Abtak Media Google News

અબતક-રાજકોટ

નવી શિક્ષણ નિતિના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલ છે કે દરેક દેશ પોતાની શિક્ષણ પધ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને, તેમાં બદલાવ કરીને દેશના લક્ષ્યની દિશામાં આગળ વધે છે અને ધ્યેય હે હોય છે કે દેશની શિક્ષણ પધ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય નિર્માણ કરે. આપણા મહાન તત્વચિંતક વિનોબા ભાવે એ કહેલ છે કે, “શિક્ષણ જો સાર્વત્રિક અને સાર્વજનિક બનાવવું હોય, તો તે માતૃભાષામાં જ આપવું જોઈએ.” યુનેસ્કોનુ તારણ છે કે, “પરભાષા માં શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ કરતા માતૃભાષામાં શિક્ષણ મેળવાનારા વધુ સારી પ્રગતિ કરી શકે છે.” નવી શિક્ષણ નિતિના એક અભ્યાસમાં જણાવાયું છે કે, ભારતીય ભાષાઓ પ્રત્યે યોગ્ય ધ્યાન અને કાળજી રાખવામાં આવ્યા નથી, જેના કારણે છેલ્લા 40 વર્ષમાં દેશ 220 ભાષાઓ ગુમાવી બેઠો છે.

યુનેસ્કોએ 197 ભારતીય ભાષાઓને ‘લુપ્તપ્રાય’ જાહેર કરી છે. આજના તા.21 ફેબ્રુઆરીના આ વિશ્વ માતૃભાષા ગૌરવ દિને, રાષ્ટ્રીય સ્વાહા ઈદ ન મમ ના ભાવ સાથે છેલ્લા 25 વર્ષથી ચાલતી, દેશને સંસ્કાર સાથે ઉત્કૃષ્ટ શિક્ષણ આપી યુવા ઈજનેરો અર્પણ કરતી, સ્વદેશીનું સંપૂર્ણ પાલન કરતી, એકપણ વિદેશી તહેવારની ઉજવણી ન કરનાર, વી.વી.પી. એજીનિયરીંગ કોલેજના ગ્રંથપાલ તરીકે આપણી માતૃભાષાના મહત્વને સમાજ સમક્ષ ઉજાગર કરી જાગૃત કરવાનો નમ્ર પ્રયાસ છે. નવી શિક્ષણ નિતિમાં કહયું છે કે, બાળકો ર થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે.

શરૂઆતના વર્ષોમાં વાંચવા અને ત્યારબાદ માતૃભાષામાં લખવાની સાથે ધોરણ 3 અને આગળની કક્ષાઓમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટે કૌશલ્યો વિકસિત કરવામાં આવશે. એ સર્વવિદિત છે કે નાના બાળકો તેમના ઘરમાં બોલાતી ભાષા એટલેકે માતૃભાષામાં મહત્વના મૂર્તિ કે અમૂર્ત ખ્યાલોને વધુ ઝડપથી શીખે છે અને ગ્રહણ કરે છે.જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા ધોરણ 4 સુધી, પણ વધુ યોગ્ય હોય તો ધોરણ 8 સુધી, શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા/માતૃભાષા/સ્થાનિક ભાષા પ્રાદેશિક ભાષા હશે. વિજ્ઞાન સહિત દરેક વિષયોના ઉચ્ચ ગુણવતાયુકત પાઠયપુસ્તકોને ઘરમાં બોલાતી ભાષા કે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળક દવારા બોલાતી ભાષા અને શિક્ષણના માધ્યમવચ્ચે કોઈપણ અંતર હોય તો તેને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જયાં ઘરની ભાષા/માતૃભાષામાં પાઠયપુસ્તક સામગ્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓવચ્ચે વ્યવહારની ભાષા શકય હોય ત્યાં ઘરેલું ભાષા/માતૃભાષા રહેશે. બધી જ ભાષાઓ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવતા સાથે શીખવવામાં આવશે: એક ભાષાને સારી રીતે શીખવવા અને શિખવા માટે તેને શિક્ષણનું માધ્યમ બનાવવું જ પુરતું નથી તેને એક વિષય તરીકે ઉંડાણપુર્વક શીખવવા જોઈએ.

સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો 2 થી 8 વર્ષની ઉમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે શરૂઆતના વર્ષોમાં વાંચવા અને ત્યારબાદ માતૃભાષામાં લખવાની સાથે ધોરણ 3 અને આગળની કક્ષાઓમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટે કૌશલ્યો વિકસિત કરવામાં આવશે. ભાષા શિક્ષણને લોકપ્રિય બનાવવા માટે તકનીકીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.સમગ્ર દેશની તમામ પ્રાદેશિક ભાષાઓમાં અને વિશેષરૂપે બંધારણની આઠમી અનુસુચિમાં વર્ણિત તમામ ભાષાઓમાં મોટી સંખ્યામાં ભાષાશિક્ષકોની ભરતી કરીને ભાષાશિક્ષણને વધુ સુદઢ બનાવવાનો એક મહાપ્રયાસ થાશે. વિજ્ઞાન અને ગણિતના અધ્યયન અને અધ્યાપન માટે ઉચ્ચ ગુણવતાયુકત દિભાષિક પાઠયપુસ્તકો અને અધ્યયન-અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બંને વિષયોવિશે વિચારવા અને અભિવ્યકત કરવા માટે તેમની ઘરની ભાષા/માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે.

