Abtak Media Google News

લાખો લોકોની આસ્થાનું પ્રતિક રાજકારણનું એપી સેન્ટર ન બનવું જોઇએ

  • રાજકારણમાં નરેશભાઇની જરૂરીયાત નથી પરંતુ સમાજના વિકાસ માટે તેની ખુબ જ જરૂરિયાત છે
  • ખોડલધામ પ્રત્યે ભાવિકોની આસ્થા અડગ રહે તેવો નિર્ણય નરેશભાઇની લોકપ્રિયતામાં વધારો કરશે
  • પોતાનો અંગત સ્વાર્થ સંતોષવા કેટલાક લોકોની મેલી મુરાદ મંદિરની ગરિમાને ઝાંખપ લગાવે છે
  • એકતાથી મહાયુઘ્ધ પણ જીતી શકાય છે નરેશભાઇ સમાજને એક તાંતણે બાંધી રાખે તો રાજનિતીમાં આવ્યા વિના જ ‘સરકાર’

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક અને સૌરાષ્ટ્રના એક પવિત્ર યાત્રાધામ તરીકેની ગરીમા ઉભી કરનાર ખોડલ ધામ હવે જાણે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર બનવા તરફ જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાગવડમાં ખોડીધામનો પાયો નાંખી લેઉવા પટેલ સમાજને છેલ્લા પાંચ વર્ષથી એકતાના તાંતણે બાંધનાર નરેશભાઇ પટેલની રાજકીય મમતા હવે આ પાવન તીર્થધામના બે ઉભા ફાડીયા કરી નાંખે તેવી દહેશત વર્તાવા લાગી છે. ખોડલધામનો કયારેય રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ નહી કરવામાં આવે તેવી જાહેરાત એક બે વાર નહી અનેકવાર  કરવામાં આવી છે પરંતુ હવે માઁ નું ધામ જાણે રાજકારણનું મેઇન પોઇન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ મહિના પૂર્વ રાજનીતિમાં સક્રિય થવાની ઇચ્છા વ્યકત કરી ચુકયા છે. અને તેઓએ આ અંગે સમાજ કહેશે તેમ કરીશુ તેવું અનેકવાર કહી ચૂકયા છે. ખોડલધામ ટ્રસ્ટના સેંકડો સ્વયંસેવકો દ્વારા હાલ મંદિરના વિકાસ માટે ગામે ગામ પ્રચાર કરવાના બદલે છેલ્લા કેટલાક મહિનાની નરેશભાઇએ રાજકારણમાં આવવું જોઇએ કે કેમ? અને રાજનીતિમાં આવે તો કયાં પક્ષમાં જોડાવવું જોઇએ તેનો સર્વે કરી રહ્યાં છે.

હાલ રાજકારણમાં નરેશભાઇ પટેલની કોઇ અનિવાર્ય આવશ્યકતા નથી પરંતુ સમાજને તેઓ જેવા સ્વચ્છ અને નિસ્વાર્થ વ્યકિતની સેવાની  ખુબ જ ઝાઝી જરુરત છે. 2012માં ખોડલધામ મંદિરના શિલાન્યાસ અને 2017માં ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ માત્ર પાંચ જ વર્ષના ટુંકા ગાળામાં નરેશભાઇની દિર્ધદષ્ટીના કારણે ખોડલધામ માત્ર સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાતનું એક સુંદર અને પવિત્ર યાત્રાધામ બની ગયું છે. માટેલને માઁ ખોડીયારનો ઘરો કહેવામાં આવે છે પરંતુ હવે ખોડલધામનું મહત્વ માટેલ કરતાં પણ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે જો નરેશભાઇ પટેલ સમાજને એક તાંતણે બાંધી રાખશે તો તેઓ રાજકારણમાં જોડાયા વિના જ ‘સરકાર’ બની રહેશે.

