Abtak Media Google News

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા અવારનવાર વધતા જઈ રહ્યા છે. તેવામાં લોકોની ફિંગરપ્રિન્ટ ચોરી કરી તેને ક્લોન કર્યા પછી લાખો રૂપિયાની ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. તેથી જ કોઈપણ પ્રકારના નાણાકિય વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખજો. જો આમાં થોડો પણ લૂપહોલ શોધી બદમાશોએ તમારા ફિંગર પ્રિન્ટ પચાવી પાડ્યા તો તમારુ આખુ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે આવું જ એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ૨ શખસોએ લોકોના ફિંગરપ્રિન્ટની ચોરી કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

 કારીયાણાની દુકાને ખરીદી કરતા આવતા ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ ક્લોન કરી કૌભાંડ આચર્યાનું સામે આવતા ખળભળાટ 

અત્યારે ડિજિટલ યુગમાં સાયબર પોલીસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહી છે. અહીં એવા એવા ફ્રોડના કિસ્સા સામે આવે છે કે જેને જાણીને તમે ચોંકી જશો. ૨ બદમાશો દાહોદમાં ૧ હજારથી વધુ લોકોની સાથે છેતરપિંડી કરી બેઠા છે. તેમણે હજારો લોકોના ફિંગરપ્રિન્ટની ચોરી કરી લીધી હતી. ત્યારપછી આનો દુરૂપયોગ કરીને એકપછી એક બધાના બેન્ક એકાઉન્ટ ખાલી કરતા ગયા હતા. અચાનક લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ખાલી થઈ જતા ચકચાર મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પિન સર્વિસ તથા ઓટીપીના વેરિફિકેશન મોટાભાગે અનિવાર્ય હોય છે. આના કારણે ઘણા કિસ્સાઓમાં છેતરપિંડી થતા બચી જાય છે. આધાર પેમેન્ટ સિસ્ટમની કેટલીક નબળાઈઓનો ફાયદો ઉઠાવી ૨ બદમાશોએ હજારો લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી દીધા છે. ઘણા ઓછા લોકોને આ અંગે જાણ હોય છે કે જો આ સિસ્ટમ થકી રૂપિયા ઉપાડવાના હોય તો માત્ર ફિંગરપ્રિન્ટ અને આઇડી કાર્ડની જરૂર રહે છે. આ ટ્રાન્ઝેક્શનમાં ઓટીપી અથવા અન્ય વેરિફિકેશન ફેક્ટરની આવશ્યકતા રહેતી નથી.
સાયબર ક્રાઈમના ઈન્સપેક્ટર બી.એન.પટેલે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ કૌભાંડને આચરનારો એક શખસ એન્જિનયર છે. જેનું નામ સંજીવ બારિયા છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા બીજા શખસનું નામ સતીષ ભાભોર છે, તેની પોતાની કરિયાણાની દુકાન છે. આ બંનેએ મળીને લોકોના રૂપિયા પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. સાયબર પોલીસે વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ભાભોર તેની કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે આવતા લોકોના ફિંગર પ્રિન્ટની ચોરી કરતો હતો. ત્યારપછી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા મિત્ર સાથે મળીને બંને શખસો રૂપિયાની ચોરી કરતા હતા.
ઉલ્લેખનીય છે કે કરિયાણાની દુકાન ચલાવતા સતીષને જાણ હતી કે એઇપીએસથી રૂપિયા કેવી રીતે ઉપાડવા. પરંતુ તેની પાસે આ અંગે યોગ્ય નોલેજ નહોતું. જેથી કરીને સતીષે તેના મિત્ર સંજીવ બારિયાનો સંપર્ક કર્યો હતો. સંજીવ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને મિત્રોએ મળીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેવાનું મોટુ કૌભાંડ પ્લાન કર્યું હતું. વળી બીજી બાજુ જોવા જઈએ તો સંજીવને પહેલાથી જ ફિંગરપ્રિન્ટ ક્લોન કરતા આવડતી હતી. જેથી કરીને બારિયાએ કરિયાણાની દુકાનમાંથી લોકોની ફિંગરપ્રિન્ટ ચોરી અને બીજી બાજુ સંજીવે તેને ક્લોન કરવાનું કામ શરૂ કરી દીધું હતું.
જોતજોતામાં બંને મિત્રોએ મળીને એ લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવાનું શરૂ કરી દીધું હતું. એક, બે નહીં પરંતુ એક હજાર લોકોના ફિંગરપ્રિન્ટ ચોરી બેન્ક એકાઉન્ટ ખાલી કરતી આ ૨ મિત્રોની ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કરી દીધો છે. તેવામાં હવે મોબાઈલ, એટીએમ અને ક્રેડિટ કાર્ડની સાથે હવે ફિંગરપ્રિન્ટ પણ ખોટા હાથોમાં ન જાય એની ખાસ કાળજી રાખવી પડશે એમ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.