Abtak Media Google News

એઆઈસીટીઈ દ્વારા જીપેરીમાં ફુલ ટાઈમ પીએચ.ડી. માટેની મંજુરી અપાઈ: પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ મુજબ પ્રતિ માસ રૂપિયા ૩૧ હજારથી ૩૫ હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે

સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્રથી મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જીનિરીંગ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું (જીપેરી) સંચાલન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) સોંપવામા આવેલ છે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેક્નિકલ એજ્યુકેશન બાબતે જીપેરીમાં દરેક પ્રકારની તકો પ્રાપ્ત થાય તે હેતુસર જીટીયુ દ્વારા સફળતાપૂર્વક જીપેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને  તાજેતરમાં જ  ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)  દ્વારા જીપેરીમાં પણ  ટેક્નિકલ એજયુકેશનમાં ફુલ ટાઈમ પી.એચડી. માટેની મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સમાં પી.એચડી કરવા માટે મધ્ય ગુજરાત કે રાજ્ય બહારની કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂરત નહી પડે. એડમિશન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમોનુસાર પ્રતિમાસ પ્રથમ ૨ વર્ષ માટે ૩૧૦૦૦ અને અંતિમવર્ષ માટે ૩૫૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન .ખેરે જીપેરી પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.

એઆઈસીટીઈ  દ્વારા વિવિધ સંલગ્ન કોલેજ પાસેથી ડોક્ટોરલ ફેલોશિપ પ્રોગ્રામના કેન્દ્ર માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જીટીયુ સંલગ્ન મહેસાણા સ્થિત જીપેરી કોલેજે જીટીયુની મદદથી કાઉન્સિલમાં એપ્લિકેશન કરી હતી. ડોક્ટોરલ ફેલોશિપ પ્રોગ્રામના કેન્દ્ર માટે જીપેરી કોલેજના વિવિધ પાસાઓ જેવા કે,  રિસર્ચ સંબધિત વર્ક,  જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, દરેક વિભાગની લેબોરેટરીઝ , યુજી અને પીજીના તમામ કોર્સ આધારીત રિસર્ચ વર્ક માટે પી.એચડી ગાઈડની નિમણૂક તથા એનબીએ દ્વારા એક્રેડીટેશન થયેલા કોર્સ સહિતના દરેક  માપદંડોને ધ્યાનમાં રાખીને જીપેરીને આ મંજૂરી આપવામાં આવી છે.  એઆઈસીટીઈ દ્વારા મંજૂરી મળ્યા બાદ  આગામી સમયમાં જીપેરીમાં સીવિલ, મિકેનિકલ , ઈલેક્ટ્રોનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગના કોર્સમાં એલિજિબલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થીઓ છેલ્લા ૫ વર્ષના સમયગાળામાં ૧ વખત ગેટની પરીક્ષા પાસ કરેલી અને માસ્ટર ડિગ્રીમાં ૭.૫ સીજીપી ધરાવતા હોવા જોઈશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.