Abtak Media Google News

કોંગ્રેસમાંથી બળવો કરી  નાગરિક સમિતિ બનાવી શાસન કરવા બદલ સાત

સભ્યોને વિકાસ કમિશનરે ઠેરવ્યા હતા દોષિત

મોરબી : મોરબી પાલિકામાં સ્પષ્ટ બહુમત હોવા છતાં કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરી નાગરિક સમિતિ રચી સતા મેળવતા સાતેય સભ્યો સામે વિકાસ કમિશ્નરે પગલાં ભરી પક્ષાન્તર ધારા હેઠળ દોષિત ઠેરવતા આ મામલે ચાલી રહેલ કાનૂની જંગમાં ગઈકાલે હાઇકોર્ટમાં સુનાવણી પુરી થઈ છે અને ૧૪ મીએ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા આજે ફેંસલો આવે તેમ હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોરબી પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવા છતાં સતાની લ્હાયમાં સાત સભ્યોએ બળવો કરતા કોંગ્રેસે આ સાતેય સભ્યોને પક્ષાન્તર ધારા હેઠળ સસ્પેન્ડ કરવા માંગણી કરતા તાજેતરમાં સાતેય સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

બીજી તરફ સુબહ કા ભુલા શામ કો ઘર લૌટ આયા ઉક્તિ મુજબ આ સાતેય સભ્યો ફરી કોંગ્રેસની શરણમાં જતા રહ્યા છે અને હાલમાં ૧૪ મી જૂને મોરબી પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટવાના છે તેવા સમયે જ પક્ષાન્તરધારા હેઠળ દોષિત ઠરેલા સભ્યોની કોંગ્રેસને જરૂર પડી છે.

પક્ષાન્તરધારા હેઠળ દોષિત ઠરેલા સાતેય સભ્યોએ હાઇકોર્ટનું શરણું લેતા ગઈકાલે આ મામલે હાઇકોર્ટમાં કલાકો સુધી સુનાવણી ચાલી હતી અને સંભવત: આજે હાઇકોર્ટમાં ફેંસલો આવે તેમ હોવાનું મનાઈ રહયુ છે.

આ સંજોગોમાં હવે હાઇકોર્ટના ફેસલાને આધારે પાલિકામાં નવા સુકાની નક્કી થાય તેવી સ્થિતિ હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.