Abtak Media Google News

ક્લિનિક્લ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2010ની અમલવારી ન કરનારી હોસ્પિટલોને દંડ ફટકારવો જોઈએ: અરજીકર્તા

સારવારના દરના ન્યુનતમ ધોરણો, તેના ચાર્ટ કેમ ખાનગી હોસ્પિટલોમાં મુકાતા નથી? કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગતી સુપ્રીમ

કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોમાં અપાતી સારવાર તેમજ તેની ગુણવત્તા અને આ માટે વસુલાતા ખર્ચને લઈ ઘણા પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે વધુ એક વખત સુપ્રીમમાં અરજી દાખલ થઇ છે. સરકાર દ્વારા વર્ષ 2010માં લાગુ કરવામાં આવેલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ નિયમો ન પળાતા હોવાની રજૂઆત અરજીમાં કરાતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ એન.વી. રામન્ના અને ન્યાયધીશ સૂર્યકાંતે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત કેન્દ્રો અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને કહ્યું કે હાલ 70% જેટલા દર્દીઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર આધારિત છે. આવા સમયે હોસ્પિટલો દ્વારા સારવાર માટેના આરોગ્યના ન્યુનતમ ધોરણોનું અમલીકરણ થવું ખૂબ જરૂરી છે. અને સારવાર દરના ચાર્ટ કેમ મુકવામાં આવતા નથી ? તેવો પણ પ્રશ્ન પૂછ્યો છે.

એનજીઓ ‘જન સ્વાસ્થ્ય અભિયાન’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય પરીખએ કહ્યું કે જાહેર ક્ષેત્રની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને ખાનગી ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.  હાલ ફક્ત 30% દર્દીઓ સરકારની માલિકીની હોસ્પિટલો અને આરોગ્યસંભાળ કેન્દ્રોથી સારવાર મેળવે છે.

હેલ્થકેર સિસ્ટમનું ખાનગીકરણ થયું છે. અહીં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2010ના અમલવારી નથી થઈ રહી અને 2012માં પણ આને સંબંધિત નિયમો બનાવવામાં આવ્યા હતા તેમ છતાં અમલવારી થતી નથી. જે કરાવવી ખૂબ જરુરી છે.

જણાવી દઈએ કે વર્ષ 2010ના આ એક્ટ મુજબ દરેક ખાનગી હોસ્પિટલોમાં એક સારવાર દરનો ચાર્ટ મૂકવો જરૂરી છે. જેમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા, સારવારની માહિતી તેનો ખર્ચ સહિતની તમામ વિગતો દર્શાવવાની હોય છે. પણ મોટાભાગની હોસ્પિટલો દ્વારા આ નિયમનો અમલ થતો નથી. અને એમાં પણ હાલ કોરોનાકાળમાં પુરતી વિગત ન મળતા દર્દીઓએ હોસ્પિટલોએ ધક્કા ખાવા પડે છે.

એડ્વોકેટ પરીખે વધુમાં જણાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્યો સાથે પરામર્શ કરીને “રજિસ્ટ્રેશન માટેની શરતો: સુવિધાઓ અને સેવાઓના લઘુત્તમ ધોરણો; કર્મચારીઓની ઓછામાં ઓછી આવશ્યકતા; રેકોર્ડ જાળવણીની જોગવાઈ; દરેક પ્રકારની સારવાર માટેના દર નિર્ધારિત કરવા જેવી જોગવાઈઓનું ફરજીયાતપણે અમલી બનાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.