Abtak Media Google News

દિવાળી પછીના ત્રીજા દિવસે ઉજવાતો તહેવાર ભાઈબીજ  એક હિન્દુ તહેવાર છે. આ પર્વ ભાઈ અને બહેન વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સ્વસ્થ આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

પુરાણો અનુસાર એવું કહેવાય છે કે દુરાચારી રાક્ષસ નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણ 16,100 કન્યા સાથે વિવાહ કર્યા બાદ તેમની બહેન સુભદ્રા ને મળવા ગયા હતા. સુભદ્રાએ તિલક કરી, ફૂલોથી વધાવી, મીઠાઈ ખવડાવીને ભગવાન શ્રીકૃષ્ણ નું સ્વાગત કર્યું હતું. ત્યારે કારતક સુદ બીજનો દિવસ હતો, ત્યારથી ભાઈ બીજ ના તહેવારની ઉજવણી થાય છે.

ભાઈ બીજના પર્વની ઉત્પત્તિ થઈ ક્યારે?

 

સૂર્યદેવ ના પુત્ર યમરાજ અને પુત્રી યમુના, આ બંને ભાઈ બહેનના પવિત્ર પ્રેમની રોચક કથા એટલે ભાઈબીજ પર્વ.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે યમુના ઘણી વખત ભાઈ યમરાજ ને મળવા પોતાના ઘરે બોલાવતી, પરંતુ યમરાજ કોઈકને કોઈક કામના બહાને યમુનાને ના કહેતા. એક વખત તેમને પોતાની બહેન યમુના યાદ આવતા અચાનક યમરાજા યમુનાના ઘરે ગયા. ભાઈને ઓચિંતો આવેલો જોઈને બહેન યમુના ખુશ થઈ ગઈ અને તેણે યમરાજાના માથે તિલક કરીને સ્વાગત કર્યું. ત્યારબાદ ભાઈને પ્રેમથી ભાવતા ભોજન જમાડ્યા. બહેનને ખુશ જોઈને યમરાજા પણ ખુબ ખુશ થયા અને તેમણે બહેનને વરદાન માંગવા કહ્યું. યમુનાએ તરત જ ભાઈ યમરાજને કહ્યું કે વર્ષમાં એક વખત આજના દિવસે તમારે મારા ઘરે જમવા આવવું.

યમરાજા સહમત થયા અને તેમણે જાહેર કર્યું કે આજના વિશેષ દિવસે જે ભાઈ પોતાની માથે બહેનના હાથે તિલક કરાવશે તેને લાંબુ જીવન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.કહેવાય છે કે તે દિવસથી ભાઈ બીજના દિવસે કોઇ પણ પ્રાણીનું મોત થાય તો તે જીવને દંડ થતો નથી. કારણ કે આ દિવસે યમરાજા તેની બહેનના ઘરે જમવા ગયા હોય છે, તેથી તે જીવ મુક્તિ પામે છે.

ત્યારથી કારતક મહિનાની સુદ બીજના દિવસે દરેક ભાઈ પોતાની બહેન ના ઘરે જમવા જાય છે અને બહેનને ભેંટ આપે છે. આમ આજનો દિવસ ભાઈ બીજ ના રૂપમાં મનાવા લાગ્યો, દક્ષિણમાં ભાઈબીજનો દિવસ યમદ્વિતીયા તરીકે ઓળખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.