Abtak Media Google News

ખીલખીલાટમાંથી પરિવારજનો નવજાત શિશુને છોડી પ્રસુતાને ઉપાડી ગયા

મોરબીમાં એક તાજેતરમાં જ પ્રસુતિ થયેલ  યુવતીને દવાખાનેથી રજા મળ્યા બાદ પોતાના ઘરે જતી વખતે  ’ખિલખિલાટ’વાહનમાંથી તેણીના પરિવારજનો જ અપહરણ કરીને ઉપાડી ગયા હતા.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, મૂળ થાનગઢના રહેવાસી અને હાલ વિરમગામ રહેતા મહેશ પ્રભુભાઈ માત્રાણીયા નામના યુવાને એક વર્ષ પૂર્વે વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતી  લક્ષ્મીબેન અમરશીભાઈ રાઠોડ નામની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા જે યુવતીના પરિવારજનોને કદાપિ ગ્રાહ્ય ન હતું.જેથી તેઓ યુવક અને તેમની દીકરી પર મનદુ:ખ લગાડી બેઠા હતા. ત્યારે છેલ્લા એકાદ માસથી આ પ્રેમીયુગલ સરતાનપર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં રહેતું હતું અને મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. જે દામ્પત્ય જીવન દરમિયાન લક્ષ્મીબેન ગર્ભસ્થ બન્યા હતા જેથી  ગત તા.05 ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ માં ડિલિવરી માટે આવતા તેઓને દાખલ કરી તબીબ દ્વારા સિઝેરિયન કરી પ્રસુતિ કરવામા આવી હતી અને લક્ષ્મીબેનનાં કૂખે પુત્રજન્મ થયો હતો. જે વાતની યુવતીનાં પરિવારજનોને ગંધ આવી ગઈ હતી.

જેથી પ્રસૂતાને એને નવજાત બાળક સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી જેથી લક્ષ્મીબેન નવજાત બાળકને લઈને પોતાના પતિ મહેશ પ્રભુભાઈ માત્રાણીયા, સાસુ  સાથે ખિલખિલાટ વાનમાં બેસી તેમના વતન થાન ખાતે જવા રવાના થયા હતા જે દરમિયાન રસ્તામાં ખીલખિલાટ વાહન મોરબીના બંધુનગર ગામ નજીક પહોંચતા જ એક બોલેરો કાર અને એક ઇકો કારમાં આવેલા લોકોએ ખિલખિલાટ વાહનને આંતરી છરીની અણીએ ઉભું રખાવ્યું હતું અને જે બન્ને કારમાંથી  લક્ષ્મીબેનના માતા, બે મામા,એક ભાઈ ,મોટા બાપુ  ,મામી તેમજ અન્ય ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ગાડીમાંથી છરી લઈને ઉતરી અને પ્રસૂતા જે વાન માં સવાર હતી તે  ખિલખિલાટ વાનની ચાવી કાઢી લીધી હતી અને નવજાત બાળકને વાનમાં જ છોડી એકલી માતાને સાથે ઉપાડી ગયા હતા અને તેમને રોકવા જતા પ્રસૂતાના પતિને ઢીકા પાટુનો માર મારી અમારી દિકરીને કેમ ભગાડી ગયો હતો હવે અમે અમારી દીકરીને લઈ જઈએ છીએ તેવું કહી વાંકાનેર તરફ નાસી ગયા હતા.

જે સમગ્ર મામલે પ્રસૂતા પતિ મહેશભાઈએ પ્રસૂતાના માતા વસંતબેન, મામા અશોકભાઈ ધરજીયા,પ્રભુભાઈ રાઠોડ,બીજા મામા જીતાભાઇ કેશાભાઇ ધરજીયા, પ્રસુતાનો ભાઈ વિપુલ, ,  તથા એક મામી તથા બીજા બે થી ત્રણ અજાણ્યા માણસો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેથી મોરબી તાલુકા પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 143,147,148,149, 365,323, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા અને અપહીત પ્રસૂતાને છોડાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.