Abtak Media Google News
  • માથાભારે શખ્સે મજૂરો સુતા’તા દરમિયાન જ્વલનશીલ પદાર્થ છાંટી ઝુંપડામાં કાંડી ચાંપી દીધી

અંજારમાં મજૂરોને દબાવી-ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતાં માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઈન્કાર કરતાં આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

આજે સવારે સાડા સાતના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં જોતજોતામાં આઠથી દસ ઝૂંપડા સ્વાહા થઈ ગયાં હતાં. સદભાગ્યે ઝૂંપડામાં રહેતાં બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

આગમાં તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઈનને સ્પર્શતાં વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ ઓલવી નાખી હતી પરંતુ ઝૂંપડાઓ સંપૂર્ણપણે ખાખ થઈ ગયાં હતાં.

ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતાં મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શ્રમિકોએ રોષભેર જણાવ્યું કે રફીક અવારનવાર અહીં આવી ગરીબ યુવાનો અને મહિલાઓને ધાક-ધમકી કરી છૂટક મજૂરી માટે સાથે આવવા ફરજ પાડતો અને મજૂરીના રૂપિયા પણ તે ખાઈ જતો હતો.

Attempt To Burn Alive 12 Laborer Families For Refusing To Submit To Free Labor In Anjar
Attempt to burn alive 12 laborer families for refusing to submit to free labor in Anjar

શનિવારે રાત્રે રફીક મજૂરીએ જવા માટે કહેવા આવ્યો ત્યારે સૌ શ્રમિકોએ એકસંપ થઈને તેની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરીને તેની સાથે મજૂરીએ જવા સાફ ઈન્કાર કરી દીધો હતો. જેથી રફીકે તેમને ઝૂંપડા સાથે જીવતાં સળગાવી દેવાની ધમકી આપી હતી.

જે બાદ સૌ શ્રમિકો તેમના પરિવાર સાથે સૂતાં હતાં ત્યારે રફીકે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી ઝૂંપડાઓને આગ લગાડી દીધી હતી. દુર્ઘટનામાં એક ઝૂંપડામાં ગઈકાલે જ 7 બચ્ચાંને જન્મ આપનારી બિલાડી અમે તેના બચ્ચા જીવતાં હોમાઈ ગયાં હતાં.

શ્રમિકો રોષભેર અંજાર પોલીસ મથકે ધસી ગયાં હતા. પોલીસે બદરીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે ઈપીકો કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૪૩૬ (આગ ચાંપવી) અને ૫૦૬ (૨) (જાનથી મારી નાખવાની ધમકી આપવી) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે અચાનક આગ લાગતા અંજાર નગર પાલિકા ગઢવાડી ઓફિસ મધ્યે જાણ થતાં નગરપાલિકાનો સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધો હતો. આગ પર કાબુમાં મેળવવા માટે સેનિ. ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી, કિશન માંગીરામ, રાહુલ લોચાણી, સલીમ દાઉદ, મામદ કુંભારે જહેમત ઉઠાવી હતી. ઘટનાની જાણ થતાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અસરગ્રસ્ત લોકોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી. લોકોના ખબર અંતર પૂછીને અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક અલ્પાહારની વ્યવસ્થા કરાવી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિન સોરઠીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થ સોરઠીયા, શાસકપક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી, દંડક કલ્પના ગોર, કાઉન્સિલર અમરીશ કંદોઈ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.