Abtak Media Google News

પૂણ્યનું ભાથુબાંધી વતન તરફ પ્રયાણ: આસપાસના ધાર્મિક સ્થળો પર કરી મુલાકાત: વહિવટી તંત્રની સરાહનીય કામગીરી

જૂનાગઢના ગિરિધિરાજ ગરવા ગિરનારની પાવન પવિત્ર લીલી પરિક્રમામાં આ વખતે વિક્રમ સર્જક સાડા અગિયાર લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું જેમાંથી વહેલી પરિક્રમા પૂરી કરી સાડા દશ લાખથી વધુ ભાવિકો વતન તરફ પરત ફર્યા છે. જ્યારે પચાસેક હજાર જેટલા ભાવિકો હજી જંગલ વિસ્તારમાં વિહરી રહ્યા હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે, તે સાથે આ વખતની પરિક્રમા દરમિયાન હાર્ટ એટેક અને શારીરિક તકલીફોના કારણે કુલ સાત ભાવિકોના પરિક્રમા દરમિયાન મોત થયા હોવાની દુ:ખદ બાબત પોલીસ દફ્તરે નોંધાઈ છે.

જ્યાં 33 કરોડ દેવતા, 64 જોગણીઓ અને નવ નાથના બેસણા છે, તથા યોગી, જોગી, તપસ્વીની તપોભૂમિ તથા સાધુ – સંતોના મોસાળ સમા ગરવા ગિરનાર ફરતે કાર્તિકી પૂર્ણિમાથી યોજાતી પાવન પવિત્ર 36 કિલોમીટર લાંબી પગપાળા ચાલીને કરાતી કઠિન પરંતુ ભવનું ભાથુ બંધાવતી લીલી પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક 11,25,490 પરિક્રમાથીઓએ પરિક્રમા કરી હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોંધાયું છે. અને તેમાંથી લગભગ 10.75 લાખથી વધુ પરિક્રમાથી ઓએ પોતાની પરિક્રમા પૂર્ણ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે જોતા હાલમાં પરિક્રમાના રુટ ઉપર હાલમાં 50 હજાર જેટલા પરિક્રમાથીઓ વિહાર કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

આમ જોઈએ તો દેવ દિવાળીના દિવસેથી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થાય છે. પરંતુ આ વર્ષે પણ છેલ્લા ઘણા વર્ષોની જેમ બે દિવસ અગાઉ જ પરિક્રમાથીઓ દ્વારા પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હતી અને અનેક ઉતાવળિયા પરિક્રમાર્થી ઓએ ભીડથી બચવા લગભગ એક કે બે દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી વતનની વાટ પકડી લીધી હતી, ત્યારે આવતીકાલે મંગળવારે તારીખ 8 નવેમ્બરે કાયદેસર રીતે આ પરિક્રમા પૂર્ણ થાય છે. પરંતુ તે પૂર્વે જ 10.75 લાખ ભાવિકોએ આજ સુધીમાં આ વર્ષેની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને હવે માત્ર 50 હજાર ભાવિકો જ જંગલમાં છે.

બે વર્ષ કોરોનાએ ગિરનારની લીલી પરિક્રમા થવા ન દીધી હતી, પરંતુ આ વર્ષે બે વર્ષે બાદ લીલી પરિક્રમા યોજાઇ હતી ત્યારે ખેડૂતોની પણ મોસમ વહેલી પૂર્ણ થવાના આરે હતી અને તે દરમિયાન શાળાએ જતા બાળકો અને કોલેજીયાનોનો પણ વેકેશનનો સમય હોવાથી આ વખતે પરિક્રમામાં 10 લાખથી વધુની સંખ્યા થાય તેવું અનુમાન થઈ રહ્યું હતું. તે મુજબ સરકારી આંકડા જોતા આ વખતે દોઢ લાખ વધુ પરિક્રમાથીઓએ પરિક્રમા કરી હોવાનો સત્તાવાર રીતે નોંધાયું છે. જોકે અન્ન ક્ષેત્રોના સંચાલકો અને પરિક્રમાના રૂટ ઉપર સેવા આપતા સેવાભાવીઓના મત મુજબ આ વખતે પરિક્રમમાંથીઓની સંખ્યા 15 લાખથી વધુ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

