Abtak Media Google News

રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પુરનની વિસ્ફોટક ઇનિંગએ હૈદરાબાદનો ‘સનરાઈઝ’ કરાવ્યો !!

IPL ૨૦૨૨ની ૬૫મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. આ મેચમાં મુંબઈને ૩ રને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ સાથે મુંબઈ આ સિઝનમાં કુલ ૧૨માંથી ૯ મેચ હાર્યું છે અને ૩ મેચ જીત્યું છે.
૧૯૪ રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી કરી હતી. જો કે આ મેચમાં પણ અડધી સદીની નજીક આવ્યા બાદ રોહિત ફિફ્ટી બનાવી શક્યો ન હતો અને ૪૮ રન બનાવીને આઉટ થયો હતો. સુંદરે તેને પોતાનો શિકાર બનાવ્યો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ ૪૩ રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આઉટ કર્યો હતો.
તેના આઉટ થયા પછી, સેમ્સ અને તિલક વર્મા પણ વધુ રન નહોતા બનાવી શક્યા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. સેમ્સે ૧૫ અને તિલકે ૮ રન બનાવ્યા હતા. આ બંનેની વિકેટ પણ ઉમરાન મલિકે લીધી હતી. તેમના આઉટ થયા પછી, ટિમ ડેવિડ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સ્કોર આગળ વધાર્યો. બંનેએ ૧૭ રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ ૨ રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પણ ટિમ ડેવિડ પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે ૧૮ બોલમાં ૪૬ રનની તોફાની ઇનિંગ રમી હતી.
રાહુલ ત્રિપાઠી (૭૬) અને નિકોલસ પૂરન (૩૮)ની વિસ્ફોટક ઈનિંગ્સના કારણે વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ ૨૦૨૨ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને ૧૯૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૯૩ રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠીએ ૪૩ બોલમાં ૭૮ રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.