Abtak Media Google News

2007 વિધાનસભા ચૂંટણીમાં અસંતુષ્ઠો, 2012માં પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી અને 2017માં પાટીદાર અનામત આંદોલનની વૈતરણી પાર કરનાર ભાજપ સામે આ વખતે આમ આદમી પાર્ટી બની રહી છે પડકાર

ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષ અને વિધાનસભાની છ-છ ચુંટણીમાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલી ઉઠે છે. જો કે બેઠકોની સંખ્યામાં છેલ્લી ત્રણ ટર્મથી થઇ રહેલો ઘટાડો પક્ષ માટે થોડા ઘણા અંશે ચોકકસ ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપ સામે પડકારોનો મહાકાય પહાડ હોય છે જેને વિંધી કમળ ખીલી રહ્યું છે. જો કે વર્ષ 2002  પછી ભાજપની નૈયા ગુજરાતમાં માત્રને માત્ર નરેન્દ્રભાઇ મોદીના નામે તરી જાય છે. તેમ કહેવામાં આવે તો પણ તેમાં જરા અમસ્થી પણ અતિશિયોકિત નથી. આ વખતે ભાજપ સામે આમ આદમી પાર્ટી પડકાર બનીને ઉભી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી પદે 2001માં નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થયા બાદ 2002માં યોજાયેલી વિધાનસભાની પ્રથમ ચુંટણીમાં પક્ષ સામે ભૂકંપ અને ગોધરાકાંડ  બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી રમખાણો જેમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠયું હતું. અને ભાજપને સૌથી વધુ 1ર7 બેઠકો મળી હતી. નરેન્દ્રભાઇની કાર્યશૈલીના કારણે ભાજપના ધારાસભ્યો અને સાંસદોએ ર007 માં બળવો પોકાર્યો હતો. જો કે તેઓએ પક્ષ પલ્ટો કર્યા ન હતો. અસંતુષ્ઠોની વ્યાખ્યામાં ગોઠવાઇ હતા. સાતેક અસંતુષ્ઠ ધારાસભ્યો અને બે સાંસદોએ નરેન્દ્રભાઇ મોદી સામે રીતસર બળવો પોકાર્યો હતો.

ભાજપને ગુજરાતમાં સત્તાથી દુર કરવા માટે રિતસર ઝંડા ઉપાડી લીધા હતા. ઠેર ઠેર જંગી જાહેર સભા અને મહા સંમેલનો કરી ભાજ વિરોધી પ્રવૃતિઓ શરુ કરી હતી. ગોરધન ઝડફીયા, બેચરભાઇ ભાદાણી, બાવકુંભાઇ ઉંઘાડ, સિઘ્ધાર્થ પરમાર, ગજેરા, ઉપરાંત સાંસદ સોમાભાઇ ગાંડાભાઇ પટેલ, અને ડો. વલ્લભભાઇ કથીરીયા સહિતના નેતાઓ અસંતુષ્ઠોના દળમાં જોડાઇ ગયા હતા અને રિતસર ભાજપનુે હરાવવા મેદાને પડયા હતા. પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયાએ મહા ગુજરાત જનતા પાર્ટી નામની રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી. અમુક અસંતુષ્ઠો  કોંગ્રેસમાં જોડાય ગયા હતા. પરંતુ આ અસંતુષ્ઠોની ટોળકી મોદીની લોકપ્રિયતા સામે પાંગળી પુરવાર થઇ હતી. ગામે ગામે સભાઓ, જિલ્લા કક્ષાએ મહા સંમેલનો છતાં ભાજપની 10 બેઠકો ઓછી થઇ હતી 2007માં ભાજપ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ફરી 117 બેઠકો સાથે ગુજરાતની ગાદી સર કરવામાં સફળ થયો હતો. અન્ય અસંતુષ્ઠો ધીમે ધીમે એક પછી એક કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીનો સાથ છોડી ફરી ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

પરંતુ ગોરધનભાઇ ઝડફીયાએ મોદીને સત્તા પરથી દુર કરવાનું અભિયાન મુકયું ન હતું. તેઓએ ફરી 2012 ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને ખાાસ કરી છે મોદીને દુર કરવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના કદાવર નેતા કેશુભાઇ પટેલ સાથે હાથ મિલાવ્યા હતા. કેશુબાપા દ્વારા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામની નવી રાજકીય પાર્ટી શરૂ કરવામાં આવી હતી. અને તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આડ કતરી રીતે જીપીપીની સાથે કોંગ્રેસ પણ જોડાયેલો હતો. કેશુબાપા જુનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડી રહ્યા હતા.