ખોડલધામની સ્થાપના પાછળનો હેતુ માત્રને માત્ર  સમાજની એકતાએ અખંડિત રાખી વધુ મજબુત બનાવવાની હતી. પરંતુ આ પવિત્ર  સ્થળનો હવે રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો નરેશભાઇએ રાજકારણમાં આવવું  જોઇએ કે કેમ? તેનો સર્વે પણ પુરો થયો નથી ત્યાં ખોડલધામમાં ફાડિયા પડવા માંડયા છે. ખુદ ટ્રસ્ટીઓ વિરોધભાસી નિવેદનો આપવા માંડયા છે.

નરેશભાઇ પટેલની સમાજને ખુબ જ જરુરીયાત છે તેવું એક એક વ્યકિત કહી રહ્યા છે આવામાં જો તેઓ રાજકારણમાં નહી જોડાવવાનો નિર્ણય કરશે તો ખોડલધામની ગરીમામાં વધારો થશે સાથો સાથે સમાજમાં પણ તેઓનું માન-પાન વધી જશે. તેઓ કયાં પક્ષમાં જોડાય તે મહત્વનું નથી પરંતુ રાજનીતિમાં ન આવે તે અગત્યનું છે.

કોઇપણ તીર્થધામ સમાજને જોડવાનું કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી ખોડલધામ પણ આ ભુમિકા અદા કરી રહ્યું છે. પરંતુ ટ્રસ્ટના સર્વેસર્વા એ જયારથી રાજકારણમાં  સક્રિય થવાના સંકેતો આવ્યા છે ત્યારથી અંદર ખાને અસંતોષનો ગણગણાટ શરુ થઇ ગયો છે. વર્ષોથી નરેશભાઇના પડયા બોલ ઝીલતા હજારો યુવાનો દિલથી એવું ઇચ્છી રહ્યા છે કે નરેશભાઇ માત્ર ખોડલધામનો વિકાસ કરી સમાજની એકતાને લોખંડી મજબૂતાઇ આપે નહી કે રાજકારણમાં જઇ સમાજના ફાડિયા કરવામાં નિમિત બને.

સર્વે ગમે તે આવે પરંતુ  નરેશભાઇએ સમાજની સાથે પોતાની અંતર આત્માનો અવાજ સંભાળી માઁ ખોડલધામની ભકિત કરવી જોઇએ જો આવું કરશે તો તેઓ ‘નેતા’ બન્યા વિનાજ આવી ‘સરકાર’ બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

ખોડલધામનો રાજકીય પ્લેટ ફોર્મ તરીકે ઉપયોગ કેમ? પ્રવકતાએ કર્યુ પછી વાત કરીશું!

સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલે રાજકારણમાં જોડાવવું જોઇએ કે નહીં ? અને જોડાય તો કયાં પક્ષમાં જોડાવવું જોઇએ? તેનો સર્વે ખોડલધામના હજારો સ્વયં સેવકો ગામે ગામ કરી રહ્યા છે. જયારે ખોડલધામ તીર્થધામના પાયા નંખાયા ત્યારથી લઇ અત્યાર સુધીમાં સેંકડો વારએ વાતનો ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખોડલધામને ઉ5યોગ કયારેય રાજકીય પ્લેટ ફોર્મ તરીકે કરવામાં નહી આવે દરમિયાન જે રીતે નરેશભાઇના રાજકારણના પ્રવેશ અંગે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી સર્વ કરવામાં આવી રહ્યો છે તેને આધારે આજે ‘અબતક’ દૈનિકે ખોડલધામ  ટ્રસ્ટના પ્રવકતા હસમુખભાઇ લુણાગરીયા સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન તેઓને એવો પ્રશ્ર્નો કર્યા હતા કે ખોડલધામનો રાજકીય ઉપયોગ કેમ થવા માંડયો છે. ત્યારે તેઓએ એવો જવાબ આપ્યો હતો કે આજે ખોડલધામ ટ્રસ્ટની બેઠક હોવાના કારણે તેઓ ખુબ જ વ્યસ્ત છે આ અંગે પછી વાત કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.