11 જિલ્લાઓમાં મતદાનમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો, સરેરાશ 60.75 ટકા મતદાન

સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો ઉત્સાહ ઘટ્યો!!

સૌથી વધુ મોરબીમા 69.77 ટકા મતદાન, સૌથી ઓછું બોટાદમાં 57.43 ટકા મતદાન

સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો ઉત્સાહ ઘટ્યો હોય તેવા મતદાનના આંકડા આવ્યા છે. 11 જિલ્લાઓમાં મતદાનમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો થયો છે. અહીં સરેરાશ 60.75 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મોરબીમા 69.77 ટકા મતદાન અને સૌથી ઓછું બોટાદરમાં 57.43 ટકા મતદાન નોંધાયું છે.

પાંચ વર્ષમાં એક વાર મતદારના હાથમા શાસકો ચૂંટવાનો અધિકાર આવ્યો ગતો. ગઈકાલે તા. 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના 11  જિલ્લાઓની 48, કચ્છની 6, દક્ષિણ ગુજરાતની 35 સહિત 89 બેઠકો માટે મતદાન થયુ હતું. ગુજરાત વિધાનસભાની કૂલ 182 બેઠકો પૈકી ગઈકાલે કાલે 89 બેઠક માટે મતદાન થયું હતું. જ્યારે  તા. 5  ડિસેમ્બરે મધ્ય,ઉત્તર ગુજરાતની બાકીની 93  બેઠકો  બેઠકોની ચૂંચણી થશે અને તા. 8 ડિસેમ્બરે તમામ બેઠકોનું પરિણામ જાહેર થશે. એકેય પક્ષનો ગઢ નથી તેવા સૌરાષ્ટ્રની  નિર્ણાયક 48  બેઠકો જીતવા દિગ્ગજ નેતાઓએ ભાષણોનો,પ્રચારનો મારો ચલાવ્યો હતો પરંતુ, મોંઘવારીથી ત્રસ્ત લોકો એકંદરે નિરૂત્સાહ રહ્યા છે. મતદાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની સૌથી વધુ 8 અને પોરબંદર,બોટાદ,દ્વારકા જિલ્લાની બે-બે બેઠકો છે. કૂલ 48  ધારાસભા મતવિસ્તાર માટે 13,452  મતદાન મથકો નક્કી કરાયા હતા. સૌરાષ્ટ્રમાં કૂલ 65.88 લાખ પુરૂષો અને 61.73 લાખ સ્ત્રી સહિત કૂલ 1,27,62,795ને મતદારો હતા. આ મતદારોને ચૂંટણી પંચ દ્વારા  જ આ વખતે ક્યુઆર કોડ સાથેની સ્લીપનું ઘરે ઘરે વિતરણ કરવા આયોજન કર્યું હતું. પણ લોકોમાં આ ચૂંટણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં 64.23 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. પણ આ વખતે મતદાનમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ 11 જિલ્લામાં સરેરાશ 60.75 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મોરબીમા 69.77 ટકા મતદાન થયું છે. સામે સૌથી ઓછું પોરબંદરમાં 58.96 ટકા મતદાન નોંધાયું છે.

પાછલી ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટીમાં ભાજપને તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો હતો, પરંતુ આ વર્ષે મતદારોનું વલણ બેધારી તલવાર જેવું સાબિત થઈ શકે છે. મતદારોએ લીધેલા નિર્ણયથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે આગામી 8મી ડિસેમ્બરે જાહેર થશે.

ત્રિપાંખિયો જંગ થવાની ચર્ચા વચ્ચે પહેલા તબક્કાના મતદાન બાદ આ અંડર કરંટ કઈ દિશામાં આગળ વધશે અને તેનાથી કોને ફાયદો થશે તે જાણવા માટે નેતાઓ મથામણ કરતા હશે. તો બીજી તરફ પહેલા તબક્કાના ઉમેદવારો પણ એ વિચારમાં હશે કે તેમનાથી ફાયદો કોને થશે? પરંતુ તેનો સાચો જવાબ 8 ડિસેમ્બરે લોકોની સામે આવી જશે.

પાછલી ચૂંટણીમાં જે રીતે ઓછી અને એકદમ સામાન્ય લીડથી ઉમેદવારો જીત્યા હતા તેમના શ્વાસ આ વખતે અધ્ધર થયા હશે કારણ કે સામાન્ય લીડનું પલડું ગમેતે તરફ નમી શકે છે.ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોશ સાથે મેદાનમાં ઉતરી છે અને ફ્રીની લહાણીના વચન આપ્યા છે. જોકે, મતદાનમાં એવો કોઈ જોશ જોવા મળ્યો નથી. ત્યારે ગુજરાતમાં આપને એન્ટ્રી મળશે કે જાકારો તે અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપે રેલી, રોડ શો અને જાહેર સભાઓમાં કોઈ કચાસ છોડી નથી, લોકોના ઘરે-ઘરે જઈને પણ મતની માગણી કરી હતી. પરંતુ મતદાનની ટકાવારીથી આપને કેટલો ફાયદો થશે તે આગામી અઠવાડિયે સ્પષ્ટ થશે.

