Abtak Media Google News

મોદી હૈ તો મુમકીન હૈ…ભાજપ હવે ચારેય દિશાને ભેગી કરી રહ્યું છે!!!

માધવપુર ઘેડમાં પૂર્વોત્તર રાજ્યોને સાથે રાખીને ભવ્યાતી ભવ્ય મેળાની પરંપરા શરૂ કર્યા બાદ હવે મોદી સરકાર સોમનાથમાં તામિલ સંગમનો જાજરમાન એકાદ મહિનાનો ઉત્સવ યોજીને સૌરાષ્ટ્ર અને તામિલનાડુના તમામ સંબંધો વિક્સાવશે

મોદી હૈ તો મુમકીન હૈ… વડાપ્રધાન મોદીની સરકાર એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડવામાં માહેર છે. રાજ્યો વચ્ચે આત્મીય સંબંધો વિકસે અને રાજકીય સંબંધો પણ ગાઢ બને તે માટે સરકારે અગાઉ માધવપુરને પૂર્વોત્તર સાથે જોડ્યુ છે. જ્યારે હવે સોમનાથને દક્ષિણ સાથે જોડવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

આ માટે સરકાર દ્વારા સોમનાથમાં તામિલ સંગમનો જાજરમાન એકાદ મહિનાનો ઉત્સવ યોજવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં એક મહિનાના કાશી તમિલ સંગમનું આયોજન કર્યું હતું. આવી જ રિતે એપ્રિલ માસમાં સોમનાથ ખાતે પણ એકાદ મહિનાના તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન હાલ ઘડાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.  તેનો ઉદ્દેશ્ય દેશના બે સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન સંસ્કૃતિ કેન્દ્રો – તમિલનાડુ અને સોમનાથ વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી ઉજાગર કરવા અને તેની ઉજવણી કરવાનો છે. આ દરમિયાન તમિલનાડુના હજારો શ્રદ્ધાળુઓ આ સોમનાથ તમિલ સંગમમમાં જોડાશે.

સોમનાથ તમિલ સંગમમનું આયોજન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અન્ય મંત્રાલયો જેમ કે સંસ્કૃતિ, કાપડ, રેલ્વે, પ્રવાસન, ખાદ્ય પ્રક્રિયા, માહિતી અને પ્રસારણ અને ગુજરાત સરકાર સહિતના સહયોગથી કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.  ઈવેન્ટનો ઉદ્દેશ્ય આ બંને ક્ષેત્રોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, ફિલોસોફરો, ઉદ્યોગપતિઓ, કારીગરો, કલાકારો અને જીવનના અન્ય ક્ષેત્રના લોકોને એકસાથે લાવવાનો, તેમના જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાનો અને એકબીજાના અનુભવોમાંથી શીખવાનો છે. આ ઇવેન્ટમાં તમિલનાડુના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્ય, સંસ્કૃતિ, હસ્તકલા, આધ્યાત્મિકતા, વારસો, વ્યાપાર, ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો વગેરે ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં સહભાગી થશે એમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

સોમનાથ અને તામિલનું કનેક્શન

સૌરાષ્ટ્રના દરિયાકિનારે બનેલા એ મંદિરની દીવાલોને દરિયાનાં મોજાં પખાળતાં હતાં. પથ્થરની મોટી શીલાઓ પર બનેલા એ મંદિરની છત આફ્રિકાથી મગાવાયેલા સાગના 56 સ્તંભો પર ટકેલી હતી. મંદિરના શિખર પર ચૌદ સોનેરી ગોળા હતા. એ ગોળા સૂર્યના તેજથી ચમકતા હતા અને ઘણે દૂરથી દેખાતા હતા. મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાત હાથ ઊંચું હતું અને તેના પર વિવિધ પ્રાણીઓ અંકિત કરાયેલાં હતાં.

હીરાથી મઢેલો મુગટ શિવલિંગ ઉપર લટકતો રહેતો હતો.શિવલિંગના સેવકોના પ્રતીકરૂપે આસપાસ અને છત પર સોના અને ચાંદીની કેટલીય મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી. ગર્ભગૃહ રત્નજડિત ઝૂમરથી ઝળહળતું હતું અને તેની સામે 200 મણની સોનાની વિશાળ સાંકળ લટકતી હતી. ગૃહની બાજુમાં એક ભંડારિયું હતું, જે રત્નો અને સોના-ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું. જો કે એ વખતે મહમદ ગઝનીએ ભારત ઉપર આક્રમણ શરૂ કર્યું હતું અને તેને સોમનાથ મંદિરને લૂંટયું હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોમનાથમાંથી મોટી સંખ્યામાં લોકોએ હિજરત કરી તામિલ ક્ષેત્રમાં આશરો મેળવ્યો હતો. આમ બન્ને વિસ્તારોનું કનેક્શન છે.

માધવપુર અને પૂર્વોત્તર રાજ્યોનું કનેકશન

માધવપુર-ઘેડ નાનું, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગામ છે. લોકવાયકા મુજબ, અહી ભગવાન શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે વિવાહ કર્યા હતાં. રૂકમણી રાજા ભીસ્મકની પુત્રી હતી. માધવપુર દરિયાકિનારે સ્થિત છે, જે પોરબંદરની નજીક છે. 15મી સદીનું માધવરાજ મંદિર આ સ્થળ પર છે. આ કાર્યક્રમ દર વર્ષે સાંસ્કૃતિક મેળા સ્વરૂપે ઉજવવામા આવે છે, જે રામનવમીથી શરૂ થાય છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સાથે એક રંગબેરંગી રથ નગરયાત્રાએ નીકળે છે અને આ મહોત્સવ પાંચ દિવસ ચાલે છે. ગુજરાત સરકાર સાથે જોડાણમાં સાંસ્કૃતિક મંત્રાલયે વિવિધ આવશ્યક પાસાઓ સામેલ કરીને આ મહોત્સવને મોટુ સ્વરૂપ આપ્યું છે.

અરૂણાચલ પ્રદેશની મિશ્મી જનજાતિનાં પૂર્વજોનાં મૂળિયાં રાજા ભીસ્મકની દંતકથા સુધી દોરી જાય છે. તેમની પુત્રી રૂકમણી અને ભગવાન કૃષ્ણની દંતકથા પણ જાણીતી છે. દિબાંગ ઘાટી જિલ્લાનાં નીચાણવાળા વિસ્તારમાં રોઇંગ નજીક સ્થિત ભીસ્મકનગરનો ઉલ્લેખ કાલિકા પુરાણમાં પણ થયો છે. એટલે આ ચાર દિવસનાં ઉત્સવમાં અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તરનાં અન્ય રાજ્યોની કળા, નૃત્ય, સંગીત, કવિતા, વાર્તા અને લોકનાટ્યનો જીવંત સાંસ્કૃતિક વારસો જોવા મળશે, જેનો ઉદેશ બંને પ્રદેશોનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સંકલિત કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.