કોઈપણ એક ભારતીય ભાષાને એના સાહિત્યના સ્તર પર અધ્યયન કરી પ્રાવીણ્ય મેળવવું ફરજીયાત રહેશે જે માધ્યમિક સોપાનના અંત સુધીમાં પ્રાપ્ત કરવાનું રહેશે. ચીન, રશીયા, જાપાન જેવા વિશ્વના ઘણા વિકસિત દેશોમાં જોવા મળ્યું છે કે, પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓમાં સુશિક્ષિત હોવું એ કોઈ અડચણ નથી પરંતુ ખરેખર શૈક્ષણિક, સામાજીક અને તકનીકી પ્રગતિ માટે એનાથી મોટો ફાયદો મળે છે. ભારતની ભાષાઓ વિશ્વમાં સૌથી સમૃધ્ધ, સૌથી વધુ વૈજ્ઞાનિક, સૌથી સુંદર અને સૌથી વધુ અભિવ્યકિત વૈભવ ધરાવનારી છે. સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે, રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડવા માટે દરેક યુવા ભારતીયને પોતાના દેશની ભાષાઓ અને સાહિત્યરૂપી વિશાળ અને સમૃધ્ધ ખજાના વિશે માહિતગાર અને સભાન થવું જોઈએ. એ પણ રાષ્ટ્રભકિત જ છે. આ નીતિ સ્વીકારે છે કે વિદ્યાર્થીઓએ ભારતની સમૃધ્ધ વિવિધતાનું જ્ઞાન સૌપ્રથમ આત્મસાત કરવું જોઈએ. વિદ્યાર્થીઓને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત દેશના 100 પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને આ સ્થળો અને તેમના ઈતિહાસ, વૈજ્ઞાનિક યોગદાન, પરંપરાઓ, સ્વદેશી સાહિત્ય અને જ્ઞાન વગેરેનો અભ્યાસ કરવા મોકલશે. ભારતના બંધારણની આઠમી અનુસુચિમાં ઉલ્લેખ કરાયેલી દરેક ભાષા માટે, અકાદમીની સ્થાપના કરવામાં આવશે . આ એકેડેમીને કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારો સાથે પરામર્શ કરીને અથવા તેમની સાથેના સહયોગથી મળીને સ્થાપિત કરવામાં આવશે. ભાષાઓને સમર્પિત વિશ્વવિદ્યાલયો પણ બહુવિદ્યાશાખાકીય બનશે: જયાં પ્રસ્તુત હોય ત્યાં તેઓ શિક્ષણમાં બેવડી પદવી પ્રદાન કરશે જેથી તે ઉત્કૃષ્ટ ભાષાના શિક્ષકો તૈયાર થઈ શકે.

ભારતના બંધારણની આઠમી અનુસુચિમાં ઉલ્લેખ કરાયેલી દરેક ભાષા માટે, અકાદમીની સ્થાપના કરવામાં આવશે . આ એકેડેમીને કેન્દ્ર સરકાર દવારા રાજય સરકારો સાથે પરામર્શ કરીને અથવા તેમની સાથેના સહયોગથી મળીને સ્થાપિત કરવામાં આવશે. (સંદર્ભ ભારતીય શિક્ષક પ્રતિષ્ઠાન સંસ્થાન, ગાંધીનગર દ્વારા એન.ઈ.પી.-2020 નું થયેલ ગુજરાતી સંસ્કરણ) સરકારના અને આ નિતિ સાથે જોડાયેલા અનેક શિક્ષણક્ષેત્રના મહાનુભાવોના વર્ષોના અનુભવના નિચોડના આધારે તૈયાર કરાયેલ નવી શિક્ષણ નિતિનું સચોટ અમલીકરણ થાય અને તે થકી સમાજ અને દેશ સમૃધ્ધ બને અને એ પ્રયત્નો દ્વારા આઝાદી અમૃત મહોત્સવની થઈ રહેલી સાંપ્રત ઉજવણીના ભાગરૂપે પણ, આપણો દેશનો એક એક નાગરિક વધી રહેલી પરભાષાની ગુલામીમાંથી આઝાદ બની, સ્વભાષા, સ્વભૂષા, સ્વદેશી વિચારધારા, સંસ્કૃતિ અપનાવતો થાય, પરભષાને ગૌણ ગણી અને માતૃભાષાને મુખ્ય ગણતો થાય એ દિવસ વિશ્વ માતૃભાષાનું સૌથી મોટુ ગૌરવ ગણાશે અને તે માટે, આજના યુવાનો, માતા-પિતાઓને વિનંતી કે, અંગ્રેજી માધ્યમને સ્ટેટસ સીમ્બોલ, ખોટી ખૂબ જ જરૂરીયાત વાળી ભાષા ગણવાને બદલે એક અન્ય શીખવાની ભાષાની જેમ હિન્દી, સંસ્કૃત શીખીએ-બાળકને શીખવાડીએ. જેટલું જરૂરી છે તેટલું ચોક્કસ શીખવાય, પણ માતૃભાષાના ભોગે, ગુજરાતી ભાષાને મજાક બનાવીને તો હરગીજ નહીં, એવો સંકલ્પ આપણે સૌ ગુજરાતીઓ લઈએ અને વિશ્વ માતૃભાષા ગૌરવ દિન ને ખરા અર્થમાં ગૌરવશાળી બનાવીએ એ જ અભ્યર્થના…સાથે મારી સ્વરચિત વાત રજૂ કરું તો,…..”ટકાવી હશે જો સંસ્કૃતિ, તો એક જ કિરણ છે આશાનું, ચાલો સૌ મળીને કરીએ, જતન આપણી માતૃભાષાનું” ભાષા બચશે, સંસ્કૃતિ ટકશે, દેશ બચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.