Abtak Media Google News

તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થશે: એક કલાસમાં ૧૫ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા

૧૧ કેન્દ્રો પર ૯૩૧ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી દવા આપવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડિકલ અને પેરા મેડિકલ પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંપૂર્ણ રીતે સજજ છે. હાલની કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં સરકારનાં એસઓપી મુજબ સમગ્ર પરીક્ષાનું સચારું આયોજન થશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનાં ૧૧ કેન્દ્રો પર આશરે ૯૩૧ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માસ્ક ફરજીયાત પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે મુજબ પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને એક કલાસમાં ફકતને ફકત ૧૫ વિદ્યાર્થીઓ બેસીને પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શકિત વધે તે માટે યુનિવર્સિટી દ્વારા આવા તમામ વિદ્યાર્થીઓને હોમિયોપેથીક દવા પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.