Abtak Media Google News

છેલ્લા 20 વર્ષમાં ભારતમાં હાર્ટ એટેકના કેસની સંખ્યા ડબલ થઇ ગઇ છે: આવા કેસોમાં 25 ટકા તો 40 વર્ષથી ઓછી વયના જોવા મળે છે

છેલ્લા એક-બે વર્ષથી નાનીવયના યુવા વર્ગમાં હાર્ટએટેકનું પ્રમાણ વધતા, સૌને ચિંતા થવા લાગી છે. ક્રિકેટ રમતા કે દાંડીયારાસ રમતા કે રૂટીંગ કાર્યના સ્થળે યુવા વર્ગને વધુ અસરો જોવા મળી રહી છે ત્યારે બોડી માસ ઇન્ડેક્સ (ઇખઈં) પરત્વે સૌએ જાગૃત થવાની જરૂર છે. તમારી ઉંચાઇ પ્રમાણે વજન સાથે શરીરના ચરબી લેવલનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આપણી ભારતીય પ્રજાના શરીરમાં ચરબીનું પ્રમાણ એવરેજ 12 થી 23 ટકા જોવા મળે છે. હાર્ટએટેકના વધતા બનાવોના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, ધુમ્રપાન અને તંબાકુના સેવન ઉપરાંત બદલાતી જીવનશૈલી, વધતું ટ્રેસ લેવલ, અનિંદ્રા, પોષ્ટિક ખોરાક અને કસરતનો અભાવ મુખ્ય કારણોમાં ગણી શકાય છે. છેલ્લા બે દશકામાં એટેકના કેસોની સંખ્યા ડબલ થઇ ગઇ છે. સૌથી ચિંતાની વાતમાં દેશના આ કુલ કેસોમાં 25 ટકા તો 40 વર્ષથી ઓછી વયના જોવા મળે છે.

આજના યુગમાં હૃદ્યનો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણી જીવનશૈલી, ખોરાક, દિનચર્યા વિગેરેમાં મોટો બદલાવ આવતાં લાઇફ સ્ટાઇલ આધારીત ઘણા રોગો વધ્યા તેમાં હાર્ટએટેક સૌથી મોખરે છે. શરીરનું સતત ધબકતું હૃદ્ય પર જ હુમલો થાય તો મોત નક્કી જ છે તેથી તેની સંભાળ વિશે સૌએ જાગૃત થવાની જરૂર છે. બ્લડનું પ્રેસર નિયમિત હોવું જરૂરી છે. લોહીનું ઉંચુ કે નીચું દબાણ ઘણી મુશ્કેલી નોંતરે છે. જેને માટે આપણે જ જવાબદાર છીએ તેથી જીવનશૈલી સાથે પ્રવૃત્તિ અને નાની કસરત કે યોગા જેવી વિવિધ બાબતો આનાથી આપણને બચાવી શકે છે.

સૌથી ચિંતાની બાબતએ છે કે ગંભીર અવસ્થામાં પહોંચ્યા પછી જ આપણને ખબર પડે છે, જેને કારણે તેનો ઇલાજ કરવો પણ મુશ્કેલ બની જાય છે. સવારે મળ્યા હોયને રાત્રે એટેકમાં મૃત્યુના ન્યુઝ કે બાથરૂમમાં ઓચિંતો એટેક આવ્યોને ત્યાં જ રામ રમી જાય તેવી ઘટના પણ આપણે સૌએ જોઇ છે. આજકાલ તો 30 વર્ષથી નીચેના યુવાવર્ગ પણ આ સમસ્યામાં ઘેરાઇ જાય છે જે ખુબ જ ચિંતાનો વિષય છે. હાલ ભારતમાં મોતના મુખ્ય કારણોમાં હૃદ્યરોગ ટોપ થ્રીમાં સ્થાન મેળવે છે.

