Abtak Media Google News

આપણા દેશમાં પ્રજાના ખરેખરા ચૂકાદાનો ક્રૂર અનાદર થતો રહ્યો છે: હાલની લોકશાહીનો વિકલ્પ શોઘ્યા વિના છૂટકો નથી !

આગામી લોકસભાની ચૂંટણી માટે મોટા ભાગના રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો પસંદ કરવાની અને તેમની યાદી પ્રકાશમાં મૂકવાની ભાંજગડમાં પડયા હોવાનો ખ્યાલ ઉપસે છે. ભારતની લોકશાહી પ્રથામાં પ્રબુઘ્ધ મતદારોની એક કાયમી મુંઝવણ હોય છે કે, ચુંટણીમાં ઊભા રહેલા બધા જ ઉમેદવારો સંસદમાં મોકલવાને અયોગ્ય અર્થાત ના-લાયક જણાય તો શું કરવું ? કોને મત આપવો ?આ વખતની ચૂંટણી વખતે જ આપણા દેશના સૌથી મોટા અને મહિમાવંતા પર્વો પૈકીનું એક રંગોનું પર્વ હૂતાશણીનું પર્વ આવી રહ્યું છે. એને આ દેશની પ્રજા હોળી ધૂળેટીનું પર્વ પણ કહે છે.

Advertisement

આપણા દેશની હિન્દુ સંસ્કૃતિમાં ચાર વર્ણ પ્રવર્તે છે. ‘મનુસ્મૃતિ’ મુજબ પ્રાચીન કાળથી આ ચાર વર્ણને બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શૂદનાં નામે ઓળખવામાં આવ્યા છે.આમાંથી બ્રાહ્મણોનો તહેવાર તે બળેવ, ક્ષત્રીયનો તહેવાર દશેરા- વિજયાદશમી છે. વૈશ્ય નો તહેવાર દિવાળી અને શુદો (શ્રમિકો) નો તહેવાર છે, જેને પછાત વર્ગના લોકોનો તહેવાર તરીકે ગણાવાયો છે. ક્રમે ક્રમે આ તહેવારોની ઉજવણીમાં મૂળભૂત ઢાંચામાં બદલાવ આવતા રહ્યા છે.આમ તો આ તહેવારો હિન્દુ ધર્મના બધા જ નરનારીઓ ઉજવે છે. આ તહેવારોની મૂળભૂત ભૂમિકામાં ધાર્મિક- સાંપ્રદાયિક દંતકથાઓ ચાલી આવે છે, જે સારી પેઠે પ્રચલિત છે.

એક બાજુ આ મનોરંજક તહેવારની રંગત અને બીજી ચૂંટણીની પ્રક્રિયા અને પ્રચારની ઉત્તેજના મતદાર – પ્રજાનનો જો ઉમેદવારો યોગ્યતા વગરના હોય તો તેઓ મત આપવા જતા નથી. આને કારણે એવું બને છે કે ઓછી લાયકાત ધરાવતા ઉમેદવાર ચૂંટાઇ જાય છે ! આવું ન બને તે માટે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુએસએલ) નામની સ્વયંસેવી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને મતદારો તમામ ઉમેદવારોને નાપસંદ કરતા હોય તો તેમને પોતાનો આવો મત નોંધાવવાનો વિકલ્પ મળવાનો હકક અપાવવા ઇલેકટ્રોનિક વોટિગ મશીનમાં બધા ઉમેદવારોની યાદીના છેડે (ના ઓફ ધ એબવ( ઉપરના ઉમેદવારો પૈકી કોઇ નહીં) નું બટન પણ રાખવાની દાદ માગી હતી. એમાં એમ પણ જણાવાયું હતું કે, આ પ્રકારના મતોની અલગ ગણતરી થવી જોઇએ અને જો તેની સંખ્યા કુલ મતદાનના પ૦ ટકા કરતાં વધુ હોય તો તમામ ઉમેદવારોને ગેરલાયક ઠરાવી તે વિભાગમાં ફરીથી ચૂંટણી કરવાની પણ અરજીમાં દાદ માગવામાં આવી હતી ચૂંટણી પંચે આ સૂચનને અનુમોદન આપ્યું હતું.

