Abtak Media Google News

હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીરામ, જૈનોના 24 મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી અને કલિયુગના દેવતા શ્રી હનુમાનજી ભગવાન ની જન્મ જયંતી ચૈત્ર માસમાં હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર માસનું મહત્વ ખૂબ વધી જાય છે.

બ્રહ્મ પુરાણ અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પણ ચૈત્ર સુદ એકમે જ કર્યું હતું. ચૈત્ર માસની પૂનમ ચિત્રા નક્ષત્રમાં હોવાથી આ મહિના ને “ચૈત્રમાસ” કહેવાય છે. એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે વાનર રાજ બાલીને ચૈત્ર મહિના દરમિયાન જ મારીને દક્ષિણવાસીઓને બાલીના અત્યાચાર માંથી મુક્ત કર્યા હતા.વર્ષ માં ચાર નવરાત્રી આવે છે, તેમાંથી ચૈત્રી નવરાત્રીનું મહત્વ અનેરૂ છે. ચૈત્રી નવરાત્રી ને વસંત નવરાત્રી કે રામ નવરાત્રી પણ કહેવાય છે. આ દિવસો દરમિયાન નવદુર્ગા નાં અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે.હિન્દુ નવવર્ષની શરૂઆત પણ ચૈત્ર સુદ એકમથી જ થાય છે. જેને શક સંવત કે શાલીવાહન શક સંવત કહેવાય છે. તે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે. અત્યારે શક સંવત 1945 ચાલે છે.

ચૈત્ર મહિનાની પ્રથમ તિથિને “ગુડ્ડી પડવા” તરીકે મનાવવામાં આવે છે. ગુડ્ડી નો અર્થ વિજય પતાકા થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગુડ્ડી પડવાની વિશેષ ઉજવણી થાય છે. કહેવાય છે કે શાલિવાહને માટીના સૈનિકો બનાવી, તેમાં પ્રાણ પુરીને શત્રુઓને હરાવ્યા હતા. આ વિજયના પ્રતિક રૂપે શાલિવાહન શક ની શરૂઆત થઈ.ચૈત્ર મહિનાની બીજ એટલે “ચેટીચાંદ”. સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ કે જે વરૂણદેવ ના અવતાર કહેવાય છે, તેની જન્મ જયંતી ને ચેટીચાંદ તરીકે ઉજવવામાં આવે છે. ચેટીચાંદ નો અર્થ ચૈત્ર મહિના નો ચંદ્ર.ચૈત્ર મહિનાની ત્રીજ ના દિવસે મત્સ્ય જયંતિ મનાવાય છે. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં નો પ્રથમ અવતાર એટલે વિશાળકાય મત્સ્ય અવતાર. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર રાક્ષસ હયગ્રિવ થી પૃથ્વીની રક્ષા કરવા માટે અને વેદોને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ માછલી નું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે.

માતા પાર્વતી ના ડાબા અંગના મેલ માંથી ઉત્પન્ન થયેલી ભગવાન ગણેશજીની બહેન ઓખાને યાદ કરીને ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનું અને સાંભળવાનું ખૂબ મહત્વ છે. આ સાથે વિનાયક ચતુર્થી, શ્રી પંચમી, સ્કંદ ષષ્ઠી, દુર્ગા અષ્ટમી, રામ નવમી, કામદા એકાદશી, અનંગ ત્રયોદશી જેવા અનેક ધાર્મિક દિવસો ચૈત્ર માસમાં હોવાથી ચૈત્ર માસનું ધાર્મિક મહત્વ ખૂબ વધી જાય છે.જૈનોની નવ દિવસ ની આયંબિલ ની ઓળી પણ ચૈત્ર માસમાં જ હોય છે. આયંબિલ માં ઘી તેલ વગરનો એટલે કે રસ વગરનો કોરો ખોરાક ખાવાથી તંદુરસ્તી સુધરે છે. તેમજ હિન્દુ ધાર્મિક તહેવારોના પણ વ્રત ઉપવાસ રાખવાથી અને ખોરાકમાં ઔષધીય ગુણોને ધ્યાનમાં લઈને ખાવાથી ચૈત્ર માસ આખા વર્ષની તંદુરસ્તી આપે છે.

ચૈત્ર માસમાં વૃક્ષો અને લતાઓ નવ પલ્લવિત થતી જોવા મળે છે. ઔષધીઓ અને વનસ્પતિઓનો ઉપયોગ આ સમય દરમિયાન વધુ કરવામાં આવે છે. કડવા લીમડાના ફૂલ, ખાટી આમલીનું આંબલવણું, ગોળનું પાણી વગેરેનો ઉપયોગ કરીને તંદુરસ્તીને સારી રાખી શકાય છે. ફળોના રાજા કેરી પણ ચૈત્ર માસ દરમિયાન જ બજારમાં આવે છે. જે આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ ફળ છે. આમ આયુર્વેદ ને ધર્મમાં વણીને આપણા ઋષિમુનિઓએ તપ, વ્રત અને ઉપવાસ નું મહત્વ બતાવ્યું છે. તે ચૈત્ર માસના એક એક દિવસમાં છુપાયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.