Abtak Media Google News

પ્રદૂષણ નિયંત્રણ કચેરીના ભ્રષ્ટ અધિકારીનો પટારો ખૂલ્લો

એસીબીએ પાંચ લાખથી વધુ રોકડ સાથે પકડેલા અધિકારી રિમાન્ડ પર: એસીબી ટીમ ઊંડી ઉતરે તો જિલ્લાના કેટલાય અધિકારી ઝપટે ચડી જાય

જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણની કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીને ગયા શનિવારે એસીબીએ રૂ. પાંચ લાખની રોકડ સાથે પકડી પાડ્યા પછી બે દિવસની રિમાન્ડ પર રહેલા તે અધિકારીના ત્રણ બેંક લોકરમાંથી રૂ. સવા કરોડની રોકડ ઉપરાંત ત્રણ કિલોથી વધુ વજનના સોના-ચાંદીના દાગીના નીકળી પડતા એસીબીએ તેને કબજે કર્યા છે. આ અધિકારી સામે અપ્રમાણસરની મિલકત ધરાવવા અંગેનો ગુન્હો નોંધાયો છે.

Advertisement

જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની કચેરીમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજા ગયા શનિવારે જામનગરથી અમદાવાદ સ્થિત પોતાના ઘેર જવા માટે બ્રીફકેસ સાથે રાખી નીકળ્યા હતાં. આ અધિકારીની વોચમાં થોડા દિવસોથી રહેલા લાંચ રૃશ્વત વિરોધી શાખાના સ્ટાફે તેઓને રોકી લઈ બ્રીફકેસની તલાસી લેતા તેમાંથી ૪,૯૧,૦૦૦ની રોકડ ઉપરાંત ભાયાભાઈના ખિસ્સામાંથી રૂ. સત્તર હજાર ઉપરાંતની રોકડ મળી આવતા એસીબીએ રૂ. પાંચ લાખથી વધુ રોકડ કબજે કરી આ રકમ ક્યાંથી આવી? તેની તપાસ શરૃ કરી ભાયાભાઈને અમદાવાદ તેમજ જામનગરની જયંત સોસાયટી સ્થિત મકાનમાં તલાસી લેતા ત્યાંથી રૂ. પાંચ લાખની વધુ રોકડ અને સોનાની રૂ. ૮૦,૦૦૦ની બે લગડી મળી આવી હતી. એસીબીએ કુલ રૂ. ૧૦.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી એક કબાટ સીલ કર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. તે દરમ્યાન સુત્રેજાને રિમાન્ડની માંગણી સાથે ગાંધીનગરની અદાલતમાં રજુ કરવામાં આવતા અદાલતે તેને બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો.

આગળ ધપી રહેલી તપાસ દરમ્યાન ગઈકાલે બી.જી. સુત્રેજાના બેંક એકાઉન્ટ તેમજ બેંકમાં રાખવામાં આવેલા લોકરની ચકાસણી કરાતા તેમાંથી અધધધ સોનુ મળી આવ્યું છે. આ અધિકારીના ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં રાખવામાં આવેલા બે લોકરની ચકાસણી કરાતા એક લોકરમાંથી ૧.૯૧૯ ગ્રામ એટલે કે એક કીલો ૯૧૯ ગ્રામ વજનના સોના-ચાંદીના તૈયાર દાગીના અને રૂ. ૫૫ લાખ રોકડા અને બીજા લોકરની તલાસી લેવાતા તેમાંથી એક કીલો ૩૧૪ ગ્રામ વજનના દાગીના અને રૂ. ૪૮,૭૬,૫૯૬ની રોકડ મળી આવી છે અને ત્રીજા લોકરની ઝડતી લેવાતા તેમાંથી સોનાના દાગીના, લગડી મળી ૬૦૫.૯૯૦ ગ્રામ સોનુ, ૧૧૫ ગ્રામ ચાંદીના દાગીના અને રૂ. ૨૩,૪૯,૭૭૮ની રોકડ મળી કુલ રૂ. ૧ કરોડ ૨૭ લાખ ઉપરાંતની રોકડ અને ત્રણ કીલોથી વધુના સોના-ચાંદીના દાગીના ઝબ્બે લેતા ચકચાર જાગી છે. એસીબીએ આ અધિકારીના વધુ બેંક એકાઉન્ટ, લોકર છે કે કેમ તેની ચકાસણી કરવા ઉપરાંત તેના મકાનો, સગા-સબંધીઓના નામે કોઈ મિલકત ખરીદવામાં આવી છે કેમ તેની ઘનિષ્ઠ તપાસ આદરી છે. જામનગરની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આ અધિકારી અત્યાર સુધી ફરજ બજાવતા હતાં. ક્લાસ વન કક્ષાના આ અધિકારી કે અન્ય સ્ટાફને પણ જામનગરમાં ધમધમતા નાના-મોટા અનેક ઉદ્યોગોએ ’પ્રસાદી’ ધરવી પડતી હશે તેમ લાગી રહ્યું છે. લેબર, સેફ્ટી, લાયસન્સ, પ્રદુષણ જેવી જુદી જુદી મંજુરીઓ આ અધિકારીની કચેરીમાંથી આપવામાં આવે છે ત્યારે નાનાી માંડી મોટા ઉદ્યોગોએ આવા અધિકારીઓને નાછૂટકે ’હાથ ખર્ચી’ આપવી પડતી હશે તેમ લાગી રહ્યું છે. જો કે આ પ્રકારની ટેબલ નીચેની રકમ મેળવતા બધા અધિકારીઓ ઝડપાતા નથી પરંતુ જ્યારે આવા મોટા ગજાના અધિકારી પકડાય જાય ત્યારે કેટલાકને રેલો આવી જતો હોય છે. આ કિસ્સામાં એસીબી જો ઉંડાણ સુધી પહોંચે તો હજુ કેટલાક અધિકારી-કર્મચારીઓના તપેલા ચઢી જવાની શક્યતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.