Abtak Media Google News

કોઠારીયા રોડ પર નવી સાઈટમાં પત્નીને લઈ જઈ પતિએ સળિયાના ચાર ઘા ફટકારી હત્યા નિપજાવ્યા બાદ લાશને કારની ડેકીમાં નાખી કણકોટ -મવડી રોડ પર પથ્થરના ઢગલા પર ફેંકી દીધી હતી : ઘર કંકાસ કે પ્રેમ પ્રકરણમાં હત્યા નિપજાવ્યા અંગે પોલીસનો ધમધમાટ

શહેરના ગાયત્રીનગરમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ કોઠારિયામાં નવા બનાવેલા મકાને લઇ જઇ સળિયાના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ આરોપીએ પોતાના માસિયાઇ ભાઇની મદદથી લાશને કારની ડેકીમાં નાખી હતી અને ૧૦ કિલોમીટર દૂર કણકોટ નજીક લાશ ફેંકી આવ્યો હતો. હત્યાના ગુનામાં પોલીએ બન્ને હત્યારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતમાં રહેતી પ્રેમિકા યુવતીને પામવા માટે પત્ની કાંટો બનતી હોય તેની હત્યા કર્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાયત્રીનગર શેરી નંબર ૨/૧૧ કોર્નર પર રહેતા બાલકૃષ્ણ ઉર્ફ વિપુલ વેલજીભાઈ ટાંક નામના બિલ્ડરે તેની પત્ની તરુણા (ઉ.વ ૩૫)ની કોઠારીયા રોડ પર બનાવાયેલા નવા મકાનમાં ગત.તા ૧૫ ના રોજ  સળિયાના ઘા ઝીકી હત્યા નિપજાવ્યા બાદ પત્ની જતી રહ્યાનું નાટક કર્યું હતું. આજીડેમ પોલીસ સ્ટેશનમાં પત્નીની ગુમનોંધ નોંધાયા બાદ પોલીસે આકરી ઢબે પૂછપરછ કરતા પત્ની તરુણાની હત્યા કબુલી હતી. જેથી બાદમાં પોલીસે કણકોટ પાસેથી તરુણાની લાશ બરામદ કરી હતી.આજીડેમ પોલીસે હસનવાડીમાં રહેતા નિકુંજ રાઠોડની ફરિયાદ પરથી ગાયત્રીનગરના બાલકૃષ્ણ ઉર્ફ વિપુલ ટાંક  (ઉ.વ૩૦ ) અને સિધ્ધાર્થ રમેશભાઈ રાઠોડ (ઉ.વ૧૮ ) સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી હતી. હત્યારા પતિ બાલકૃષ્ણ ઉર્ફ વિપુલે  ઘરકંકાસના કારણે હત્યા કર્યાનું રટણ કર્યું હતું. જ્યારે તરુંણાના પરિવારજનોએ સુરતની હર્ષિદા સાથે અફેયરમાં તરુણા આડખીલી રૂપ બનતા હોવાથી કાંટો કાઢી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો.

Dsc 1724

આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં ગાયત્રીનગરમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલો બાલકૃષ્ણ ઉર્ફે વિપુલ વેલજી ટાંક (ઉ.વ.૩૨) ગત તા.૧૫ના સાંજે તેની પત્ની તરૂણા અને બે બાળકો શુભમ (ઉ.વ.૨) અને ધ્રુવ (ઉ.વ.૪) તથા માધાપર ચોકડી પાસે રહેતા તેના માસીયાઇ ભાઇ સિધ્ધાર્થ રમેશ રાઠોડ (ઉ.વ.૧૯) સાથે કોઠારિયાની રામેશ્વર સોસાયટીમાં નવા બનાવેલા મકાને લઇ ગયો હતો. વેચવા માટે બનાવેલા મકાનની સફાઇના નામે પત્ની તરૂણાને ત્યાં લઇ ગયા બાદ બંને બાળકોને મકાનના ઉપરના ભાગે મોબાઇલ આપી રમવા મૂકી દીધા હતા, જ્યારે પત્ની તરૂણા પોતા કરતી હતી ત્યારે પાછળથી જઇ પતિ બાલકૃષ્ણએ માથામાં લોખંડના સળિયાના ચાર ઘા ઝીંકી દીધા હતા. અચાનક ઝીંકાયેલા ઘાથી તરૂણા સ્થળ પર જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ બાલકૃષ્ણએ પોતાની કાર મકાનના પાર્કિંગમાં લીધી હતી અને બાલકૃષ્ણ અને સિધ્ધાર્થે લાશને ઊંચકી કારની ડેકીમાં મૂકી દીધી હતી. બાદમાં લાશ ડેકીમાં મૂકી બંને બાળકોને કારમાં બેસાડી દીધા હતા અને કોઠારિયાથી ૧૦ કિલોમીટર દૂર કણકોટ નજીક અવાવરૂ સ્થળે લાશ મુકી પરત આવી ગયા હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં બાલકૃષ્ણએ તેના મોટાભાઇ પરેશને ફોન કરી તરૂણા મકાનેથી લાપતા થઇ ગયાની જાણ કરતાં ટાંક પરિવાર અને તરૂણાના હસનવાડીમાં રહેતા ભાઇ નિકુંજ રાઠોડ સહિતનાઓએશોધખોળ શરૂ કરી હતી, અને રાત્રે ૧૧ વાગ્યે તરૂણાના ગૂમ થવા અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ તથા પરિવારજનો તરૂણાની શોધખોળ કરતા હતા પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો, આજીડેમના પીઆઇ ચાવડા સહિતના સ્ટાફને શરૂઆતથી જ બનાવ શંકાસ્પદ લાગતા શુક્રવારે સવારે બાલકૃષ્ણની આગવીઢબે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની તરૂણાની હત્યા કર્યાની અને લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.