ઉના: દ્રોણેશ્વર ગુરૂકુલ પ્રાર્થના મંદિરે પોથીયાત્રાનો ભવ્ય નજારો

સંતોના પગલા થવાથી તથા ગુરૂકુલનું નિર્માણ થવાથી ગીર વિસ્તારની રોનક બદલી જશે: પૂ. માધવ પ્રિયદાસજી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પવિત્ર પ્રાંગણમાં, નૂતન પ્રાર્થના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીનિ ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થયો હતો.

મહોત્સવ ઉપક્રમે શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પ્રારંભ પહેલા પોથી પૂજન તથા ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મહોત્સવના અધ્યક્ષ તથા વક્તા  પૂજ્ય સ્વામીજી, સંતો તેમજ યજમાનઓ જોડાયા હતા.

વાજતે ગાજતે પોથીયાત્રા જ્યારે સભામંડપ પહોંચી ત્યારે સભા મંડપના ઉદ્ઘાટન બાદ વૈદિક વિધિ સાથે પોથીજી તથા વક્તાનું પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરી સહુ સંતો તથા મહાનુભાવોનું સ્વાગત  કરાયું હતુ.

વક્તા  પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ કથા પ્રારંભે જણાવ્યું હતું કે, આજે આ નાઘેર વિસ્તાર ભારે ભાગ્યશાળી થયો છે. અહીં સંતોના પગલા થવાથી તથા ભવ્ય ગુરુકુલનું નિર્માણ થવાથી ગીર વિસ્તારની રોનક બદલી જશે. અહીં જે ક્ધયાઓ તથા કુમારો અભ્યાસ કરીને જશે તે અનેક લોકોના જીવનમાં સંસ્કાર રેડશે.

મહોત્સવના પ્રારંભે જ આસપાસના ત્રીસ ઉપરાંત ગામોના ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે દેશ-વિદેશથી પણ ભક્તોએ ઉપસ્થિત રહી મહોત્સવનો લાભ લીધો હતો.