રાજ્યમાં ત્રણે પક્ષોએ પોતાની સરકાર બનવાના દાવા કર્યા છે અને આ દાવા કેટલા સાચા સાબિત થાય છે તેના માટે બીજા તબક્કાનું મતદાન પણ મહત્વનું સાબિત થશે. કારણ કે બીજા તબક્કામાં મોટા પ્રમાણે શહેરી વિસ્તારો આવશે અને તેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં ઝૂલતા પુલ દુર્ઘટનાના કારણે હાઈએસ્ટ મતદાન થયું ?

વાંકાનેર બેઠક ઉપર 71.19 ટકા, ટંકારા-પડધરી બેઠક ઉપર 71.18 ટકા અને મોરબી-માળિયા બેઠક ઉપર 68.16 ટકા મળી જિલ્લાનું સરેરાશ 69.77 ટકા મતદાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર સૌરાષ્ટ્રનું હાઈએસ્ટ મતદાન થયું છે. જિલ્લામાં સરેરાશ 69.77 ટકા મતદાન થયું છે. રાજકીય પંડિતો આની પાછળ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણભૂત ગણાવી રહ્યા છે. જો હકીકતે આ દુર્ઘટના વધુ મતદાન થવા પાછળ કારણભૂત હોય તો ભાજપ માટે ચિંતાનો વિષય છે.

મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર  105282 એટલે કે 70.76 ટકા પુરુષોએ, 87363 એટલે કે 63.28 ટકા મહિલાઓ અને એક થર્ડ જેન્ડરે મળી કુલ 192646 મતદારોએ એટલે કે 67. 16 ટકા લોકોએ મતદાન કર્યું હતું. બીજી તરફ ક્યાં કેટલુ મતદાન થયું તેની વિગતો જોઈએ તો માળીયા તાલુકામાં 64.23 ટકા, મોરબી તાલુકા ગ્રામ્યમાં 74.17 ટકા, મોરબી શહેરી વિસ્તારમાં 65.79 ટકા મતદાન થયું હતું.

વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર  કુલ 145317માંથી 108310 પુરુષો એટલે કે 74.53 ટકા પુરુષોએ, 136095માંથી 92019 સ્ત્રીઓએ એટલે કે 67.61 ટકા સ્ત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ 281413માંથી 200329 મતદારોએ એટલે કે 71.19 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના 271 ઉપર આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં કુલ 128121માંથી 96790 પુરુષોએ એટલે કે 75.51 ટકા પુરુષોએ અને 121328માંથી 80817 સ્ત્રીઓએ એટલે કે 66.61 ટકા સ્ત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ કુલ 249508માંથી 177607 મતદારોએ એટલે કે 71.18 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મોરબી બેઠક ઉપર ભાજપના કાન્તિલાલ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર હતી. પણ આપના ઉમેદવાર પંકજ રાણસરિયા પણ ખાસ્સું જોર કરતા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો.જ્યારે ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના લીલીતભાઈ કગથરા અને ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયા વચ્ચે સીધો જંગ હતો. તેમજ વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસ જુના જોગી મહંમદ જાવીદ પીરજાદાની સામે ભાજપના જીતુ સોમણી વચ્ચે રણસંગ્રામ ખેલાયો હતો. આમ કુલ 35 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થયું છે. જો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને કારણે ત્રણેય બેઠક ત્રિપાખીયો જંગ મનાતો હતો. પણ રાજકીય પંડિતોના માનવા મુજબ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જ કસોકસની ટક્કર થઈ હતી.

  • તાલાલામાં સિદી મતદારોએ પરંપરાગત વેશમાં કર્યું મતદાન
  • ચૂંટણી તંત્રએ સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ખાસ ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક તૈયાર કર્યું હતું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સીદી મતદારો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઇ મતદાન મથકે પહોંચ્યા હતાં. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મત વિસ્તારના માધુપુરમાં આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મત વિસ્તારના માધુપુરમાં મતદાન મથક ખાતે અનોખા અંદાજમાં મતદાન થયું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે તૈયાર કરવામાં આવેલા મતદાન મથક પર આફ્રિકાથી આવીને વસેલા સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનથી માધુપુરમાં ઊભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારોએ પરંપરાગતરીતે વેશભૂષામાં મતદાન કર્યું હતું. અહીં માધુપુરમાં મતદાન મથકમાં એક મંડપમાં સીદી સમાજ સંબંધિત વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી હતી જેથી અન્ય મતદારો પણ સીદી સમાજના જૂના અને ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકે અને મતદાન કરી પોતાનું યોગદાન આપી શકે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ઉજાગર કરતું માધુપુર-જાંબુરનું મતદાન મથક આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.