હાર્ટએટેકના વિવિધ સંકેતો- તે થવાના કારણો સાથે બચવાના દશ ઉપાયો વિશે સૌ એ જાણકારી મેળવવી જરૂરી છે. સાવચેતી એજ સલામતી છે. હાર્ટએટેક આવ્યા બાદની તકેદારી પરેજી પાડવા કરતાં પહેલેથી જ સાવચેત થવું શ્રેષ્ઠ છે. હાર્ટની નળી બ્લોક થવી. સ્ટેન્ડ બેસાડવા કે બાયપાસ જેવી વિવિધ ટ્રીટમેન્ટ કે સર્જરી ખૂબ જ ખર્ચાળ છે. યુવાનોમાં પ્રસરતી આ સમસ્યા, વ્યસનો, જંકફૂડ, બેઠાડું જીવન, ચરબીવાળા ખોરાક સાથે ખોટી જીવનશૈલી મહત્વનો ભાગ ભજવે છે. હૃદ્યનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતી કે હૃદ્યમાં અસ્વથ્ય અને ભારેપણાનો અનુભવ થવો ક્યારેક બળતરા થાય આવામાં ડોક્ટરની સમયસરની ટ્રીટમેન્ટ તમને બચાવી લે છે.

શ્ર્વાસ લેવામાં બળ પડે ને થોડું ચાલેને હાંફ ચડે તો ચિંતાનો વિષય છે. ઠંડીની ઋતુમાં પણ સખત પરસેવો વળવા લાગે તો તરત જ મેડિકલ પરામર્શ કરવો જરૂરી બને છે. સરખો ખોરાક લેતા હો અને ઊંઘ પણ પુરી લેતા હો છતાં થાક લાગે સાથે તમારા હાથ વારંવાર સુન્ન પડી જાય ને તમારા શરીરનું કોઇપણ એક અંગ કામ કરવાનું બંધ કરી દે ત્યારે તમો ભયંકર મુશ્કેલીમાં છો જેથી ઇમરજન્સી મેડિકલી સારવાર તાકીદે લેવી જરૂરી બને છે. ઘણીવાર તો એકાએક વ્યક્તિ બોલતી વખતે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવા લાગે તો પણ એટેકની ચેતવણી માનવી. વિશ્ર્વ હૃદ્ય દિવસ દર વર્ષે ઉજવાય છે ત્યારે તેના 12 કારણો અને 10 બચવાના ઉપાયો સૌ એ જાણી લેવા જરૂરી છે. હૃદ્યની સંભાળ આજના યુગની સૌથી તાતી જરૂરીયાત છે. આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી જીંદગીમાં સૌથી વધુ શ્રમ આપણા હૃદ્યને પડે છે એ ભુલવું ન જોઇએ.

વધતી ઉંમર, પારિવારિક ઇતિહાસ, હાઇબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધવાના કારણે, ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસીડનું લેવલ વધવાથી, ધુમ્રપાન, દારૂનું સેવન, તણાવ રહેવો, સ્થૂળતામાં વધારો વિગેરે જેવા અનેક કારણો હાર્ટએટેક થવાના મુખ્ય કારણો છે. જો વ્યક્તિ આ બાબતે થોડી દરકાર રાખે તો બહું મુશ્કેલી આવતી નથી.

હાર્ટ એટેક આવે તો સૌ પ્રથમ વ્યક્તિને જમીન પર સુવડાવી દો, ચુસ્ત કપડાં પહેર્યા હોય તો તેને ખોલી નાંખો, માથુ થોડું ઉંચુ રાખીને સુવડાવો. હાથ પગને સતત ઘસતા રહો, દર્દીને શ્ર્વાસ લેવામાં પડતી તકલીફમાં તમારા મોંથી મોઢામાં હવા ભરો અને તાત્કાલીક એમ્બ્યુલન્સને ફોન કરો. આ નાનકડી પ્રાથમિક સારવારથી દર્દીને બચવાના ચાન્સ વધી જાય છે. હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીમાં દુ:ખાવો, શ્ર્વાસમાં તકલીફ, નબળા ઇમો અનુભવ થવો, તણાવ, ગભરામણ, ચક્કર આવવા કે ઉલ્ટી થવી સાથે કોઇપણ લક્ષણ ના દેખાયા વગર ડાયાબિટીસના દર્દીને સાઇલેન્ટ હાર્ટ એટેક આવી શકે છે.

કાર્ડિયોવાસ્કયુલર રોગ વર્ષે  1.8 કરોડ લોકોના જીવ લે છે !

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કાર્ડિયાક રોગોમાં   જીવલેણ હૃદયની  ગુંચવણમાં  કોરોનરી હૃદયરોગ, સંધિવા, સેરેબ્રોવેસ્કયુલર જેવી અન્ય સ્થિતિનો  સમાવેશ થાય છે. દર વર્ષે લગભગ  પોણા બેકરોડ લોકો મૃત્યુ પામે છે. આવડી મોટી સંખ્યામાં મૃત્યુના કારણોમાં આ રોગ વિશેની જાગૃતિનો અભાવ અને લોકો સુક્ષ્મ ચિન્હોની અવગણના કરે છે. જયારે રોગ ગંભીર બને ત્યારે તેઓ સારવાર લે છે.

