Abtak Media Google News

યોગી સરકાર હવે પ્રસ્તાવ પાસ કરીને સંસદને મોકલશે કેન્દ્ર સરકાર કરશે નિર્ણય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ઓબીસી હેઠળની 17 પેટા જ્ઞાતિઓને અનુસુચિત જાતિ(એસસી)માં સમાવિષ્ટ કરવાનો પ્રસ્તાવ હવે સંસદમાં મુકશે અને આ અંગે હવે સંસદ જ નિર્ણય કરશે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે, જ્યારે આ પ્રકારનું પગલું ભરવું હોય તો તેના માટે બંધારણના આર્ટીકલ 341માં ફેરફાર કરવો જરૂરી છે. બંધારણની કલમ 341 સંસદને સત્તા આપે છે જેના હેઠળ અમુક જ્ઞાતિઓને ઉત્થાન માટે અનુસુચિત જાતિ કે જનજાતિમાં સમાવેશ કરીને અનામત સહિતના લાભો આપી શકાય છે.

Advertisement

અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉની બે સરકારો દ્વારા આ પ્રકારના પ્રસ્તાવને રદ કર્યા હતા. જેમાં 17 ઓબીસી પેટા જાતિઓને એસસી સૂચિમાં સમાવવા માટે દરખાસ્ત મુકાઈ હતી. જે બાદ હવે યુપીની યોગી સરકાર હવે 17 જ્ઞાતિઓને એસસી તરીકે પુન:વ્યાખ્યાયિત કરવા માટે યોગ્ય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે અને તેની તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે. બંધારણના અનુચ્છેદ 341 હેઠળ ફેરફારને લાગુ કરવા માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલવાનો હોય છે. કલમ 341 રાજ્યની એસસી જાતિઓની સૂચિમાં સમાવેશ અથવા બાકાત રાખવા માટે એકલા સંસદને સત્તા આપે છે.

આ પગલું ભાજપ દ્વારા તેના સાથી પક્ષ નિષાદ પક્ષને આપેલા વચનને પૂર્ણ કરવા માટે ભરાવમાં આવ્યું છે તેવું હાલ સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. નિષાદ પક્ષનો મોટો મુદ્દો એ છે કે,  જેનો કેસ એ છે કે ઓબીસી હેઠળની 17 પેટાજાતિઓ અથવા પર્યાય અટકોવાળી જાતિઓ પહેલેથી જ એસસી સૂચિનો ભાગ છે. ઉદાહરણ તરીકે મજવાર (નાવડીઓ) એસસી છે પરંતુ મલ્લાહ, નિષાદ, કેવત્સ, માંઝી, મછુઆ એક જ મઝવાર સમુદાયની જુદી જુદી અટકો ઓબીસી સૂચિનો ભાગ છે. એ જ રીતે, જ્યારે ’શિલ્પકાર’(કારીગર) એસસી સૂચિનો ભાગ છે પરંતુ પ્રજાપતિ અને કુમ્હાર (કુંભાર સમુદાય) જેવી સમાનાર્થી જાતિઓ ઓબીસી છે. તેથી આ જાતિઓને એસસી તરીકે ફરી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે.

મળતી માહિતી મુજબ નિષાદ પક્ષના વડા મંગળવારે સીએમ યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને આ દિશામાં ઝડપથી આગળ વધવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશમાં 12 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનારી છે તે જ સમયે આ પગલું લેવામાં આવ્યું છે.  બુધવારે પત્રકારો સાથે વાત કરતા નિષાદે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે ક્યારેય આ ફેરફાર કરવાની સત્તા નહોતી પરંતુ 2005 અને 2016 માં સપાની અગાઉની સરકારોએ તેના સંબંધિત સરકારી આદેશો પસાર કરીને સમુદાયને “મૂર્ખ” બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નોંધનીય બાબત એ પણ છે કે, વર્ષ 2019માં ભાજપે પણ આ પ્રકારનો જ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.  નિષાદે કહ્યું કે, હવે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ નથી, કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સફળતાપૂર્વક ફેરફાર કરી શકે છે.

