Abtak Media Google News

ગમતાને ગુલાલ કરવાનો કારસો: હાઇકોર્ટમાં પીટીશન દાખલ

ગુજરાત કોઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક)માં ૪૦૦થી વધુ ક્લાર્કની ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરાઈ છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે પિટિશનને ગ્રાહ્ય રાખીને પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. ખેતી બેંકની જ વિજાપુર અને વિરમગામ શાખાના બે સભ્યોએ હાઇકોર્ટ સમક્ષ આ મામલે રિટ પિટિશન કરી છે. અરજદાર ઇશ્વરભાઇ ચૌધરી અને બાબુભાઇ પટેલે અરજી કરીને ખેતી બેંક દ્વારા ક્લાર્ક કમ કમ્પ્યૂટર ઓપરેશન અને સુપરવાઇઝર્સની ભરતીમાં થયેલા કૌભાંડના તપાસનો આદેશ કરવાની દાદ માંગી છે.

રિટમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે,બેંકના ૧૭ ડિરેક્ટરોએ ૪૦૦ જગ્યાઓ માટે પોતાના પસંદગીના ૨૦-૨૦ વ્યક્તિઓની નિમણૂક કરવાનો આગ્રહ રાખ્યો છે. આ વ્યક્તિઓની પસંદગી માટે લેવાયેલા ઇન્ટરવ્યૂની પેનલે તૈયાર કરેલી પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદીમાં ખરેખર પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને બદલે ડિરેક્ટરોની પસંદગીના ઉમેદવારોને ગોઠવવાનો તખ્તો ગોઠવાયો હતો. ઇન્ટરવ્યૂ પેનલની યાદીમાં ફેરફાર કરીને તેના પર સહી કરવાની ચાર્ટડ એકાઉન્ટન્ટે ના પાડી દેતા આ સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો. ૪૦૦ જેટલા કર્મચારીઓની નિમણુંક કરવા માટે રાજકોટ, ભરૂચ, મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ હેડ ઓફિસમાં ઇન્ટરવ્યૂ યોજાયા હતા. વધુમાં એવી રજૂઆત કરી છે કે, આ સમગ્ર પ્રકરણમાં બેંક દ્વારા કરાયેલી ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદે અને બંધારણની જોગવાઇઓથી વિપરીત છે.

સહકાર વિભાગના રજિસ્ટ્રારને આ ઘટનાની જાણ કરી રજૂઆતો પણ કરાઈ હતી. તેમ છતાંય તેમણે આ પ્રકારની ગેરરીતિ સામે કોઇ પગલાં લીધા નથી અને આંખ આડા કાન કરવાની વૃત્તિ અપનાવાતા અરજદારને પિટિશન કરવાની ફરજી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.