાર્ડમાં સરેરાશ 2000 મણની આવક

 

Advertisement

ચાલુ વર્ષે પંદરેક દિવસ પહેલા રાજયભરમાં થયેલી વાવણી બાદ વરસાદ ખેંચાતા જગતાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેડુતો વરસાદની રાહમાં બેબાકળા બન્યા છે. તે વચ્ચે પણ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોને કપાસના સારામાં સારા ભાવો મળતા આ ખેડુતો ખુશખુશાલ છે. ચાલુ વર્ષે કપાસની સીઝનથી જ કપાસના ભાવો ઉંચકાયેલા હતા પરંતુ ત્યારબાદ કપાસના ભાવમાં સતત વધારો થતા ખેડુતોને આટલા વર્ષોમાં પ્રથમ વખત હાલ પ્રતિમણના રૂ.1500થી 1600થી વધુ મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ કપાસના સૌથી ઉંચામાં રૂ.1600 જેવા ભાવ બોલાઈ રહ્યા છે. ગઈકાલે અને આજે એમ સતત બે દિવસથી કપાસનો રેકોર્ડબ્રેક ભાવ રૂ.1605 ખેડૂતોને મળી રહ્યો છે. સૌથી ઉંચામાં ભાવમાં એટલે કે પ્રતિમણ રૂ.1605માં ગઈકાલે 90 થી 100 મણ જયારે આજે 45 મણ કપાસ વેચાયો છે.

ચાલુ વર્ષે કપાસના હાઈએસ્ટ ભાવોનું મુખ્ય કારણ માંગ વધુ છે. આ ઉપરાંત ગત વર્ષે લીલા દુકાળથી ખેડૂતોને પૂરતો ઉતારો મળ્યો ન હતો એટલે કે ઉત્પાદન ઓછુ હતુ.

આથી કપાસની સીઝનની શરૂઆતથી જ કપાસના ભાવો ઉંચકાયેલા છે. ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં કપાસના ભાવ રૂ.1100 જેટલા બોલાતા હતા. જે દર વર્ષથી સરખામણીમાં વધારે હતા. ત્યારે આ ભાવમાં ઉતરોતર વધારો થતા હાલ આ ભાવ રૂ.1605 એ પહોચ્યા છે. અને હજુ આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો આ ભાવ હજુ વધવાની પૂરેપૂરી સંભાવના છે.

એક બાજુ વાવણીબાદ મુરઝાતા બી ઉપર વરસાદ થતો નથી તેથી ખેડુતો મુકેલીમાં છે. તો બીજી બાજુ કપાસના ભાવો સતત ઉંચકાતા ખેડૂતો સંતોષનો ઓડકાર લઈ રહ્યા છે.

હાલ કપાસની સીઝનનો પૂર્ણ થઈ છે.પરંતુ ગણ્યા ગાંઠયા ખેડૂતો જે કપાસ હવે વેચાણ અર્થે બજારમાં ઠાલવી રહ્યા છે. તેઓ માટે આ ભાવ વર્ષ સુધરી જાય તેવા સાબિત થયા છે.

કપાસની સતત ડિમાન્ડ રહેતા અને વરસાદ જો હજુ ખેંચાશે તો કપાસના ભાવ આ વર્ષે ખેડુતોને ચોકકસ માલામાલ કરી દેશે.

કપાસની સીઝન પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે આવક નહિવત છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ સરેરાશ 2000 મણ જેવી કપાસની આવક થઈ રહી છે. ગઈકાલે 2200 મણ તો આજે 1800 મણ કપાસની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.