દરમિયાન આ વખતે એસટી વિભાગ દ્વારા મુસાફરોના પરિવહન માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને એસ.ટી વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના મુખ્ય શહેરો સુધી મુસાફરોને પહોંચાડવા માટે 178 જેટલી મોટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ઉતાવળિયા પરિક્રમાર્થીઓએ વહેલી પરિક્રમા પૂરી કરી લેતા છેલ્લા બે દિવસથી પરિક્રમાર્થીઓને પોતાના વતન પહોંચવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો અને વાહન ચાલકો દ્વારા તગડા ભાડા ઉઘરાવાયા હોવાની ફરીયાદો સાથે અડધો અડધો દિવસ સુધી વતન તરફ જવા માટે વાહનો ન મળતા હોવાની પણ બૂમો સંભળાઈ રહી હતી. આમ પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ની સંખ્યા વધતા અને પરિક્રમાથીઓએ વહેલી પરિક્રમા પૂર્ણ કરી લેતા,  જુનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં થાકેલા પરિક્રામારથીઓને કલાકો સુધી રાહ જોઈ બેસી રહેવું પડ્યું હતું. તો બીજી બાજુ જુનાગઢથી અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, વેરાવળ જતા માર્ગો પર જુનાગઢ શહેરની બહાર રોડ ઉપર હજારોની સંખ્યામાં ભાવિકો જે વાહન મળે તેમાં બેસી પોતાના વતન તરફ જવા માટે કલાકો તપ કરીને નોંધારા બેસી રહ્યા હતા. ટૂંકમાં કહીએ તો આ વખતે પરિક્રમા પૂર્ણ કરી પરિક્રમાર્થીઓને વતન લઈ જવા માટેના વાહનો ટૂંકા પડ્યા હતા અને પરિક્રમાર્થીઓને વતનમાં જવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

વન વિભાગ, આરોગ્ય તંત્ર ખડેપગે

આ વખતે વહીવટી તંત્ર સહિત પોલીસ, વન વિભાગ, આરોગ્ય, વીજળી, પાણી પુરવઠા અને રોડ રસ્તા વિભાગ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા પરિક્રમા દરમિયાન કરવામાં આવી હતી. તો જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ આ વખતે સફાઈ સહિતની તમામ કામગીરી સુપેરે નિભાવી હતી અને પરિક્રમા દરમિયાન વિખુટા પડેલા પરિવારજનો સાથે મિલન કરાવી નોંધનીય કામગીરી કરી હતી.

ઉતારા મંડળ દ્વારા સુંદર ભોજન વ્યવસ્થા

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળો હોય કે પરિક્રમા તે દરમિયાન અહીં આવતા લાખો ભાવિકો માટે ભોજન પ્રસાદ અને આરામ માટેની વ્યવસ્થા કરતા ઉતારા મંડળો દ્વારા પરિક્રમાથીઓને ભાત ભાતના ગરમ ભોજન, ચા, પાણી, નાસ્તા અને આરામદાયક રહેવાની પણ સર્વોત્તમ સેવા આપવામાં આવી હતી જેના કારણે પરિક્રમા પૂર્ણ કરનાર યાત્રિકો દ્વારા તેમની ભારોભાર પ્રશંસા થઈ રહી હતી. જો કે, પોલીસોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ વખતની પરિક્રમા દરમિયાન કુલ 7 પરિક્રમાથીઓના પરિક્રમા દરમિયાન મોત નીપજ્યા હતા. જે અત્યાર સુધીની પરિક્રમામાં સૌથી વધુ મોત થયા હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.