Abtak Media Google News

Table of Contents

જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહમાં ચાર મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચર અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાય

ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટી અને એક રિસર્ચ સેન્ટર સાથે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા

જામનગરની  વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 28મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુ:ખ ભાગ્ભવેત્ ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ થયો હોય પરંતુ તેમણે આજીવન વિદ્યા સાથે જોડાયેલા રહેવું જોઈએ. કારણકે જો ખેડૂત ખેતરે જવાનું અને વિદ્યાર્થી પુસ્તક ખોલવાનું બંધ કરી દે તો તે વ્યર્થ છે. રોગોથી સ્વસ્થ થવાનું કામ દવાઓ કરે છે પરંતુ રોગોનો નાશ કરવાનું કામ આયુર્વેદ પદ્ધતિ કરે છે. આયુર્વેદ પદ્ધતિ થકી આવનારી પેઢીનું કલ્યાણ થશે. તેમણે વિદ્યાર્થીઓને ધર્મ, સમાજસેવા, સત્ય અને લોકો સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો તે અંગે સમજણ આપી હતી.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી  ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને વિશેષ અતિથિ તરીકે સાંસદ  ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.

આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમજ ડી. લિટ.ની પદવી આપવામાં આવી તે ચાર મહાનુભાવોને રાજ્યપાલ  એ  અભિનંદન પાઠવ્યા હતા. ભારત દેશ આઝાદ થયો તે પહેલાં જામનગરના રાજા મહારાજાઓએ અહી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  આયુર્વેદનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકી રહ્યા છે. જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બની રહ્યું છે, જ્યાં વિશ્વની પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલીઓનું રિચર્ચ કરવામાં આવશે, જેના થકી આયુર્વેદ ક્ષેત્રે જામનગરે વિશ્વભરમાં આગવી ઓળખ મેળવી છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત ધરાવતી ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટીએ વિશ્વને અનેક આયુર્વેદ વિદ્વાનો પાઠવ્યા છે.

ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર પદ્મ  મેળવનાર વૈદ્ય  ગુરદીપસિંઘ, ડો. પરબાઈ મીનુ હીરાજી, ઇન્દુમતી કાટદરે અને ડો. મનોરંજન સાહૂને ડી. લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર)ની પદવી રાજ્યપાલ ના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમજ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી, એમએસ અને પીએચડી મળી કુલ 741 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ મેડલ અને રજત મેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ચાર યુનિવર્સિટીઓ જેમાં ગુજરાત વિદ્યાપીઠ,ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર સાથે એમ. ઓ. યુ. કર્યા હતા. આ એમ. ઓ. યુ. થકી નવી જ દિશામાં શિક્ષણની પરિભાષા અને સંશોધન વિકસતા માનવ વિકાસના દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ  મુકુલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં સાંસદ ભારતીબેન શિયાળ,આયુષ વિભાગના સંયુક્ત સચિવ  પ્રકાશભાઈ પટણી, ઈંઝછઅ ના ડાયરેક્ટર અનુપ ઠાકર, મેયર  બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય  રીવાબા જાડેજા, કલેકટર બી.એ.શાહ, પોલીસ અધિક્ષકપ્રેમસુખ ડેલું, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રભારી રજિસ્ટ્રાર  એચ. પી. ઝાલા, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચન્સલેસર ઓ, આચાર્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

100 કરતાં પણ વધુ પુસ્તક લખી ચૂકેલા ઈન્દુમતી કાટદરેને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડી. લિટની પદવી એનાયત

