Abtak Media Google News

આ અસરકારક મુદાઓ પર ભાજપ લોકસભાની વૈતરણી પાર ઉતરશે કે બાજપેયીના

‘ફીલગુડ’ મુદાની જેમ નિષ્ફળતા મેળવશે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર 

લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે જયારે આ ભારતના ઈતિહાસમાં એક જ વ્યકિત પર ચૂંટણી લડાતી હોય તેવો પહેલો બનાવ બનનારો છે. આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે અને સામેના વચ્ચે લડનારી છે. ત્યારે મોદી સરકારના રાષ્ટ્રવાદ, આર્થિક વિકાસ અને પાકિસ્તાન સામે ગૂઢનીતિના મુદા પર આ ચૂંટણી લડાનારી છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર દરમ્યાન આ મુદાઓનો જોરશોરથી પ્રચાર કરવામાં આવનારો છે. ત્યારે આ મુદાઓ અસરકારક રહીને ફરીથી દેશમાં મોદી સરકાર આવશે કે બાજપાઈ સરકારના ફીલગૂડ પ્રચારની જેમ નિષ્ફળ નીવડશે તેના પર રાજકીય નિરીક્ષકોની નજર રહેનારી છે.

કારગીલ યુધ્ધમાં જીત બાદ બાજપાઈ સરકારે ૧૯૯૯માં આવેલી ચૂંટણી વખતે ‘ફીલગૂડ’ પ્રચાર ઝુંબેશ જોરશોરથી કરી હતી. પરંતુ, મતદારોએ બાજપાઈ સરકારના ‘ફીલગૂડ’ ઝુંબેશને નકારીને યુપીએને બહુમતી અપાવી હતી. જેથી તે સમયે ભાજપના ચૂંટણી પ્રચારના ચાણકય ગણાતા સ્વ. પ્રમોદ મહાજનની ‘ફીલગુડ’ ઝુંબેશ નિષ્ફળ નીવડી હતી. મોદી સરકારે દેશમાં આર્થિક મોરચે લીધેલા અનેક ક્રાંતીકારી પગલાના કારણે દેશમાં અનેક નવા પરિવર્તનો આવ્યા છે.

પરંતુ તેના કારણે વિવિધ ક્ષેત્રના દેશવાસીઓનો અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડયો છે. જેથી આર્થિક મોરચે દેશના થયેલા વિકાસનો મુદો આ ચૂંટણીમાં ભાજપનો એક મહત્વપૂર્ણ મુદો હશે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે પણ ભાજપ ગુજરાતમાં થયેલા વિકાસના મુદા ચૂંટણી લડી હતી અને તેને સફળતા મળી હતી જેથી આ ચૂંટણીમાં પણ વિકાસનો મુદો પણ ભાજપ માટે મહત્વનો ચૂંટણી મુદો રહેનારો છે.

તાજેતરમાં કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એરસ્ટ્રાઈકમાં અનેક આતંકવાદી કેમ્પોનો સફાયો બોલાવીને ૩૦૦ જેટલા આતંકવાદી શખ્સોને મારી નાખ્યા હતા. જેથી દેશભરમાં રાષ્ટ્રવાદની નવી લહેર પ્રસરી જવા પામી હતી. આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ દેવાનો રાષ્ટ્રવાદનો મુદો પણ ભાજપના ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદો રહેવાનો છે. ભાજપ આ મુદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રખર રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉપસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કારગીલ યુધ્ધમાં વિજય બાદ ૫ણ ભાજપે વડાપ્રધાન વાજપાયીને રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉપસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ૧૯૯૯માં થયેલી લોકસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપના આ મુદાને અસરકારક ન માનીને યુપીએની તરફે મતદાન કર્યું હતુ. જેથી આ ચૂંટણીમાં એનડીએને કારમી હારનો સામનો કરવો પડયો હતો. જેથી આ ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન મોદીને રાષ્ટ્રવાદી નેતા તરીકે પ્રસ્થાપિત કરવાનો મુદો કેટલો અસરકારક રહે છે. તેના પર રાજકીય વિશ્ર્લેષકોની નજર રહેનારી છે.

