Abtak Media Google News

ફકત ત્રણ માસમાં મોરેસીયસનો ભારતમાં ઈક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં ૮૮ બેઝીસ પોઈન્ટનો વધારો નોંધાયો

મોરેસીયસ દ્વારા ભારતીય ઈક્વિટીમાં ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) છેલ્લા છ વર્ષથી સ્થાયી થયા બાદ ફરી એકવાર વધારો થયો છે. એનએસડીએલના આંકડાઓને ધ્યાને લેતા છેલ્લા ત્રણ મહિનામાં ઈક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં મોરેસીયસનો હિસ્સો નવેમ્બર ૨૦૨૦ સુધીમાં ૮૮ બેઝીસ પોઈન્ટ  વધીને ૧૧.૪ ટકા થયો છે. યુએસ બાદ મોરેસીયસ બીજા ક્રમે છે જે કુલ એયુએમમાં લગભગ ૧/૩નો હિસ્સો ધરાવે છે.

ભારતમાં રોકાણ કરનારા તમામ દેશોમાં મોરેસીયસ દ્વારા ત્રણ મહિનાનો રોકાણનો લાભ સૌથી વધુ હતો. એફપીઆઈએ સપ્ટેમ્બર અને નવેમ્બર મહિના દરમિયાન લગભગ ૧૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે જે ખુબજ દૂર્લભ બાબત ગણી શકાય. પાછલા ૧૫ વર્ષમાં એફપીઆઈએ ત્રણ મહિનાના ગાળામાં ફકત દસ વાર જ આશરે ૧૦ અબજ ડોલર જેટલું રોકાણ કર્યું છે.

મોરેસીયસ આધારીત ભંડોળની એયુએમમાં ૨૭.૭ ટકાનો વધારો નોંધાયો છે. આ વધારાને ધ્યાને રાખવામાં આવે તો હાલ ભારતમાં મોરેસીયસ આધારીત ભંડોળ રૂા.૩.૬ લાખ કરોડને આંબી છે. જ્યારે છેલ્લા ૩ મહિનામાં કુલ એફપીઆઈ એયુએમ ૧૮ ટકા વધીને ૩૪.૬ લાખ કરોડ રૂપિયા થઈ છે. આ બાબત સુધારા તરફ જતી બજાર અને વૈશ્ર્વિક ભંડોળની વધતી પસંદગીને પ્રતિબીંબીત કરનારું છે.

વર્ષ ૨૦૧૪માં કુલ એફપીઆઈ ઈક્વિટી એયુએમમાં મોરેસીયસ ખાતે સ્થાયી થયેલા ભંડોળનો હિસ્સો ૨૨.૩ ટકાનો હતો. ત્યારબાદ વૈશ્ર્વિક ભંડોળ દ્વારા મોરેસીયસને ભારતમાં રોકાણ કરવા પર રોક લગાવાઈ હતી. જેના પગલે ઓગષ્ટ ૨૦૨૦ સુધી મોરેસીયસ આધારીત ભંડોળની સંખ્યા ઘટતી જોવા મળી હતી. જો કે ફરી એકવાર મોરેસીયસ આધારીત ભંડોળ ભારતમાં પાછલા દરવાજે આવી રહી છે.

જે ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ ભારત ખાતે મોરેસીયસ ઠલવી રહ્યું છે તે મોટાભાગે બે નંબરી નાણા હોવાનું હાલના તબક્કે મનાઈ રહ્યું છે. આ તમામ પોર્ટફોલીયો ભારતમાં પાછલા દરવાજે પ્રવેશ મેળવી રહ્યાં છે. એટલે કે, ભારતમાં બીન અધિકૃત રીતે આ મુડી રોકાણો કરાઈ રહ્યાં છે. એક અથવા બીજી વ્યક્તિને કડી સ્વરૂપે અજમાવી મોરેસીયસ ભારતમાં નાણા ઠલવી રહ્યું છે. હાલ આ નાણાની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. અહીં જે આંકડાઓ લેવામાં આવ્યા છે તે એનએસડીએલના દર્શાવ્યાનુસાર છે. ફકત ૩ માસમાં મોરેસીયસનું એફપીઆઈ ભારતમાં ૧૧.૪ ટકાએ પહોંચ્યો છે જે બાબત ખુબ મહત્વની કહી શકાય. હાલ ભારતમાં એફપીઆઈ યુએસ પ્રથમ ક્રમાંકે છે જે બાદ તરત જ બીજા ક્રમાંકે મોરેસીયસ સ્થાન ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.