નિષાદ સાથેની બેઠક પછી સીએમ યોગીએ સામાજિક કલ્યાણ મંત્રી અસીમ અરુણને કેન્દ્રને મોકલવા માટે મજબૂત દરખાસ્ત તૈયાર કરવા નિર્દેશ આપ્યાનું પણ જાણવા મળી રહ્યું છે. અમે બંધારણની કલમ 341 હેઠળ કેન્દ્રને શક્ય તેટલી વહેલી તકે દરખાસ્ત મોકલવા પર કામ કરી રહ્યા છીએ, તેવી અરુણે પુષ્ટિ આપી છે.

અલાહાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે બે પ્રસ્તાવો રદ્દ કર્યા હતા. જેમાં એક 2016 માં એસપી સરકાર હેઠળ અને બીજી 2019 માં ભાજપ સરકાર હેઠળ જારી કરવામાં આવ્યો હતો. અલ્લાહબાદ હાઇકોર્ટે એવું અવલોકન કરતા પ્રસ્તાવ રદ્દ કર્યો હતો કે, માત્ર કેન્દ્રને ઓબીસીને એસસીમાં બદલવાનો અધિકાર છે. સમગ્ર પરિવર્તન યુપીની રાજનીતિ માટે અભિન્ન છે અને લગભગ 45% વસ્તી ઓબીસી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નિષાદ પાર્ટી સાથેનું જોડાણ જાળવી રાખવા માટે ભાજપના પ્રયાસો માટે પણ તે નિર્ણાયક છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ છ બેઠકો જીતી હતી.

ગયા વર્ષે ભાજપ અને નિષાદ પાર્ટીની સંયુક્ત રેલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સમુદાયને વચન આપ્યું હતું કે એસસી તરીકે માન્યતા આપવાની તેમની માંગ પૂરી કરવામાં આવશે.  ટૂંક સમયમાં જ રાજ્ય દ્વારા દિલ્હીમાં રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરને પણ એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં આ મુદ્દે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.

શું છે બંધારણની કલમ 341?

બંધારણની કલમ 341 સંસદને સતા આપે છે જેના હેઠળ કોઈ પણ જ્ઞાતિ કે સમુદાયને તેના ઉત્થાન માટે અનુસુચિત જાતિ કે જનજાતિમાં સમાવેશ કરી શકાય છે. આ અનુચ્છેદ હેઠળ સંસદ આ પ્રકારના નિર્ણયો લઈ શકે છે. જો કોઈ જાતિ કે સમુદાયનો સમાવેશ અનુસૂચિત જાતિ કે જનજાતિ હેઠળ કરવામાં આવે તો તેમને અનામત સહિતના લાભો આપવામાં આવે છે. પરંતુ આવું કરવા પાછળ જે તે જ્ઞાતિ કે સમુદાયને ખરેખર ઉત્થાનબી જરૂરિયાત છે કે નહીં ? તેનું અવલોકન કરવું જરૂરી છે.

ઓબીસીને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવા પાછળ હેતુ શું?

જો ઓબીસીની 17 જ્ઞાતિઓને અનુસુચિત જાતિમાં સમાવેશ કરી દેવામાં આવે તો તેમને અનામત સહિતના લાભો સીધા જ મળતા થઈ જશે. આ સમુદાયને અનુસૂચિત જાતિને આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવશે. હવે લોકસભાની ચૂંટણી પૂર્વે જ આ નિર્ણય લેવામાં આવે તો તેની અસર ચોક્કસ લોકસભા ચૂંટણીમાં દેખાશે. ફક્ત એકલા યુપીમાં જ કુલ વસ્તીના 45% ઓબીસીની વસ્તી છે જેનો સીધો લાભ એનડીએને મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.