Abtak Media Google News

શાપર વેરાવળમાં માનવભક્ષી શ્વાનોએ આતંક મચાવ્યો છે. ગઇ કાલે સાંજના સમયે ડાઘિયા ચારથી પાંચ કૂતરાઓએ માસૂમ બાળકને ઘેરી લઈ બચકા ભરતાં ગંભીર રીતે ઘવાયેલાં માસૂમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આદમખોર શ્વાનોએ બાળકને ઢસડીને લોહી લુહાણ કરી નાખ્યો હતો જેનો કંપારી છૂટી જાય તેવો વિડિયો વાયરલ થયો છે.

આદમખોર શ્વાનોએ બાળકને ઢસડીને લોહી લુહાણ કરી નાખ્યો: કંપારી છૂટે તેવો વિડિયો વાયરલ

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ લખનૌ રહેતા અને એક સપ્તાહ પૂર્વે જ પોતાના પરિવાર સાથે શાપર પેટિયું રળવા આવેલા મોહમ્મદભાઈ અંસારીના અઢી વર્ષના માસૂમ બાળક અરશદ અંસારી પર ચારથી પાચ ડાઘિયા કૂતરાઓએ બચકા ભરી લેતા માસૂમને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

માસુમ બાળક અરશદ રાબેતા મુજબ ઘર પાસે મેદાનમાં રમવા ગયો હતો. જ્યાં ગઇ કાલે સાંજે અરશદ એકલો રમવા જઈ રહ્યો હતો. તે દરમિયાન માનવભક્ષી શ્વાને બાળકને બચકું ભર્યું હતું. જોતજોતામાં ચારથી પાંચ શ્વાન ત્યાં આવી ચડ્યા અને અરશદને ઘેરી લીધો હતો અને બચકા ભરી લોહિયાળ કરી નાખ્યો હતો.

આ ઘટનાના કંપારી છોડાવી દેવા તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેમાં ડાઘિયા કૂતરાઓએ માસુમ બાળક પર હુમલો કરતા ઘણીવાર સુધી કોઈ પણ રાહદારી બાળકની વ્હારે ન આવતા માસુમ બાળક કણસતો રહયો હતો. અરશદને ચારથી પાંચ કૂતરાઓ ઘેરી લઈ બચકા ભરવા લાગ્યા હતા અને અરશદ ઊભો થવા પ્રયાસ કરતો કે તુરંત શ્વાન તેને બચકા ભરી નીચે પાડી દેતાં હતાં. ચારથી પાંચ શ્વાન બાળકને ફાડી ખાવા માટે બચકા ભરતા હતા. ઘણીવાર સુધી ચાલતા આ ખેલમાં આખરે બાળકની કરુણ ચીસો સાંભળી નજીકના કારખાનામાં કામ કરતા યુવાન દોડી ગયા હતા અને માસૂમને મોતના મુખમાંથી છોડાવ્યો હતો.

આ અંગે પરિવારજનોને જાણ થતાં માસુમ બાળકને પિતા પોતાના ખોળામાં લઈને જ હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. ના સમજ અરશદ પર થયેલા શ્વાન એટેકનો વિડિયો વાયરલ થયો છે. જે જોતા કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાળકને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

સુરત: ખજોદ ગામે ત્રણ શ્વાનોએ માસુમ બાળકીને ફાડી ખાધી’તી

સુરતના ખજોદ ગામમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા ૪૦ જેટલાં બચકાં ભરી ફાડી ખાધી હોવાની કંપાવનારી ઘટનામાં હજુ માસુમ બાળકીની રાખ નથી ઠંડી થઇ ત્યાં રાજકોટ નજીક શાપર માં પણ માસુમ બાળક પર ડાઘિયા કૂતરાઓએ બચકા ભર્યા છે. ખજોદના ડાયમંડ બુર્શમાં બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે બચકાં ભરી લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સુરતમાં એક જ મહિનામાં શ્વાન દ્વારા હુમલો કરવાની ચાર ઘટનાઓ બની છે. શ્વાનના હુમલા બાદ સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકી મૂળ પશ્ચિમ બંગાળના પરિવારની હતી જે ખુલ્લામાં રમી રહી હતી ત્યારે શ્વાન કરડવાની ઘટના બની હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.