પહેલા 60 વર્ષે આવતા હાર્ટએટેક હવે 30 વર્ષે કેમ આવે છે?

વિશ્ર્વમાં અમેરિકા, જાપાન અને યુરોપના દેશોની તુલનામાં ભારતીયોને હાર્ટ-એટેક તથા બ્લોકેજનું જોખમ વધારે છે. આગામી 2030 સુધીમાં દેશમાં સૌથી વધુ મોત કાર્ડિયાક બીમારીથી થશે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું મુખ્ય કારણ જંકફૂડ છે. વાહનોના વધતા પ્રમાણે ચાલવાનું સાવબંધને કસરતનો સાવ અભાવને કારણે પહેલા જે 60 વર્ષે આવતા હાર્ટએટેક હવે 30 વર્ષે આવવા લાગ્યા છે. ટેન્સન અને યુવાધનના રાત-ઉજાગરા પણ જવાબદાર ગણાય છે.

છાતીનો દુ:ખાવો અન્ય ઘણી જટિલતા સાથે સંકળાયેલ હોય !

હાર્ટએટેક દરમિયાન, છાતીમાં દુખાવો અન્ય ઘણી જટીલતા સાથે સંકળાયેલ છે, એ ચિન્હોમાં શ્ર્વાસ લેવામા તકલીફ, પરસેવો,  ઉબકા કે ઉલટી સાથે છાતીમાં કચડી નાખતી લાગણી જેવા ચિન્હો દર્શાવે છે.

છાતીની ડાબી સાઈડના દરેક દુ:ખાવા હાર્ટએટેક ન હોય !

છાતીની મધ્યમાં કે  ડાબી બાજુએ અસ્વસ્થતામાં  ડોકટરી સલાહ અનિવાર્ય છે, પણ છાતીનાં ડાબી સાઈડનાં દરેક  દુ:ખાવા હાર્ટએટેકના હોયએવું ન પણ બને. હૃદયરોગના  હુમલા સાથે સંકળાયેલ છાતીનાં દુ:ખાવાની સખત પીડા જેવો  અનુભવ થાય છે, એવું લાગે છે કે અચાનક છાતી પર ભારે દબાણ આવે છે.

હું નાનો છું, એટલે મને એટેક ન આવે !

ઘણા નાના  કિશોરો-તરૂણો કે યુવાનો એવું કહેતા કે વિચારતા હોય છે કે હુંતો હજી નાનો છું, મને એટેક થોડો આવે અને મારા પરિવારમાં પણ કોઈને હાર્ટ એટેક આવ્યો નથી. આવી અમુક દંત કથાઓ છે, જે લોકોને મદદ મેળવવા નિરાશ કરે છે. બિન આરોગ્ય પ્રદ ખોરાકની આદતો, ધુમ્રપાન અને મધપાન જેવા ઘણા જોખમી પરિબળો છે જે લોકોમાં હૃદયની ગૂંચવણોની ઘટનાને પ્રભાવિત કરે છે.

વહેલુ નિદાન કે સારવાર કે તબીબી મદદ લેવાથી જીવન બદલી ન  શકાય તેવા નુકશાનથી બચાવી શકાય છે.

છાતીના દુ:ખાવા બાદ શરીરમાં અન્ય અંગોનો પણ દુ:ખાવો

 

હાર્ટએટેકની બીજી વિશિષ્ટ નિશાની એ છેકે દુખાવો ઘણીવાર અંગો તરફ જાય છે. પીડાસામાન્ય  રીતે છાતીમાં શરૂ થા છે.અને ગરદન,  પીઠ, હાથ અને ખંભા સુધી ફેલાય છે. ઘણીવાર એટેક દરમ્યાન  વ્યકિતને  જડબામાં દુખાવો  થાય છે, આ પીડા થોડી મિનિટો સુધી રહે છે. ઘણીવાર તે દુ:ખાવો જાય પછી પરત પણ કરે છે. છાતીનો દુ:ખાવો અને સુસ્તતા અનુભવાતી હોય તો તરત જ  ડોકટરનો  સંપર્ક કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.