Abtak Media Google News

કલેક્ટર કચેરી ખાતે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનના 56 લાભાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 30મીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનના 56 લાભાર્થીઓનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના 4 અનાથ બાળકો સાથે સંવાદ કરવાના છે.

આગામી 30મીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનનો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં રાજકોટ જિલ્લાના લાભાર્થી એવા 56 બાળકો અને તેના સગા સંબંધીઓ ઉપસ્થિત રહેવાના છે. આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જિલ્લાના 4 બાળકો સાથે સંવાદ કરવાના છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફોર ચિલ્ડ્રન નામની યોજના લોંચ કરી હતી. જેનો હેતુ કોરોના પ્રભાવિત બાળકોને મદદ કરવાનો છે.

કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવેલા  બાળકોને પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અનાથ બાળકોને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.પીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અનાથ બાળકોને જ્યારે તેઓ 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ  ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમઓએ અગાઉ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે માતાપિતા ગુમાવનારા બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.આ યોજનાની અમલવારી રાજકોટ શહેર- જિલ્લામાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

જે અંતર્ગત કોરોનાના લીધે માતા અને પિતા બન્નેનું મૃત્યુ થયું હોય અથવા કોઈ એકનું થયું હોય તેવા 56 બાળકો લાભાર્થી બન્યા છે. આ બાળકો માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ નોમીની બનીને પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે.  પીએમ કેર્સ ફંડ દ્વારા આ ખાતામાં રૂ. 10 -10 લાખ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.  બાળક 23 વર્ષનો થાય ત્યારબાદ આ રકમ મેળવી શકશે. ત્યાં સુધી આ રકમ બાળકના ખાતામાં જ જમા રહેશે. જો કે તેને વિવિધ અન્ય લાભો પણ મળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.