કોંગ્રેસ આ બેઠક પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા ન હતાઁ.  જો કે ગુજરાતના શાણા મતદારો કયારેય ભાજપ કે કોંગ્રેસ સિવાયના અન્ય રાજકીય પાર્ટી કે ત્રીજા મોરચાનો સ્વિકાર કરતા નથી. તે ર012માં પણ ફરી એકવાર પુરવાર થયું હતું. 2012માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે બેઠકો મળી હતી. એક બાપા પોતે અને બીજી નલીનભાઇ કોટડીયા એમ બે જ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. 2012 વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ફરી એકવાર 182 બેઠકોમાંથી 115 બેઠકો જીતી પૂર્ણ બહુમતિ સાથે સત્તારૂઢ થયો હતો.

ગુજરાતના ઇતિહાસમાં ભાજપે શાસન મેળવ્યા બાદ સૌથી મોટો પડકારનો વર્ષ 2017 વિધાનસભાની ચુંટણીમાં સામનો કરવો પડયો હતો. હાર્દિક પટેલ નામના યુવાને રાજયમાં સૌથી વધુ વસતી ધરાવતા પાટીદાર સમાજને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે વર્ષ 2015માં શરુ થયેલું પાટીદાર અનામત આંદોલન 2017માં ચરમસીમા પર હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે પણ લોખંડની મહાકાય પેટીમાં ઉભા રહીને ભાષણો આપવા પડતા હતા. ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓનો શેરી-ગલીઓમાં વિરોધ થતો હતો. મહિલાઓ અને બાળકો થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કરતા હતા. ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. અને દોઢ ડઝન જેટલા પાટીદાર યુવાનોના મોત નિપજયા હતા.

2017 વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાની ફરજ પડી હતી. ભાજપે આનંદીબેન પટેલને હટાવી ગુજરાતની ગાદી પર વિજયભાઇ રૂપાણીને બેસાડી દીધા હતા. 2017 વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તેવો જોરદાર પવન ફુંકાયો હતો. રાજયમાં સૌથી વધુ વસતી ધરાવતા પાટીદાર સમાજના આંદોલનની વ્યાપક અસરો છતા ભાજપ બહુમતીથી માત્ર આઠ બેઠકો વધુ જીતની સાથે રાજયમાં 99 બેઠકો જીતી ફરી સત્તારૂઢ થયો હતો. દાયકાઓ પછી ભાજપ ડબલ ફિગરમાં આવી ગયો હતો.

આ વખતની ચુંટણીમાં ભાજપ સામે આમ ગણવામાં આવે તો કોઇ મોટો પડકાર નથી. પરંતુ દિલ્હી બાદ પંજાબ સર કરનાર આમ આદમી પાર્ટી ભાજપ માટે પડકાર બની રહે તેવું મનાય રહ્યું છે. આપના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેઝરીવાલ જે રીતે ગુજરાતની ગાદી માટે પ્રચાર કરી રહ્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે. કે આપ ભાજપને બરાબરની ટકકર આપશે. ભાજપ વિધાનસભાની છેલ્લી ત્રણ ચુંટણીમાં પડકારોનો પહાર વિંધી સત્તા સુધી પહોંચે છે. આ વખતે પડકારો ચોકકસ ઓછા છે પરંતુ જે છે તે મજબુત હોય ભાજપ આ વખતે પણ પડકારનો ડુંગર વિંધી સતત સાતમી વખત ગુજરાતની ગાદી જીતી શકશે તે  વાત પરથી આગામી 8મી ડિસેમ્બરે પડદો ઉંચકાય જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.