Abtak Media Google News

પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી દ્વારા નારાજગી સાથે સિંહોને પરત મુકવાની માંગ

અમરેલીના બૃહદગીરના રાજુલા-જાફરાબાદમાં સિંહોની સંખ્યા સારી એવી છે. અહીંના સિંહો ખુબજ તંદુરસ્ત છે. ગત તા.18ને બુધવારે રાત્રીના સમયે પાંચ સિંહોનું ખાનગી રીતે ગુપ્તમાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે. આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, આ બૃહદ ગીરને શેત્રુંજી ડિવિઝન નીચે મુકવામાં આવેલ તો નવાયની વાત એ છે કે, શેત્રુંજી ડિવિઝન કે રાજુલા-જાફરાબાદ વન વિભાગના અધિકારી કે સ્ટાફને આ અંગે કોઈ ખ્યાલ કે જાણ નથી.

આ રેસ્કયુ ધારી પૂર્વની ટીમ કોવાયા વીડી વિસ્તારમાં પહોંચીને રીંગ પીંજરા સહિત પાંજરા ગોઠવી સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને મોડી રાત્રે સિંહોને પાંજરે પુરી જસાધાર રેન્જ તરફ લઈ જતાં આ વિસ્તારનાં સિંહ પ્રેમી અને પર્યાવરણપ્રેમીઓ અને પૂર્વ માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી સહિતનાઓએ નારાજગી સહિત રોષ વ્યકત કર્યો હતો અને વધુમાં જણાવેલ કે જો આ રેસ્કયુ કરાયેલ સિંહોને પરત આ વિસ્તારમાં લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરશે.

રાજુલા-જાફરાબાદ દરિયા કિનારે મસમોટા ઉદ્યોગો આવેલ છે તે પૈકી એક કંપનીએ સરકારને લેખીતમાં જણાવેલ છે. સિંહો અમારી કંપનીઓમાં અવાર-નવાર આવી ચડે છે. જેથી આ સિંહોને અહીંથી દૂર ખસેડો તેવી લેખીતમાં માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી.

તો શું ? આ રેસ્કયુ કંપનીઓના ઈશારા ઉપર કરવામાં આવ્યું છે ? તેવો વૈધક સવાલ ઉઠવા પામ્યો છે. વન વિભાગ તરફથી સિંહોને માત્ર હેલ્થ ચકાસણી માટે લઈ જવાયા હોવાનું સી.સી.એફ જૂનાગઢના દુષ્યંત વસાવડાએ જણાવ્યું છે. પરંતુ શંકાએ જાય છે કે, વર્ષોથી સિંહોની હેલ્થ ચકાસણીમાં સિંહોના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવે છે અને તેનું લેબોરેટરી રીપોર્ટ થાય છે.

તો આ તંદુરસ્ત સિંહ પરિવારને આ વખતે શા માટે જસાધાર લઈ જવામાં આવ્યા અને સિંહ પરિવારને ટ્રાવેલીંગ કરાવી હેરાન-પરેશાન શા માટે કરવામાં આવ્યા ?

આ બનાવને ત્રણ દિવસ જેટલો સમય થયો તો પણ વન વિભાગ તરફથી કોઈ પણ નિવેદન પ્રેસ કે લોકો સમક્ષ આવેલ નથી અને આ અંગે કોઈપણ રજૂઆતનો જવાબ મળતો નથી.

એક બાજુ સિંહો બચાવવા સરકાર સારી એવી કામગીરી કરી રહી છે. તો આવા અણધડ અને અણ આવડત વાળા અધિકારી વિરુધ્ધ સરકાર શું પગલા ભરશે તેવી સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને પત્રકાર મિત્રોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.