Abtak Media Google News

કોઈ પણ પ્રકારના હઠીલ અને ગંભીર રોગને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે આર્યુવેદ ઉપચાર રામબાણ ઈલાજ પુરવાર થઇ શકે છે. સૌરાષ્ટ્રભરમાં રોગના નિદાન માટે રાજકોટ કેન્દ્ર સ્થાન પર આવે છે. જેથી છેલ્લા 60થી પણ વધુ વર્ષથી કાર્યરત ’રાજકોટ વૈદ્ય સભા’ વિશ્વની મહામારી કોરોના સામે પણ લડવા સજ્જ છે. જેના પગલે આજરોજ રાજકોટ વૈદ્ય સભાના તજજ્ઞોએ ’અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ સાથે ગિરનાર અને બરડા ડુંગર પર અનેક દિવ્ય ઔષધિઓના છોડ પણ હોવાનું અને આર્યુવેદ ઉપચારમાં રાજકોટ કેન્દ્ર સ્થાન પર હોવાનું પણ રાજકોટ સભાના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભારતભરમાં હાલ કોરોનાની ત્રીજી લહેર માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એ જ રીતે ગુહરત અને તેમાં ખાસ કરી સૌરાષ્ટ્રભરમાં પણ કોરોનાની ત્રીજી લહેર પહેલા તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટમાં છેલ્લા 60 થી વધુ વર્ષ કરતા પણ જૂનું અને ધનવંતરી વિધિ પૂર્વક સ્થાપવામાં આવેલા ’રાજકોટ વૈદ્ય સભા’ દ્વારા ત્રીજી લહેર પહેલા આર્યુવેદીક ઉપચાર માટે તૈયારીઓ દર્શાવી છે. જેથી આજ રોજ રાજકોટ વૈદ્ય સભાના પ્રમુખ ડો. એચ.એલ. મંડીર, ઉપપ્રમુખ યતીનભાઈ વૈદ્ય, મંત્રી ડો.ભાનુભાઈ મેતા, સભ્ય ડો. સંજયભાઈ જીવરાજાની સહિતની ટીમે ’અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

રાજકોટ વૈદ્ય સભા દ્વારા આર્યુવેદ ઉપચાર અપનાવાથી કોઈ પણ ગંભીર બીમારીઓને નાબૂદ કરી શકાય તેના પર સમજણ આપી હતી. આ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેર સામે લડી લેવા માટે અને બાળકો તથા લોકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે સજ્જ હોવાનું પણ જણાવ્યું હતું. તો બીજી તરફ વર્તમાન સમયમાં પ્રસરી રહેલા મ્યુકરમાયકોસીસની બીમારીમાં પણ સચોટ આર્યુવેદ ઉપચાર હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ વૈદ્ય સભાના તજજ્ઞો દ્વારા જણાવામાં આવ્યું હતું કે બ્રહ્મા દ્વારા જ સૃષ્ટિના સર્જન સાથે જ આર્યુવેદનું સર્જન કર્યું છે. તો હાલ વર્તમાન સમયમાં પણ ચાલતી કોરોના અને મ્યુકરમાયકોસીસની મહામારીમાં પણ આર્યુવેદ સચોટ પુરવાર સાબિત થયું છે. જેના કારણે હવે મોટા ભાગના લોકો પણ આર્યુવેદ તરફ વળી રહ્યા છે. કોરોનાની મહામારીમાં પણ આર્યુવેદના ઉપચારના કારણે ઓપીડીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયું હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ વૈદ્ય સભાના પ્રમુખ ડો. એચ.એલ. મંડીરે પણ જણાવ્યું હતું કે લોકોમાં આર્યુવેદના ઉપચાર અને તેના ફાયદો વિશે જાગૃતતા લાવવા માટે તેમની ટીમ સજ્જ છે. આર્યુવેદમાં કોઈ પણ રોગ કે બીમારીનો સચોટ ઈલાજ પણ છે. આર્યુવેદના કારણે લોકો ઘરબેઠા પણ ઉપચાર કરી શકે છે. આ સાથે આર્યુવેદમાં આવતા સુવર્ણવટીનું પણ તજજ્ઞો દ્વારા મહત્વ સમજાવામાં આવ્યું હતું. જેથી હવે આર્યુવેદનું જ્ઞાન પણ લોકોમાં ઉજાગર થાય તે માટે પણ રાજકોટ વૈદ્ય સભા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગિરનાર અને બરડા ડુંગર પર પણ આર્યુવેદના અનેક દિવ્ય ઔષધીય છોડ ઉપલબ્ધ છે. જે અંગે પણ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી આ જડીબુટીઓના સચોટ ઉપયોગ માટે પણ રાજકોટ વૈદ્ય સભા સંસ્થા આર્યુવેદના નિષ્ણાતો સાથે કાર્ય કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.