ભારતના કાયદા પંચે ઇ.સ. ૧૯૯૯ માં પોતાના ૧૭૦ માં અહેવાલમાં એવું સૂચન કર્યુ હતું કે, લોકસભાની ચૂંટણીમાં કોઇ ઉમેદવારને કુલ મતદાનના પ૦ ટકા કરતાં ઓછા મત મળ્યા હોય તો તેને વિજેતા ઘોષિત ન કરવો જોઇએ આ કમીશને જ એવું સુચન કર્યુ હતું કે, મતદાન પત્રકમાં છેલ્લા કોલમ ‘બધા જ ઉમેદવારો ગેરલાયક છે’ એવું લખાયેલી હોવી જોઇએ. ભારતની લોકશાહી માટે લડતા કેટલાક જૂથોએ એવું સુચન કર્યુ છે કે ‘કોઇ જ ઉમેદવાર લાયક નથી’ એવી કોલમને જો સૌથી વધુ મત મળે તો નવેસરથી ચૂંટણીનો આદેશ મળવો જોઇએ.

લોકસભાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારે જુદી જુદી ૧૦ શરતોની આકરી પરીક્ષામાંથી પાર ઉતરવું અનિવાર્ય બનતું હતું, જેમાં ઉમેદવાર  ઉપર  કોઇ જાતના ગુનાનો ડાઘ ન હોય હત્યા, શરાબ, ચોરી, વ્યભિચાર અને ગુનાખોરો સાથે સાંઠગાંઠનાં લફરા ન હોય.જો આ બધાનું સારી રીતે પાલન થાય તો આજે જે લોકો સાંસદો બની બેઠા છે, તેમને ઘેર બેસવાનો જ વારો આવે !પરંતુ, ચૂંટણી ખર્ચથી માંડીને એકેએક નિયમો તથા ધારાધોરણની બાબતમાં લગભગ બધા જ લોલેલોલ ચલાવતા હોવાનું બહાર આવ્યા જ કરે છે.

એવી ટકોર થતી રહી છે કે, જો ચૂંટણીની તમામ પ્રક્રિયાઓમાં મંદીરના ગર્ભગ્રહ જેવી પવિત્રતા જળવાશે તો અને ઉમેદવારોની પસંદગીમાં જો ના-લાયક વ્યકિતઓ ધૂસી ન જાય, અર્થાત ધૂસાડવામાં નહિ આવે તો આપણા દેશની સંસદને વિશેષ બળ મળશે. મતદાન નહિ કરનારાઓની સંખ્યા ઘટશે. પ્રબુઘ્ધ અને પ્રમાણિક સાંસદો સંસદની કાર્યવાહી સારી રીતે ચાલે તથા દેશ હિતના ખરડાઓ પસાર થાય એવું વાતાવરણ સર્જવામાં મદદરુપ થશે.

અહીં એવી ટકોર થઇ શકે તેમ છે કે, ભારતની લોકશાહીમાં બહુમતિ પ્રજાના અભિપ્રાયની કોઇ કિંમતનથી એવું દર્શાવતા એકથી વધુ દાખલાઓ છે. સ્વતંત્ર કહેવાતા ભારતનું લોકશાહી પઘ્ધતિનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછીની લોકસભાની ચૂંંટણીઓમાં કયારેય ૬૦ ટકાથી વધુ મતદાન થયું ન હતું. અને કોઇપણ રાજકીય પક્ષે પ૦ ટકાથી વધારે મત પ્રાપ્ત કર્યા ન હતા. બીજા શબ્દોમાં કહીએ તો એ સમય દરમ્યાન જેટલા પક્ષો કે મોરચાઓ સત્તા ઉ૫ર આવ્યા તેઓ ૩૦ ટકા કરતાંયે ઓછા મતદારોના ચૂકાદા સાથે કુલ સીટો બહુમતિનો દેખાવ કરી સત્તાના સિંહાસન પર આરૂઢ થયા હતા.