આમપણ ભાજપ અને સંઘના આક્રમક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને ભૂતકાળમાં મતદારોનો સારો પ્રતિસાદ મળ્યો નથી જે ઉલ્લેખનીય છે કે, ઉપરાંત આ ચૂંટણીમાં તાજેતરમાં પાકિસ્તાન સામે ગુઢનીતિમાં ભારતના થયેલા વિજયનો મુદો પણ ભાજપ માટે મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો બનનારો છે. ભારતને રાજકીય, આર્થિક અને સામાજીક રીતે અસ્થિર કરવા પાકિસ્તાન આઝાદીના સમયથી સતત પ્રયત્નશીલ રહ્યું છે.

ભારતને અસ્થિર કરવા આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા જુથોને રહેણાંક અને આર્થિક સહિતની તમામ મદદો દાયકાઓથી કરતુ આવ્યું છે. જેથી આતંકવાદના આકા બની બેઠેલુ પાકિસ્તાન સામે વિશ્ર્વકક્ષાએ અસરકારક કાર્યવાહી કરવામા અત્યાર સુધીની સરકારો નબળી પૂરવાર થઈ હતી જયારે મોદી સરકાર આવ્યા બાદ કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો કરનારા આતંકવાદી સંગઠ્ઠનો પર ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી આ સર્જીકલ સ્ટ્રાઈકમાં અનેક આતંકવાદી કેમ્પો અને સેંકડો આતંકીઓ માર્યા ગયા હતા.

આ સર્જીકલ સ્ટ્રાઈકમાં માર ખાધા બાદ પણ નહી સુધરેલા પાકિસ્તાને આતંકવાદી તત્વોને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી જેથી, તાજેતરમાં કાશ્મીરના પુલવામામાં અર્ધલશ્કરી દળોના જવાનો પર જૈશ મહંમદના આત્મઘાતી આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશ છવાઈ ગયો હતો. જેથી, મોદી સરકારે ભારતીય વાયુસેનાને એર સ્ટ્રાઈક કરવાની છૂટ આપી હતી.

જેથી પીઓકેમાં આવેલા આતંકવાદી કેમ્પોનો સફાયો બોલાવીને ૩૦૦ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જે બાદ પાકિસ્તાને વળતો જવાબ આપવાનો પ્રયાસ કરતા ભારતમાં ઘુસેલા તેના લડાકુ વિમાનને તોડી પાડનારા વાયુદળના કેપ્ટન અભિનંદન પાકિસ્તાનમાં પકડાયા હતો. કેપ્ટન અભિનંદનને ૪૮ કલાકમાં સહી સલામત છોડાવવા તથા પાકિસ્તાન પર વિશ્ર્વ કક્ષાના વિવિધ પ્રકારના પ્રતિબંધ મુકાવવામાં મોદી સરકારને ભારે સફળતા મળી હતી.

જેથી, ભારતનાં પરંપરાગત દુશ્મન મનાતા પાકિસ્તાન સામે થયેલો ગૂઢનીતિમાં વિજયી પણ ભાજપનો આગામી ચૂંટણીમાં મહત્વનો પ્રચાર મુદો રહેવાની સંભાવના છે. આગામી ચૂંટણીમાં ભાજપ પર આ ત્રણેય મુદાઓ પર પ્રચાર પ્રસાર કરીને ફરીથી લોકસભામાં જીત મેળવવા માટે પ્રયત્ન હાથ ધરનારી છે. પરંતુ આ મુદાઓપર આકર્ષાઈને મતદારો ભાજપ તરફી હોંશભેર મતદાન કરે છે કે બાજપાઈના સમયમાં ‘ફીલગૂડ’ પ્રચાર ઝુંબેશને નિષ્ફળતા મળી હતી તેવી રીતે આ મુદાઓને ન સ્વીકારી બીજા મુદાઓ પર ભાજપની વિ‚ધ્ધમાં મતદાન કરે છે તે તો સમય પણ કહી શકે તેમ છે. પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં આવનારા પરિણામો દેશ માટે ઐતિહાસીક સાબિત થનારા છે. તેમાં બેમત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.