Abtak Media Google News

ઈવીએમ ખોટવાયાની ફરિયાદોનો ધોધ: પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેટલુ મતદાન: રાજકોટ

સહિતના શહેરોમાં સવારથી મતદાન મથકો પર લોકોની લાઈનો: એકંદરે શાંતિપૂર્ણ માહોલ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં આજે ગુજરાત સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની હોંશભેર ઉજવણી કરી રહ્યાં છે. રાજયમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ થયાની ફરિયાદોનો ધોધ છુટયો છે. પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે. એકંદરે રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા તબકકાના મતદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિત ગુજરાતની ૨૬ બેઠકો પર ચૂંટણી લડતા ૩૭૧ ઉમેદવારોના રાજકીય ભાવી ૪.૫૧ કરોડ મતદારો ઈવીએમ મશીનમાં સીલ કરશે. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે.Amit Shah 1

આજે સવારથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ અડધો કલાક તમામ બુથ પર મોક વોટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએ ઈવીએમમાં ખરાબી સર્જાયાની ફરિયાદ ઉઠી હતી. આ ઉપરાંત કંટ્રોલરૂમ પણ સતત ધમધમતો રહ્યો હતો. મતદાન સ્લીપ મળી ન હોવાની, મતદાર યાદીમાં નામ ન હોવાની અને પોતાનું મતદાન મથક કયાં છે તેની પુછપરછ કરવા માટે કંટ્રોલરૂમના ફોન સતત ધમધમતા રહ્યાં હતા. વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થાય તે પૂર્વે જ અનેક મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં ખાસ ઉત્સાહ ચહેરા પર જોવા મળ્યો હતો. બીમારી અને વિકલાંગતાને વિસરી મતદારો સ્વયંભુ બુથ પર પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે રાણીપ ખાતે આવેલી નિશાન હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે નારણપુર ખાતે સબ ઝોનલ કચેરીએ જઈ મતદાન કર્યું હતું. મુમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે બ્રહ્મ સમાજ ચોક ખાતે અનિલ જ્ઞાન મંદિર ખાતેના મતદાન મથકે સહપરિવારે મતદાન કર્યું હતું.Vijay Rupani

રાજયમાં આજે સવારથી અનેક સ્થળોએ ઈવીએમમાં ક્ષતિ સર્જાયાની ફરિયાદોનો ધોધ છુટયો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, સુરત, વલસાડ સહિતના ગામોમાં ઈવીએમમાં ખરાબી સર્જાવાના કારણે મતદાન પ્રક્રિયા પર અસર પડી હતી. અમુક સ્થળોએ એક કલાક સુધી મતદાન શરૂ ન થઈ ત્યાંની પણ ફરિયાદો ઉઠી હતી.

પ્રથમ બે કલાકમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠક પર ૧૬.૮૦ ટકા, જામનગરમાં ૧૪.૭૦ ટકા, પોરબંદરમાં ૧૩.૬૦ ટકા, ભાવનગરમાં ૧૪.૧૫ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૩.૮૫ ટકા, જૂનાગઢમાં ૧૪.૨૦ ટકા, કચ્છમાં ૧૧.૯૦ ટકા, અમરેલીમાં ૧૫.૩૦ ટકા, દ.ગુજરાતમાં સુરત બેઠક પર ૧૬.૬૦ ટકા, બારડોલીમાં ૧૫.૨૦ ટકા, નવસારીમાં ૧૪.૮૦ ટકા, વલસાડમાં ૧૫.૭૨ ટકા, ભરૂચમાં ૧૩.૬૦ ટકા, મધ્ય ગુજરાતમાં ખેડા બેઠક પર ૧૪.૧૦ ટકા, આણંદમાં ૧૩.૮૦ ટકા, બરોડામાં ૧૫.૯૦ ટકા, પંચમહાલમાં ૧૨.૮૦ ટકા, દાહોદમાં ૧૪.૩૦ ટકા, છોટા ઉદેપુરમાં ૧૩.૬૦ ટકા જયારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ૧૪ ટકા, પાટણમાં ૧૨.૮૦ ટકા, મહેસાણામાં ૧૪.૨૦ ટકા, સાબરકાંઠામાં ૧૨.૪૦ ટકા, ગાંધીનગરમાં ૧૬.૧૫ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૧૬.૮૫ ટકા, જયારે અમદાવાદ પશ્ર્ચિમ બેઠક ૧૫.૨૫ ટકા જેટલું મતદાન થયું છે. મતદાનની ટકાવારી ૭૦ ટકા આસપાસ રહે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

અમિતભાઈ શાહે નારણપુરામાં  પરિવાર સાથે કર્યું મતદાન

ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે આજે સવારે ધર્મપત્ની સાથે નારણપુરા ખાતે મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વને ઉજાગર કર્યું હતું. અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મતદાન પૂર્વે તેઓએ પોતાના મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા રાણીપ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે મતદાન કરવા માટે આવ્યા ત્યારે તેઓનું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ તેઓ પોતાના ધર્મપત્ની સાથે નારણપુરા ખાતે કામેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલી સબ ઝોનલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા જયાં તેઓએ મત આપ્યો હતો. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી આજે બપોરે ૧૨:૩૦ કલાકે અમદાવાદના ખાનપુર ખાતે જયારે કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી બપોરે ચિમનભાઈ ઈન્સ્ટિટયુટ એસ.જી. હાઈવે ખાતે મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.