Abtak Media Google News

ડુપ્લીકેટ સહીથી સાટાખત તૈયાર કરી  કોર્ટમાં  દાવો દાખલ કર્યા: રૂ.4 કરોડની જમીન હડપ  કરવાનો કારસો

જમીન કૌભાંડની નગરી બની ગયેલા  શહેરમાં અવાર નવાર જમીન કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટમાં રહેતાં બિલ્ડર અને જમીન મકાનના ધંધાર્થીની ખીરસરા ખાતે આવેલી 4 કરોડની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવાનું કૌભાંડ થયાની માહિતી મળતાં અંતે લોધિકા પોલીસ મથકમાં એડવોકેટ,નોટરી સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં નાનામવા મેઈન રોડ ઉપર સિલ્વર હાઈટસની પાછળ નહેરૂનગર કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રહેતાં બિલ્ડર અને જમીન મકાનના ધંધાર્થી મનસુખભાઈ ગાંડુભાઈ વસોયા (ઉ.46)એ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રમેશ દેવદાન રાઠોડ, અશોક ડાયાભાઈ સાગઠીયા, નોટરી પી.એમ.લાધા, એડવોકેટ કે.આર.જોષી, બીપીનભાઈ, ડી.પી.સોહિયા, આર.એમ.પરમાર, સી.જી.ખુમાણના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લોધિકા તાલુકાના ખીરસરા ગામે સર્વે નં.412 પૈકી 44ની 5 એકર જમીન ફરિયાદીના માતુશ્રી ધનીબેનનાં નામે તા.12-1-2006ના ખરીદ કરવ્માં આવેલ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોતાના વારસદાર તરીકે એન્ટ્રી પડાવી જમીનમાં મકાન, સ્વિમીંગ પુલ, બગીચો સહિતનો ફાર્મહાઉસ તૈયાર કર્યુ હતું. જેની છેલ્લા 4 વર્ષથી ખોડાભાઈ અરજણભાઈ વેકરીયા દેખભાળ રાખે છે.

તાજેતરમાં જ લોધિકા કોર્ટ કર્મચારી દ્વારા દિવાની દાવાની તા.18-6-2022નાં ફરિયાદીને નોટિસ બજાવવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ તપાસ કરતાં રમેશ દેવદાન રાઠોડ રહે.ભગવતીપરા રાજકોટ અને અશોક ડાયા સાગઠીયા રહે.વિજયનગર સોસાયટી રાજકોટ વાળાએ ફરિયાદી સામે કાયદમી મનાઈ હુકમ મેળવવા ખીરસરાની જમીન પર દાવો કર્યો હતો.આ બાબતે ફરિયાદીએ તપાસ કરતાં પોતાની કિંમતી જમીનના આરોપીઓએ બોગસ દસ્તાવેજ તૈયાર કરી નોટરી સમક્ષ કબજા રહીત સાટાખત તૈયાર કરાવ્યું હતું. જેમાં નોટરી તરીકે પી.એમ.લાધાનું નામ જાણવા મળ્યું હતું. જ્યારે કબજા રહિત સાટાખત કરારમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સ્ટેમ્પ ખરીદનાર રાજકોટનાં એડવોકેટ કે.આર.જોષી હસ્તે બિપીનભાઈનું નામ જાણવા મળ્યું હતું. જ્યારે ખોટી સહી કરનાર ડી.પી.સોહિયા, આર.એમ.પરમાર અને સહી ઓળખનાર તરીકે એડવોકેટ સી.જી.ખુમાણનું નામ જાણવા મળ્યું હતું. જેના આધારે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ખીરસરા ખાતે આવેલી કિંમતી જમીનની બજાર કિંમત જંત્રી મુજબ 86 લાખ થાય છે. જ્યારે હાલની બજાર કિંમત 4 કરોડ ગણાય છે. જે જમીન આરોપીઓએ જમીન વિવાદમાં નાંખી પચાવી પાડવાનું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવતાં લોધિકા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પૂર્વયોજીત કાવતરું રચી જમીન કૌભાંડ આચરવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ ઈન્ચાર્જ પીઆઈ કે.કે.જાડેજા ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.