Abtak Media Google News

ભાજપમાં ૨૬ ઉમેદવારોમાં ડોકટર, ૧૧ ગ્રેજયુએટ અને ડિપ્લોમાં સુધી અભ્યાસ કરેલા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચુંટણી સંદર્ભે જાહેર કરેલા મેનીફેસ્ટોમાં એવું વચન આપ્યું છે કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાશે તો તેવો લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષના આવા રૂપકડા વચનની સામે કોંગ્રેસે ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પૈકી એકમાત્ર અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગીતાબેન પટેલ નામના મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે તો સામાપક્ષે ભાજપે લોકસભાની ચુંટણી ૬ મહિલાઓને મેદાનમાં ઉતાર્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરવાની અવધી પૂર્ણ થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસે તમામ ૨૬ ઉમેદવારોને ફોર્મ ભરાવી ચુંટણી પ્રચારની કામગીરીમાં લગાવી દીધા છે. ભાજપે કુલ ૬ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે માત્ર ૧ મહિલાને જ ટિકિટ આપી છે. ભાજપે મહેસાણા બેઠક પર કડવા પટેલ સમાજમાંથી આવતા શારદાબેન પટેલને, જામનગર બેઠક પરથી આહિર સમાજમાંથી આવતા પુનમબેન માડમને, ભાવનગર બેઠક પર કોળી સમાજના ડો.ભારતીબેન શિયાળને, વડોદરા બેઠક પરથી સિદ્ધ રૂદ્ર બ્રહ્મ સમાજમાંથી આવતા રંજનબેન ભટ્ટને, છોટા ઉદેપુર બેઠક પરથી અનુ.જનજાતિમાંથી આવતા ગીતાબેન રાઠવાને જયારે સુરત બેઠક પરથી અનાવીલ બ્રાહ્મણ સમાજમાંથી આવતા દર્શનાબેન જરદોશને ભાજપે લોકસભાની ચુંટણીની ટિકિટ આપી છે તો કોંગ્રેસે લોકસભાની ૨૬ બેઠકો પૈકી એક માત્ર અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગીતાબેન પટેલ નામના મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.

ભાજપના ૨૬ ઉમેદવારો પૈકી ૪ ડોકટર છે જેમાં ડો.ભારતીબેન શિયાળ, ડો.મહેન્દ્ર મુજપરા, ડો.કિરીટ સોલંકી અને ડો.કે.સી.પટેલનો સમાવેશ થાય છે. શૈક્ષણિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ૧૧ ઉમેદવારો ગ્રેજયુએટ છે. ૪ ઉમેદવારો ડિપ્લોમાં સુધીનો અભ્યાસ ધરાવે છે. ૭ ઉમેદવારો એચ.એસ.સી. ૩ ઉમેદવારો એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.