Abtak Media Google News

રાજકીય પક્ષો અને ઉમેદવારોને પ્રચાર-પ્રસારમાં નડે છે કાળઝાળ ગરમીનો પ્રકોપ: મતદારોની ઉદાસીનતા પણ ચિંતાનો વિષય

લોકસભાની ચુંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે આગામી ૨૩ એપ્રીલના રોજ મતદાન હાથ ધરાવાનું છે. મતદાનના આડે હવે ૧૯ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારોના હાથમાં પ્રચાર માટે રોકડા માત્ર ૧૭ દિવસ જ હાથમાં હોવા છતાં હજી સુધી રાજયની એક પણ બેઠક પર ચુંટણીનો માહોલ બરાબર જામતો ન હોવાની ચર્ચા લોકમુખે થઈ રહી છે. પ્રચાર-પ્રસારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અવરોધ બનીને ઉભો છે. બીજી તરફ મતદારોની ભેદી ઉદાસીનતા પણ ચિંતાનો વિષય બન્યો છે.

સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની ચુંટણીમાં મતદાનના એકાદ મહિના પૂર્વે જ ચુંટણીલક્ષી માહોલ જોવા મળતો હોય છે. ડોર ટુ ડોર પ્રચાર, નેતાઓની જાહેરસભા, રોડ-શો, તાવા અને ભજીયા પાર્ટી સહિતના કાર્યક્રમોની ભરમાળ ચાલતી હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચુંટણીમાં આવું કોઈ જ વાતાવરણ દેખાતું નથી. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે ૨૨૬ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આજથી ગણતરી કરવામાં આવે તો પ્રચાર-પ્રસાર માટે રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારોના હાથમાં ૧૭ દિવસ જયારે મતદાનના આડે ૧૯ દિવસ બાકી રહ્યા છે છતાં ચુંટણીલક્ષી માહોલ દેખાતો નથી.

હાલ રાજયભરમાં હીટવેવનો પ્રકોપ ફરી વળ્યો છે જેની અસર પણ ચુંટણી પર પડી રહી છે. પ્રચાર શ‚ કરે અને એકાદ કલાક ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવે ત્યાં આકાશમાંથી સુર્યનારાયણ અગનવર્ષા શ‚ કરી દે છે જેના કારણે જોઈએ તેટલો પ્રચાર એક પણ રાજકીય પક્ષ કે ચુંટણી લડતા અપક્ષ ઉમેદવારો કરી શકતા નથી. સ્થાનિક સ્વરાજયની કે વિધાનસભાની ચુંટણીની સરખામણીએ લોકસભાનો વિસ્તાર ખુબ જ વિશાળ હોય છે.

આવામાં ૧૭ દિવસ ખુબ જ ઓછો સમય ગણાય છે છતાં હાલ પુરજોશમાં જે રીતે પ્રચાર-પ્રસાર ચાલવો જોઈએ તે જોવા મળતો નથી. ઉમેદવાર તો ઠીક કાર્યકર પણ લોકસભામાં સમાવિષ્ટ થતા એક-એક ગામ કે વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી શકે તેટલો સમય પણ હવે બચ્યો નથી. ઉમેદવારો માટે રાત થોડી વેશ જાજા જેઓ માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચુંટણીના એકાદ પખવાડિયા અગાઉ લોકમુખે પરીણામની ચર્ચાઓ થવા લાગતી હોય છે પણ આ વખતે મતદારો પણ પોતાનું મન કડવા દેવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે.

મતદારોની ભેદી ઉદાસીનતાએ ચુંટણી લડતા ઉમેદવારોના બ્લડપ્રેશર વધારી દીધા છે. આગામી સપ્તાહથી રાજયભરમાં ચુંટણીલક્ષી માહોલ જામે તેવું લાગી રહ્યું છે. રાજયની તમામ ૨૬ બેઠકો ફરી હાંસલ કરવા માટે ભાજપ સ્ટાર પ્રચારકોની ફૌજ મેદાનમાં ઉતારશે તે વાત નિશ્ર્ચિત છે.

બીજી તરફ કોંગ્રેસ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં ચુંટણી પ્રચાર કરાવશે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.