Abtak Media Google News

કેએસએન કણસાગરા મહિલા કોલેજમાં બૂક ટોક અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા માહિતી ખાતાના પ્રકાશનમાં પ્રકાશિત ચાંદો ઊગ્યો ચોકમાંનો આસ્વાદ થયો

કે.એસ.એન.કણસાગરા મહિલા કોલેજમાં બૂક ટોક અંતર્ગત ગુજરાત સરકારે માહિતી ખાતાના પ્રકાશનમાં પ્રગટ કરેલા લોકગાયક-પત્રકાર નીલેશ પંડયા ના લોકગીતો અને એના રસદર્શનના પુસ્તક ચાંદો ઊગ્યો ચોકમાંનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો. કોલેજના ડાયનેમિક પ્રિન્સિપાલ ડો.રાજેશ કાલરિયાના માર્ગદર્શનમાં યોજાયેલા આ બૂક ટોકના પ્રારંભે આવકાર ગીત,દીપ પ્રાગટ્ય બાદ કોલેજના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા પ્રો.ડો. કિરણબેન લાડવાએ ચાંદો ઊગ્યો ચોકમાંનાં ૯૦ લોકગીતો અને તેના નીલેશ પંડ્યાએ કરાવેલા રસદર્શનનો અદભૂત આસ્વાદ કરાવ્યો. તેમણે જણાવ્યું કે આ પુસ્તકમાં આપવામાં આવેલી લોકગીતની વિવિધ વ્યાખ્યાઓ, લોકગીતોની ખૂબીઓ,તેના ગુણો અતુલ્ય છે,લેખકે લોકગીતોને જે દરજ્જો આપ્યો છે તે વેદની ઋચાઓથી કમ નથી!

આ અવસરે કોલેજના વાઈસ પ્રિન્સિપાલ પ્રો.ડો.જ્યોતિબેન રાજ્યગુરૂએ કહ્યું કે આજે ભલે અંગ્રેજી વિશ્વભરમાં બોલાતી ભાષા છે પણ ભવિષ્યમાં ગુજરાતી વિશ્વભાષા બની જશે કેમકે ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે ને જ્યાં વસે ગુજરાતી ત્યાં હશે ગુજરાત !

કોલેજના અધ્યાપક અને સુપ્રસિદ્ધ ઉદઘોષક-અભિનેતા પ્રો.ડો.સંજય કામદારે જણાવ્યું કે ચાંદો ઊગ્યો ચોકમાં ૧૮૮ પાનાંનો કલરફૂલ સચિત્ર અને અનેરો ગ્રંથ છે જેમાં લોકગીતો અને એનો મર્મ સમજાવાયો છે.લેખકની વર્ષોની મહેનત એમાં ઊગી નીકળી છે.પ્રો.ડો.કામદારે એમ પણ કહ્યું કે ગુજરાતી ભાષામાં લોકગીતનું રસદર્શન કરાવતું હોય એવું આ સૌથી મોટું પુસ્તક છે.તેમણે કાર્યક્રમનું રસાળ સંચાલન પણ કર્યું હતું.

7537D2F3 8

આ તકે નીલેશ પંડ્યાએ જણાવ્યું કે લોકગીતો એટલે લોકના શ્લોક ! વિદ્વાનોને શ્લોક આવડે,એના અર્થ સમજાય,તેઓ એમાંથી જીવનરીતિ શીખે પણ આપણે તો સામાન્યજનો છીએ,આપણને ક્યાં શ્લોક આવડે છે? તો પછી આપણે જીવન જીવવાની રીત ક્યાંથી શીખવી? એનો જવાબ એ છે કે લોકગીતોમાંથી…!

તેમણે ઉમેર્યું કે જેમ મગ,લીલા ચણા,મગફળીને એની શીંગ કે કવચમાંથી બહાર કાઢવાં પડે એટલે કે એને ફોલવાં કે ખોલવાં પડે એમ લોકગીતોને પણ ફોલવાં-ખોલવાં પડે એટલે કે એનું અર્થઘટન કરાવવું પડે,અમે એ કામ કરીએ છીએ એટલે યુવાધન સમક્ષ લોકગીતો પ્રસ્તુત કરવામાં સફળ રહ્યાં છીએ.ચાંદો ઊગ્યો ચોકમાં ગ્રંથમાં યુવાધનને ગમે એવાં લોકગીત અને એનું રસદર્શન છે.

પંડ્યાએ આ ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત સરકાર અને માહિતી ખાતાનો ઋણ સ્વીકાર કર્યો અને કોલેજોમાં આવાં લોકગીતોના પુસ્તક વિષે બૂક ટોકથઈ શકે એ પ્રતીત કરવવા બદલ કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ તથા ગુજરાતી વિભાગનો આભાર વ્યક્ત કર્યો.

કોલેજના હોલમાં ચાકડા-ચંદરવા,ધાતુનાં વાસણો,સાંબેલું,ખારણિયો,ખાટલી જેવી પરંપરાગત ગામઠી ચીજોના મિનિ મ્યુઝિયમ વચ્ચે શ્રોતા એવી વિદ્યાર્થિનીઓએ પણ પરંપરાગત વસ્ત્રપરિધાન કરી,માથે ફેંટા અસ્સલ લોકપરિવેશનું નિર્માણ કર્યું હતું.  છેલ્લે પ્રશ્નોત્તરી વખતે વિદ્યાર્થિનીઓએ ૨૫થી વધુ લોકસંગીત વિષયક પ્રશ્નો પૂછ્યા હતા.વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા ઉત્તમ વસ્ત્ર પરિધાન,ઉત્તમ  લોકગીતગાયન અને ઉત્તમ પ્રશ્નો માટે ધનરાશિ અને પુસ્તકો આપી પ્રોત્સાહિત કરાઈ હતી.

આ તકે કોલેજના અધ્યાપકો પ્રો.ડો.યશવંત ગોસ્વામી,પ્રો.ડો.નિર્મળાબેન અઘારા,પ્રો.ડો.પ્રેરણાબેન બૂચ,પ્રો.ડો.મયુરીબેન ત્રિવેદી,પ્રો.ડો.રવિ પાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.