Abtak Media Google News

જે ભૂમિ પર દૈત્યો અને અસુરોને હણી શકવાની મહાશકિત હતી તે ભૂમિ પર આતંકીઓનાં ધાડા અને એલર્ટ? તે પણ પર્વને ટાંકણે જ? આવી હાલત કૌભાંડકારોના પાપે જ નથી; રાજકર્તાઓ ‘ર્માં’ને જવાબ આપે !

નવરાત્રિનું પર્વ હવે હાથ વેંતમાં છે.

‘શકિતપૂજા’ના પર્વની ઉજવણીનો થનગનાટ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ‘પાસ’ વેચવા-વહેચવાની ગતિવિધિઓએ વેગ પકડયો છે. ખાનગીકરણનો, વ્યાપારીકરણનો, રાજકીયકરણનો અને વાતોનાં વળાંનો આરંભ છડેચોક નજરે પડી રહ્યો છે. ધાર્મિકતા-અધાર્મિકતાની, પવિત્રતા-અપવિત્રતાની, કાળાં ધોળાની, છાનીછપની પ્રક્રિયાઓની અને પૂણ્યનાં અજવાળાં પાથરતાં ગરબાઓની તેમજ ગુણિયલ ગુજરાતણોની સંસ્કૃતિસભર અસલિયતને ધરાશાયી કરીને એની છાતી ઉપર વરવી ભૌતિકતા તથા શણગાર-સૌદર્યના લપેડા સાથે નાચતી-રાસલેતી ફેશનભીની લલનાઓ એમની ધારણા મુજબના ઠાઠમાઠનો તખ્તો સજજ કરતી હોવાની જાહેરાતો-ઘોષણાઓનો ધમધમાટ પણ નજરે પડવા લાગ્યો છે. જોકે અહીં એવો સવાલ પણ ઉઠાવાય છે કે, કૌભાંડોથક્ષ ખદબદતો રહેલો આપણો સમાજ અને આપણો દેશ કઈ હોંશે અને કયા શુકને શકિતપૂજાનું પર્વ ઉજવશે?

જે ભૂમિ પર આર્યાવર્તની આણ હતી તે સમયે દૈત્યો અને ગમે તેવા અસુરોને હણી શકવાની મહાશકિત હતી તે શકિતવાન ભૂમિ પર હવે આતંકવાદીઓનાં ધાડાં અને એલર્ટ ? તે પણ આવા પર્વને ટાંકણે જ ?

શું આવી હાલત પેલા માં દુર્ગાના હાથે હણાયેલા મહિષાસુરના ઓછાયા સમા કૌભાંડકારો તથા મતિભ્રષ્ટ મોટા માંથાઓના પાપે જ નથી?

દેશમાં જીએસટી લગુ થયા બાદ અનેકવિધ ક્ષેત્રનાં વેપારીઓ જીએસટીથી કેવી રીતે બચવું તે દિમાં હંમેશા કાર્ય કરતા નજરે પડયા છે. ત્યારે નકલી તમાકુનાં નિકાસનું આશરે ૧ હજાર કરોડનું કૈભાંડ ઝડપાયું છે. સાથોસાથ ખોટા બીલ બનાવી અંદાજે રૂા.૪૦૦ કરોડના અઈટીસી રીફંડનો કલેઈમ પણ કરવામાં આવ્યો છે. સવિશેષ વાત કરવામાં આવે તો દેશ વય્પી આ કૌભાંડમાં ૬ રાજયોમાં ૨૫ સપ્લાયરોની સંડોવણી સામે આવી હોવાનું ખૂલ્યું છે. જેમાં કંડલાના શેઈઝમાંથી નિકાસ કરતી દિલ્હી એનસીઆરની કંપનીઓમાંથી ડીજીજીઆઈએ મોટુ કૌભાંડ ઝડપ્યું છે.

