Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનનું ગૌરવ

જી.પી.એસ.સી. કલાસ-૨ની પરીક્ષામાં ગુજરાત મેરીટમાં પ્રથમ ક્રમે અંગ્રેજી ભવનના જય બુઘ્ધદેવ સરકારી ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજોની યાદીમાં ટોપર ડો.બોની જોશી પણ અંગ્રેજી ભવનના વિદ્યાર્થી

જીપીએસસી કલાસ-૨ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ૨૫ વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી ભવનનું ગૌરવ વધાર્યું છે. મહત્વપૂર્ણ વાતમાં રાજયમાં ટોપર રહેલા અને અધ્યાપક તરીકે પસંદગી પામેલા અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના વડા પ્રો.જયદીપસિંહ ડોડીયાના જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા અંગ્રેજી વિષયના પસંદગી પામેલા અધ્યાપકો જુદી જુદી મેરીટ યાદીઓ બહાર પાડવામાં આવી તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવન, રાજકોટના ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જીપીએસસી દ્વારા આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના અધ્યાપકો માટે લેવામાં આવેલી પરીક્ષામાં ફાઈનલ મેરીટમાં અંગ્રેજી ભવનના ૨૫ વિદ્યાર્થીઓ પસંદગી પામેલ છે.

જેમાં આ ભવનના વિદ્યાર્થી જય બુઘ્ધદેવ સમગ્ર મેરીટ લીસ્ટમાં ગુજરાતભરમાં ટોપર છે અને આ યાદીમાં ટોપ-૧૦ વિદ્યાર્થીઓમાંથી જયકુમાર હરીશભાઈ બુઘ્ધદેવ, પ્રથમ ક્રમે, ડો.મૌલિક પ્રવિણચંદ્ર વ્યાસ ચોથા ક્રમે, ડો.ભકિત ઈન્દ્રેશભાઈ વૈષ્ણવ, ૫માં ક્રમે ડો.ક્રિષ્ના દિનેશચંદ્ર ડૈયા, ૭માં ક્રમે, ડો.વિરલ કમલેશભાઈ શુકલ, ૮માં ક્રમે પસંદગી પામેલ છે. સમગ્ર ગુજરાતમાં ૭૮ના મેરીટ લીસ્ટમાં ટોપર સહિત ટોપ-૧૦માં આ ભવનના ૦૫ વિદ્યાર્થીઓ પસંદગી પામેલ છે અને વિવિધ કેટેગરીમાં કુલ ૨૫ વિદ્યાર્થીઓ પસંદગી પામેલ છે.

જીપીએસસી દ્વારા તાજેતરમાં પ્રસિઘ્ધ થયેલ સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોની ફાઈનલ યાદીમાં કુલ ૦૫ માંથી ૦૩ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના છે. જેમાં ડો.બોની દિનેશચંદ્ર જોશી સમગ્ર ગુજરાતના મેરીટ લીસ્ટમાં પ્રથમ ક્રમે છે. ડો.આશિષ કૌશિકભાઈ શુકલ, ૪થા ક્રમે, ડો.ભવદીપ લક્ષમણભાઈ ચાવડા, ૦૫માં ક્રમે પસંદગી પામ્યા છે. આ પાંચ પોસ્ટ માટે ૬૦થી વધારે ઉમેદવારોએ અરજી કરેલ હતી.

જેમાં આખરી પસંદગી પામેલા ઉમેદવારોની યાદીમાં ૬૦% વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના છે બાકી રહેતા ૪૦% ઉમેદવારોમાં અન્ય વિશ્વ વિદ્યાલયોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેમજ ૨૦૧૮માં સરકારી પોલિટેકનિકની ભરતીમાં જી.પી.એસ.સી. કલાસ-૨ કેડરમાં અંગ્રેજી ભવનના વિદ્યાર્થીઓમાં નીતીન પીઠડીયા અને ડો.ગાયત્રી ભાનુભાઈ હરણેસા પસંદગી પામેલ છે.

આ ભવનના અનેક વિદ્યાર્થીઓએ યુજીસી નેટ અને સેટની પરીક્ષા ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરેલ છે. ફોરેન યુનિવર્સિટીસ, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત અનેક વિશ્વ વિદ્યાલયોમાં આ ભવનના વિદ્યાર્થીઓ અધ્યાપકો તરીકે મેરીટના ધોરણે પસંદગી પામ્યા છે.

વહિવટી સેવા ક્ષેત્રે પણ આ ભવનના વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષામાં સફળ રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના પસંદગી પામેલા તમામ ૩૦ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભવનના પૂર્વાધ્યક્ષ પ્રો.એ.કે.સિંહ, પૂર્વ અધ્યક્ષ પ્રો.કમલ મહેતા તથા વર્તમાન અધ્યક્ષ પ્રો.જયદિપસિંહ ડોડીયા, પ્રો.આર.બી.ઝાલા, પ્રો.સંજય મુખર્જી, ડો.ઘ્વનિ વચ્છરાજાની સહિત ભવનના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.