Abtak Media Google News

સૌરાષ્ટ્રની ગૌરવવંતી જામ સાહેબની નગરીને કોની નજર લાગી !!

સિક્કામાંથી 11 પિસ્તલ અને 19 કાર્ટીસ સાથે બે શખ્સોની ધરપકડ: હથિયારોનું પગેરૂ યુ.પી. તરફ

સૌરાષ્ટ્રનું ગૌરવવંતુ નગર એટલે રંગમતી અને નાગમતીના કીનારે વસાવેલો જામ સાહેબની જામનગરીને કોની નજર લાગી અને કોઈ પલીતો ચાંપી રહ્યાં છે અને જામનગર ક્રાઈમ કેપીટલ બની રહ્યું છે. જામ સાહેબની નગરીને જામ કોણ ભરી રહ્યું છે. શાંત નગરની ગણના થતાં જામનગર ખાતે રિલાયન્સ અને એસ્સાર જેવી વિશ્ર્વ વિખ્યાત કંપનીઓની સ્થાપના થઈ ત્યારે સ્થાનિક લોકોને રોજગારી સહિતના ફાયદાઓ સાથે જેમ કોરોનાની સાઈડ ઈફેટકટ થાય તેમ બીજીબાજુ જોઈએ તો બિહાર, એમપી અને યુપીમાંથી આવતા શ્રમિકોના લીધે હાલાર પંથકમાં કાયદો અને વ્યવસ્થાઓ કથળી રહી છે. થોડા સમય પહેલા ખેલાયેલા ટ્વીટર યુદ્ધ બાદ સરકાર હરકતમાં આવી લીધેલા પગલા બાદ પણ ગુનાખોરી ઘટવાનું નામ નથી લેતું તેમ જામનગર નજીકથી એલસીબીએ હથિયારનું રેકેટનો પર્દાફાશ ફરી 10 પિસ્તોલ અને 27 કાર્ટીસ કબ્જે કરી મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાના ની ટીમે સપાટો બોલાવી દીધો છે, અને એકી સાથે 11 હથિયારો અને 19 નંગ કારતૂસો કબજે કરી લઇ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં થી હથિયાર સાથે એક આરોપીને પકડાયા પછી તેની પૂછપરછના આધારે તપાસનો દોર જામનગરની જિલ્લા જેલ સુધી લંબાવ્યો હતો, જ્યાંથી બે આરોપીઓનો કબજો મેળવ્યા પછી તેઓએ સિક્કા વિસ્તારમાં દાટેલા વધુ દસ હથિયારો અને જીવંત કારતૂસ કબજે કર્યા છે, અને આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.  જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ખૂબ જ મહત્વની કામગીરી અંગેની વિગતો એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સરવૈયા અને દિલીપભાઈ તલાવડીયા ને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં રેલ્વે ના નવા બ્રિજ ઉપરથી રાયમલ હાજી સંધિ નામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે પસાર થઇ રહ્યો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી રાયમલ સંધિ ને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી એક હથિયાર અને 1 નંગ જીવંત કારતૂસ કબજે કરી લીધું હતું. જેની સામે હથિયાર ધારા બદલનો ગુનો નોંધાયા પછી તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જે પૂછપરછ દરમિયાન તેને આજથી એકાદ વર્ષ પહેલા ઉપરોક્ત હથિયાર જામનગરની જિલ્લા જેલમાં રહેલા હિતુભા ભગતસિંહ ઝાલા અને પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ વાળા નામના શખ્સોએ સપ્લાય કર્યું હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે જામનગરની જિલ્લા જેલમાં રહેલા બંને આરોપીઓ નો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો સંભાળ્યો હતો અને બંનેની પૂછપરછ હાથ ધરી હતી.

જે પૂછપરછમાં તેઓએ ઉત્તર પ્રદેશથી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન કુલ 11 જેટલા હથિયારો આયાત કર્યા હોવાનું અને 10 જેટલા હથિયારો સિક્કા નજીક એક સ્થળે જમીનમાં દાટેલા હોવાનું કબૂલ્યું હતું.  જેથી એલસીબીની ટીમ સિકકા પાટીયા નજીક આવેલા એક મોટર ગેરેજ ની પાછળ બંધ કોમ્પલેક્ષ ની બાજુમાં બાવળની ઝાડીમાં લઈ જઈ એક ખાડો ખોદાવી હથિયારોને બહાર કઢાવ્યા હતા. જ્યાંથી 10 નંગ પિસ્તોલ અને 17 કારતૂસો મળી આવ્યા હતા સમગ્ર પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા બે લાખ 25 હજારની કિંમતની 11 પિસ્તોલ અને 19 નંગ જીવંત કારતૂસ કબજે કરી લીધા હતા, અને જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગે નો ગુન્હો દાખલ કરાવ્યો હતો.  એલસીબીની ટીમે સૌ પ્રથમ પકડાયેલા આરોપી રાયમલજી સંધિને જેલ હવાલે કરી દેવાયો છે, જ્યારે જેલમાંથી કબજો મેળવાયેલા  બંને આરોપીઓને ફરીથી અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત હથિયારોના જથ્થો ઉત્તર પ્રદેશ તરફથી આવ્યો હોવાથી તપાસનો દોર ઉત્તર પ્રદેશ સુધી લંબાવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.