Abtak Media Google News

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક મળી : નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ગામડાઓનું બ્યુટીફીકેશન તેમજ હેરીટેજ સાઇટ, યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રોડ-રસ્તા, મંદિરો અને હોસ્પિટલની સફાઇ કરાશે

ચાલુ વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવ તેમજ તા. 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશ-ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ શહેર, જિલ્લા અને ગ્રામ્યમાં વિસ્તારમાં તા. 01/10 થી 31/10 સુધી સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનનો ભાગ બની રહે તે માટે આ અભિયાનના ભાગરૂપે તમામ સ્તરે કામગરી કરી સ્વચ્છતા સંબંધે લોકોમાં જાગૃતિ માટેના પ્રયત્નો કરાશે. આ નિમીત્તે રાજકોટ શહેર, જિલ્લા અને ગ્રામ્યમાં વિસ્તારમાં ઉજવણી દરમિયાન સ્વચ્છ ભારત અન્વયે સમગ્ર માસ દરમિયાન જનસહયોગથી વિવિધ કાર્યક્રમો અંગેની આયોજન કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ સમગ્ર માસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર સ્વચ્છતાનો સંદેશો દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવા તેમજ કચરો ડોર ટુ ડોર કલેકશન કરીને પધ્ધતિસરનો નિકાલ કરવામાં યુવાનો, પ્રબુધ્ધ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, ચુંટાયેલા પદાધિકારીઓ સહિતના તમામ નાગરીકોને સામેલ થઈ સહયોગ આપવા અપીલ કરી હતી. આ તકે જુદા-જુદા દિવસો દરમીયાન થનાર સ્વચ્છતા અંગેના કાર્યક્રમો માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરી તેઓને અભિયાનને સફળ બનાવવા કામગીરી સુપ્રત કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન તા.1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત મિશન જનભાગીદારી દ્વારા અમલી બનાવવામાં આવશે. ભારતના 2.50 લાખ જેટલા ગામડાઓ અને 744 જિલ્લાઓમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન અને એન.એસ.એસ વિધાર્થીઓ દ્વારા ઘેર-ઘેર પહોંચીને કચરો અને સિંગલ યુઝ પ્લાસ્ટીક એકઠુ કરવામાં આવશે. આ સાથે જળસ્ત્રોતોની સાફ સફાઇ પણ કરવામાં આવશે. ગામડાઓના બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવશે.

તેમજ હેરિટેજ સાઇટની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો હોસ્પિટલ અને પીવાના પાણીના સ્ત્રોતોની પણ સાફ સફાઈ કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌઘરી, આસી. મ્યુનિસીપલ કમિશ્રનર સિંઘ, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર,  નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી સચિન પાલ સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ અને સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી પાંચ કિમીની “ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન”

બીજી ઓકટોબરે સવારે 8.00 વાગ્યે સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી ખાતે “ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન” યોજાશે, જેમાં શહેરીજનોને સામેલ થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. નહેરૂ યુવા કેન્દ્ર, રાજકોટ, કેન્દ્રીય રમત-ગમત અને યુવા પ્રવૃતિઓના વિભાગ, તથા નેશનલ સર્વિસ સ્કીમ(એન.એસ.એસ.) દ્વારા સંયુકતપણે યોજાનારી આ દોડને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ખાતેથી બીજી ઓકટોબરે સવારે 8.00 વાગ્યે પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ દોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલ, પ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થશે. આ દોડનું થીમ “જનભાગીદારીથી જનઆંદોલન” નિયત કરાયું છે. રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું છે. નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર અને નહેરૂ યુવા કેન્દ્રના  ડીસ્ટ્રીકટ યુથ ઓફિસર સચિન પાલ દ્વારા વધુને વધુ નાગરિકોને આ દોડમાં જોડાવા માટે જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.