Abtak Media Google News

ગુજરાત ભાજપમાં બધુ સમુ સુતરૂ નથી તે વાત નિશ્ર્ચીત છે. ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભલે રેકોર્ડ બ્રેક જીત મળી હોય પરંતુ હાલ સત્તાધારી પક્ષમાં વિવાદો પણ ચરમસીમા પર છે. દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા ધડાકા થવાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. લોકસભાની ચૂંટણી માથે હોય નેતૃત્વ પરિવર્તનની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારની સંભાવના હાલ દેખાય રહી છે. બોર્ડ-નિગમમાં પણ નિમણુંકની ચર્ચાઓ ચાલી રહી છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે હતા. તેઓના ગયાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની બે દિવસની મૂલાકાતે આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ઓચિંતી દિલ્હીની મૂલાકાત બાદ સસ્પેન્સ વધુ ઘેરાયુ: સરકાર કે સંગઠનમાં નવી ઉથલપાથલની સંભાવના

કોનો ફટાકડો ફૂટી જશે, કોનુ રોકેટ ઉડશે: ચકરડી ઘુમવા લાગી, હવે આતશબાજીની રાહ

બી.એલ. સંતોષની એન્ટ્રીથી ફિલ્મનું ટ્રેલર જાણે લોન્ચ થયું હોય તેવો માહોલ

તેઓએ પાટનગર ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પીએમએ બેઠક કરી હતી. પીએમના ગુજરાત પ્રવાસના બીજા જ દિવસે ઓચિંતુ સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને દિલ્હી દરબારનું તેડું આપ્યુ હતું. ગઇકાલે મુખ્યમંત્રી દિલ્હીની મૂલાકાતે હતા. તેઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. સપ્ટેમ્બર-2021માં ગુજરાતમાં નેતૃત્ય પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષની પણ અચાનક એન્ટ્રી થતા સસ્પેન્સ વધુ ઘેરૂં બન્યુ છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષની જ્યારે-જ્યારે એન્ટ્રી થઇ છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મોટો પડકાર આવ્યો છે. કોઇપણ વાદ-વિવાદ વિના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીનું રાજીનામું લઇ લેવામાં અને ત્યારબાદ આખી સરકારની નવી રચના કરવામાં તેઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવા પામી છે. અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જ્યારે-જ્યારે વડાપ્રધાન કે કેન્દ્રીય ગૃહમંત્રી અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને મળતા હતા ત્યારે ક્યારેય બી.એલ.સંતોષને સાથે રાખવામાં આવતા ન હતા. પરંતુ ગઇકાલે મુખ્યમંત્રીના ઓચિંતા દિલ્હી મુલાકાત દરમિયાન સંતોષને સાથે રાખવામાં આવ્યા હતા. જે એક મેસેજ કાર્યકરોમાં પાસ કરે છે કે હવે બી.એલ.સંતોષની એન્ટ્રી થઇ ચુકી છે. ગુજરાતના રાજકારણમાં ગમે ત્યારે મોટો ધડાકો થઇ શકે તેવી સંભાવના જણાઇ રહી છે. સીએમ અને સી.આર.ના સતત દિલ્હીના દોડા અને મિટીંગોના ધમધમાટથી ભાજપમાં અંદરખાને બહુ મોટું રંધાઇ રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગમે ત્યારે મોટો ધડાકો થશે.

ગુજરાત ભાજપમાં હાલ તોફાન પહેલાની શાંતિ છે. અસંતોષની આગ લબકારા મારી રહી છે. હવે ગમે ત્યારે જ્વાળામુખી બની ફાટે તે પૂર્વ હાઇકમાન્ડ આગ ઠારવાની ભૂમિકામાં આવી ગયું છે. રેકોર્ડબ્રેક બેઠક જીતવા છતા મંત્રી મંડળ માત્ર 17નું રાખવામાં આવ્યું છે. વિધાનસભાની બેઠકો મુજબ નિયમ અનુસાર ગુજરાત સરકારનું મંત્રી મંડળ 27 સભ્યોનું રાખી શકાય છે. હજી 10 જગ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વ તમામ જિલ્લા અને જ્ઞાતિ-જાતિના સમિકરણોના સોગઠા ગોઠવી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા પણ દેખાય રહી છે.

આ ઉપરાંત ભાજપ સંગઠનમાં પણ બે મહામંત્રી અને મંત્રી સહિતની જગ્યાઓ ખાલી પડી છે. જે લોકસભાની ચૂંટણી પહેલા ભરી દેવામાં આવે તેવુ લાગી રહ્યું છે. બોર્ડ-નિગમમાં પણ નિમણુંકની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. મુખ્યમંત્રીના દિલ્હીના આંટાફેરા વધતા અટકળોની આંધી ચાલી રહી છે.

છેલ્લા એક મહિનામાં ભૂપેન્દ્રભાઇ પટેલ ચાર વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા સખળ-ડખળના એંધાણ વર્તાય રહ્યા છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ મોટો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના દેખાય રહી છે. દિવાળી પહેલા સરકાર કે સંગઠનમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે.

કાલે ભૂપેન્દ્રભાઈ ભૂજમાં મોહન ભાગવતને મળશે

કચ્છના ભૂજમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારણી યોજાઈ રહી છે. સંઘ સુપ્રીમો બે દિવસ પહેલા જ કચ્છમાં આવી પહોચ્યા છે. દરમિયાન  આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂજ ખાતે જશે  અને ત્યાં સંઘના વડા મોહન ભાગવત સાથે  બેઠક કરશે. કાર્યકારીણી  દરમિયાન  આરએસએસના અરૂણકુમાર પણ સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.