Abtak Media Google News

એનજીટીની નોટિસ બાદ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડીસા અને દિલ્હીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લદાતા ગુજરાત સરકારે પણ વિચારણા હાથ ધરી, આજે બેઠક યોજી નિર્ણય જાહેર થાય તેવી સંભાવના

એક તરફ દિવાળીનો ઉમંગ અને બીજી તરફ ફટાકડા ઉપર પ્રતિબંધની ભીતિ આ બન્ને વચ્ચે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ઘણા સમયથી વેપારીઓએ ફટાકડાનો સ્ટોક કરી લીધો છે. સામે લોકોએ દિવાળીની શાનદાર ઉજવણી કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે હવે ફટાકડા ફોડવા ઉપરનો પ્રતિબંધ લોકોને હતાશા તરફ દોરી જશે તે નક્કી છે સાથોસાથ કઈકની ભઠ્ઠી પણ અભડાવી દેશે તે પણ નક્કી છે.

Advertisement

એનજીટીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોને ફટાકડાં પર પ્રતિબંધ મૂકવા નોટિસ ફટકારી છે. હવા-અવાજના પ્રદુષણ ઉપરાંત કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ફટાકડાં ફોડવા કે નહીં તે મુદ્દે હવે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે એવી સંભાવના છેકે, આ વખતે દિવાળીએ ફટાકડાંના અવાજ નહી સંભળાય અને આકાશમાં રાત્રે આતશબાજીનો નજારો જોવા નહીં મળે. આજે  રાજ્યસરકાર આ મુદ્દે  નિર્ણય લે તેવી શક્યતા જોવાઇ રહી છે.

દિવાળીના દિવસોમાં ફટાકડાંને હવા-અવાજના પ્રદુષણનુ સ્તર વધે છે. આ વખતે કોરોનાનુ સંક્રમણ હજુય યથાવત છે. આ બધીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઓડિસા સરકારે ફટાકડાં ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. દિલ્હી સરકારે પણ ફટાકડાં પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.

હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા હાથ ધરી છે.  પર્યાવરણવાદીઓ છેલ્લા કેટલાંય વખતથી આ મુદ્દે લડત આપી રહ્યાં છે ત્યારે ગ્રીન નેશનલ ટ્રિબ્યુનલે બધાય રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ આપી ફટાકડાં સંદર્ભમાં ખુલાસો પૂછ્યો છે. ગઈકાલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણી હાથ ધરી હતી. વધુ સુનાવણી ૯મી નવેમ્બરે હાથ ધરાશે.

આ તરફ, દિવાળી હવે નજીક આવી છે ત્યારે કોરોનાના લીધે આમેય ફટાકડાં બજારો સુના પડયાં છે.તેમાં ય જો ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકાશે તો, સિઝનલ ધંધો કરનારાં વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. દિવાળીને લીધે વેપારીઓએ ફટાકડાંનો વેપાર થવાની આશા હતી પણ નવી આફત આવે તેવા એંધાણ છે. સરકારની વિચારણાને પગલે ફટાકડાંના વેપારીઓની ચિંતા વધી છે.

આજે  મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ગૃહવિભાગ- ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં ફટાકડાં ફોડવા મુદ્દે તમામ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યાર બાદ રાજ્ય સરકાર ફટાકડાં પર પ્રતિબંધ મુદ્દે નિર્ણય જાહેર કરશે.

મહામારી વચ્ચે લોકોને માનસિક સ્વસ્થ રાખવા ઉજવણીનું મહત્વ કેટલું?

કોરોનાની મહામારીના લીધે લોકો માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. આ દરમિયાન તહેવારોની ઉજવણી લોકોમાં નવા ઉમંગ અને ઉત્સાહના રંગો પુરા પાડશે. છેલ્લા ઘણા સમયથી લોકો એકઠા થઈને કોઈ તહેવાર ઉજવી શકયા નથી.

ત્યારે થોડા દિવસોમાં આવનાર દિવાળીનો તહેવાર લોકોને માનસિક સ્વસ્થ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. જો આ તહેવાર ફિક્કો રહેશે તો લોકો હજુ પણ માનસિક અસ્વસ્થ જ રહેશે.

અનેક જિલ્લાઓમાં કલેકટર અને પોલીસ કમિશનરોએ ફટાકડા ફોડવા અંગેના જાહેરનામાઓ પણ પ્રસિધ્ધ કરી દીધા!

એક તરફ ગુજરાત સરકારે ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા શરૂ કરી દીધી છે. તો બીજી તરફ મોટાભાગના જિલ્લાઓમાં કલેકટર અને પોલીસ કમિશનરોએ બે દિવસ પૂર્વે જ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધું છે. જેમાં રાત્રે ૧૦થી સવારે ૬ દરમિયાન ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. એટલે કે બાકીના સમયમાં ફટાકડા ફોડવા ઉપર છૂટ અપાઈ છે. હવે સરકાર ફટાકડા ફોડવા ઉપર રાજ્યકક્ષાએથી જ પ્રતિબંધ લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. તો કલેકટર અને પોલીસ કમિશનરોએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા રદ કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે એક તરફ હજુ દિવાળીના તહેવાર ઉપર ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાનું નક્કી નથી. તેવામાં અધિકારીઓએ ફટાકડા ફોડવાની છૂટ આપતું રાજીનામુ પ્રસિદ્ધ કરી દેતા જોવા જેવી સર્જાઈ છે. આ જાહેરનામાના આધારે ઘણા વેપારીઓએ તો પોતાની દુકાનોમાં ઠાસી ઠાસીને સ્ટોક ભરી લીધો છે. ત્યારે હવે આ વેપારીઓને માથે ઓઢીને રોવાનો વારો આવશે. ઉપરાંત અનેક લોકોએ તો દુકાનોમાંથી ફટાકડાની ખરીદી પણ કરી લીધી છે. હવે આ ફટાકડા આવતી દિવાળી માટે રાખવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.