ઇ.સ. ૧૯૯૧માં રાજી ગાંધીજી ગાંધીની હત્યાને પગલે સહાનુભૂતિનાં મોજા ઉપર સવાર થઇને કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવ્યો ત્યારે પ૦ ટકા નાગરીકોએ મતદાન કર્યુ હતું. પણ એને ૩૭ ટકા જ મત મળ્યા હતા. એ રીતે ભારતના કુલ મતદારોના માંડ ર૦ ટકાનો ટેકો ધરાવનારા નરસિંહરાવ આપણા દેશના વડાપ્રધાન બન્યા હતા અને તેમણે પાંચ વર્ષ સુધી આરામથી શાસન ચલાવ્યું હતું. જે દેશના ૮૦ ટકા મતદારોએ કોંગ્રેસ પક્ષને મત ન્હોતો આપ્યો તે દેશે લોકશાહીના નામે કોંગ્રેસ પક્ષના શાસનને માથે ચડાવવું પડયું હતું.

૧૯૭૭ માં ઇંદિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લઇને ચૂંટણીઓ જાહેર કરી હતી ત્યારે જનતા પાર્ટી સત્તા ઉપર આવી હતી અને મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા હતા આ જનતા પાર્ટી પાસે તે વખતે કુલ મતદાનના ૪૧.૦૩ ટકા જ મતો હતા. ભારતના મતદારોએ કોઇ પક્ષને સૌથી વધુ ટકા મતો આપ્યા હતા તે ૧૯૮૪ માં રાજીવ ગાંધીને ૪૯.૧ ટકા મતો આપ્યા હતા.

ભારતમાં શાસક પક્ષ નકકી કરવા માટે આપણા બંધારણમાં જે બ્રિટીશ પઘ્ધતિની સંસદીય લોકશાહી અપનાવવામાં આવી છે તે તદ્દન વિચિત્ર અને અતાર્કિક છે. આ લોકશાહીમાં દર પાંચ વર્ષે જે ચૂંટણીઓ યોજવામાં આવે છે તેમાં પ્રજાએ જે પક્ષને સૌથી વધુ મત આપ્યા હોય તે સૌથી વધુ બેઠકો મેળવી સત્તા ઉ૫ર આવે તેવું જરૂરી નથી. ઇ.સ. ૧૯૯૮ માં જે ચૂંટણી યોજા તેમાં આવું જ બન્યું હતું.

એ ચૂંટણીમાં ભારતીય  જનતા પક્ષને કુલ મતદાનના ૨૫.૬ ટકા જ મતો જ મળ્યા હતા. જેની સાથે કોંગ્રેસને ૨૫.૮ ટકા મતો મળ્યા હતા. પરંતુ ભાજપને એ ચૂંટણીમાં ૧૮૨ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૧૪૧ બેઠકો જ મળી હતી. આ રીતે ઓછા મત મળવા છતાં અન્ય પક્ષોનો સહારો લઇને બહુમતિએ પહોંચી ગયો હતો અને સત્તાના સિંહાસનને આંબી ગયો હતો.

ભારતની લોકશાહીમાં પ્રજાના ખેરખરા ચૂકાદાનો આટલો ક્રૂર અનાદર થાય છે તો પણ રાજકીય પક્ષો આ પઘ્ધતિ બદલવા આતુર નથી. કારણ કે આ પઘ્ધતિ હેઠળ મતદારોને બેવકૂફ બનાવી સત્તા કબ્જે કરી લેવાની એને ફાવટ આવી ગઇ છે.આ બધું એવું જ બતાવે છે કે, જો આ દેશની ચૂંટણી પ્રથામાં જ‚રી સુધારા નહિ કરાય આ દેશની લોકશાહી ખામીયુકત જ રહેશે.અત્યારની પરિસ્થિતિમાં એવો અવાજ ઊઠી રહ્યો છે કે, આ દેશમાં સંસદીય લોકશાહીનો વિકલ્પ શોધવાનો સમય પાકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.