બીજા એક સનસનીખેજ કૌભાંડનો કિસ્સો દર્શાવે છે કે, દેશના સૌથી મોટા રાજય મધ્ય પ્રદેશમાં સૌથી સેકસ સ્કેન્ડલના પર્દાફાશ થયો છે. જેમાં રાજયના દિગ્ગજ નેતાઓ, અધિકારીઓ અને વેપારીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. દેશના સૌથી મોટા બ્લેક મેઈલીંગ સેકસ સ્કેન્ડલને લગતી ૪ હજાર જેટલી ફાઈલો તપાસ કરતી એજન્સીઓને હાથ લાગી છે.

આ ભિન્ન ભિન્ન સ્વરૂપના કૌભાંડોતો હમણા હમણાના જ છે.

બીજી તો અગણિત છે અને તે સરવાળે લગભગ રોજે રોજની ઘટના જેવા ખ્યાલ આપે છે.

કૌભાંડોની ઘટનાઓ આજની સરકારોમાં જ બને છે એવું નથી. આ પહેલાની સરકારોના શાસનમાં બની હતી. ડો. મનમોહનસિંઘની કોંગ્રેસ પ્રેરિત સરકારના દશ વર્ષના શાસનમાં પણ કૌભાંડોની ઘટનાઓનો તોટો નહોતો એ સરકારના ટોચનું સ્થાન ધરાવનાર ચિદમ્બરમ અને તેમના પુત્રે આચરેલા મનાતા જબરા કૌભાંડની તપાસ હમણા સુધી ચાલે છે. અને તેઓ જેલમાં છે. આવા અસંખ્ય કિસ્સાઓ નોંધાયા પણ છે અને છાવરી દેવાયા પણ છે !

આપણા દેશના કપાળે એ મોટામાં મોટુ કલંક છે, અને મોટામાં મોટી કમનશીબી તો એ છે કે, એનો કોઈ અંત આવતો નથી.

આપણા દેશમાં તમામ ક્ષેત્રે કૌભાંડો આચરાતાં રહ્યા છે. આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર-સભ્યતા છિન્નભિન્ન થયા છે. એને કારણે, માનવજીવનનાં મૂલ્યોનું ભયંકર અવમૂલ્યન થયું છે. એને કારણે, ધન એજ પરમેશ્ર્વર છે. એવી માન્યતાને દ્દઢ કરી દેવાઈ છે. એને કારણે અને શાસનકર્તાઓની સાંઠગાંઠને કારણે કોઈને કશોજ ‘ડર’રહ્યો નથી એને કારણે વહિવટનાં છેક ઉપરનાં સ્તરેથી પટ્ટાવાળા સુધી છેતરપીંડી, ઠગાઈ, અને હલકટાઈની ઘટનાઓ ઉભરાતી રહી છે.

વાતોનાં વળાંથી ઘરના નળિયાં સોનાના થઈ જતા નથી. જુદા જુદા તિર્થસ્થાને જઈને પાછા ફરે ત્યારે ગર્દભો અશ્ર્વો બની જતા નથી, એવી ટકોર ખોટી નથી.

આપણે બધા ‘નવરાત્રિ-પર્વ’ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરને આંગણે ઉભા છીએ. બંને હાથવેંતમાં છે.

આ લખાય છે. ત્યારે આતંકી હૂમલાની આશંકાના પગલે પઠાણકોણ સહિતના ચાર એરબેઝ ‘ઓરેન્જ એલર્ટ’ હેઠળ છે.

કૌભાંડો અને આતંકી હૂમલાઓ રેવડીવાળાના ભાઈ ગંડેરીવાળા જેવા છે. અથવા કાકા-મામાના ભાઈઓ જેવા છે. એમનાથી આ દેશને મૂકત કર્યા વિના છૂટકો નથી ! કૌભાંડો આખા સમાજને સડાવી શકે, સરકારને ઉથલાવી શકે અને દેશને ગુલામ બનાવી શકે એ ભૂલવા જેવું નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.