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના હસ્તે  ઇન્દુમતી કાટદરેજીને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના કલોલમાં થયો હતો.તેઓએ અંગ્રેજીમાં જ નહીં પરંતુ સંસ્કૃત ભાષામાં પણ ખ.અ.ની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2004 થી આજ સુધી પુનરુત્થાન વિદ્યાપીઠમાં સ્થાપક વાઇસ ચાન્સેલરનું પદ સંભાળી રહ્યા છે.  ઇન્દુમતી 100 કરતાં પણ વધુ પુસ્તકો લખી ચૂક્યા છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને પૂજનીય નામ ધરાવતા  ઈન્દુમતી કાટદરેજી જેઓ પરિશ્રમશીલ અને સમર્પિત વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ છે.  ઇંદુમતી કાટદરેને ગુજરાત સરકાર દ્વારા મગનલાલ દેસાઇ શિક્ષણ પુરસ્કાર, જ્ઞાન પ્રબોધિની પૂણે દ્વારા ગુરુ ગૌરવ પુરસ્કાર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી દ્વારા શિક્ષણ ભૂષણ પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જન કલ્યાણ સમિતિ મહારાષ્ટ્ર દ્વારા  ગુરુજી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે: કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી  ડો. મહેન્દ્રભાઈ મુંજપરા

આ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી જામનગરમાં ડબલ્યુએચઓનું જીસીટીએમ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. જામનગરનું ઈંઝછઅ નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતું આયુષ સેન્ટર છે. જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે. છેલ્લા થોડાક વર્ષોમાં ખાસ કરીને કોરોના બાદ દેશના લોકો આયુર્વેદિક દવાઓ તરફ વળ્યા છે. અને આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે.

આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિએ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. 21મી સદીના યુવાઓની જવાબદારી છે કે તેઓ આયુર્વેદને આગળ વધારે. ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે. તમામ વિદ્યાર્થીઓ વન અર્થ, વન હેલ્થના સૂત્ર સાથે ચાલે. છોટી કાશીમાં આજે પધારવાની તક મળી તેમજ વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી અને ચાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત કરાઇ તે તમામને અભિનંદન.

પદ્મશ્રી ડો. ગુરદીપ સિંઘને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરાઇ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે 28મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના હસ્તે સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર અને વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર ચાર મહાનુભાવોને ડી. લિટ (ડોક્ટર ઓફ લિટરેચર) ની પદવી એનાયત કરવામાં આવી હતી. હાલ જામનગરમાં રહેતા અને 54 વર્ષથી આયુર્વેદના વ્યવસાયમાં તબીબી અને શૈક્ષણિક કાર્ય સાથે હંમેશા જોડાયેલા પદ્મ  ડો. ગુરદીપ સિંઘનો જન્મ 10 ઓગસ્ટ 1941માં થયો હતો. વર્ષ 1966માં જીવાજી યુનિવર્સિટી ગ્વાલિયરમાં બીએએમએસના અભ્યાસક્રમમાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વર્ષ 1971માં બીએચયુ વારાણસી યુનિવર્સિટીમાં કાયચિકિત્સા વિષયમાં એમ. ડી.(આયુર્વેદ), વર્ષ 1974માં વારાણસી બીએચયુમાં કાયાચિકિત્સામાં પીએચડીની ડિગ્રી તેમજ વર્ષ 1960માં એનસીસીમાં એનસીસી બી સર્ટિફિકેટ મેળવેલ છે.

વર્ષ 2020માં તેઓને ચીકીત્સામાં પદ્મ  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. એઆઈટીએ ન્યુ દિલ્હી દ્વારા બેસ્ટ શિક્ષક, આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશિષ્ઠ યોગદાન આપવા બદલ સહિતની અનેક સિદ્ધિઓ તેઓએ મેળવેલ છે. પદ્મ  ડો. ગુરદીપ સિંઘ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.તેમજ ડિપ્લોમા ઇન પંચકર્મા વિષય ઉપર તેઓએ રિસર્ચ કરેલ છે. અને વિદેશની યુનિવર્સિટીઓમાં પણ ડો.ગુરદીપસિંઘ આયુર્વેદ ક્ષેત્રે પ્રચાર કરી ચૂક્યા છે. તેમના જેવા વિદ્વાન, ઉત્તમ ડોક્ટર, શિક્ષક અને સંશોધકનું જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જેમણે પોતાનું આખું જીવન આયુર્વેદ વિજ્ઞાન-સંશોધન અને તાલીમ માટે સમર્પિત કર્યું છે અને આયુર્વેદ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.