Abtak Media Google News

૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની હોય કરોડોનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે: મેયર બંગલે તમામ સરકારી વિભાગનાં અધિકારીઓની બેઠક: કામને ઝડપ આપવા તાકિદ

૨૬મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે તે પૂર્વે શહેરનાં તમામ રાજમાર્ગો ડામરથી મઢી દેવામાં આવશે. હાલ વરસાદથી જે રોડને નુકસાન થયું છે ત્યાં પેવર રીકાર્પેટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ડામર એકશન પ્લાન આગામી દિવસોમાં મંજુર કરી ઝડપથી રોડ-રસ્તા રીપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પાણી-પુરવઠા યોજના સહિત કરોડો ‚પિયાનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત આજે પત્રકારો સમક્ષ મેયર બીનાબેન આચાર્યએ કરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગઈકાલે મહાપાલિકા કચેરી ખાતે પદાધિકારીઓએ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ ઝોનનાં સીટી એન્જીનીયરો ઉપસ્થિત રહ્યા હતા. બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટ ઝડપથી શરૂ થાય અને હાલ જે પ્રોજેકટ ચાલી રહ્યા છે તે ઝડપથી પુરા થાય તે અંગે તાકીદ કરવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે ત્યારે મહાપાલિકા દ્વારા કેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી શકાય તેની વિગતો આપવા પણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. મહાપાલિકા વિસ્તારમાં મળેલા વાવડીમાં પાણી-પુરવઠા યોજના સહિતનાં કરોડો રૂપિયાનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મેયર બીનાબેન આચાર્યએ વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ સાલ શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે રાજમાર્ગોને ૫૨ કરોડનું નુકસાન થવા પામ્યું છે.

રાજય સરકાર દ્વારા ૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનાં કામો હાલ ચાલી રહ્યા છે. હાલ જે રીતે શહેરમાં ડામર એકશનનાં કામો ચાલી રહ્યા છે તેની ગતિ જોતા તેવું લાગી રહ્યું છે કે, ૨૬મી જાન્યુઆરી પૂર્વે તમામ રાજમાર્ગો ફરી ડામરથી મઢી દેવામાં આવશે. આગામી દિવસોમાં ડામર એકશન પ્લાન મંજુર કરી કામ ઝડપથી શરૂ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે મહાપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ સંગીતનો કાર્યક્રમ યોજાતો હોય છે પરંતુ આ વર્ષે ૨૪મી જાન્યુઆરીનાં રોજ સંગીત સંઘ્યા યોજાશે. રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરનાં તમામ મુખ્ય રાજમાર્ગો, સર્કલ અને સરકારી ઈમારતોને શણગારવામાં આવશે. કલેકટર તંત્ર દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા અશ્ર્વ-શો યોજવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે.

7537D2F3 5

આજે સવારે મેયર બંગલા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત એક બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, કલેકટર રમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી, પીજીવીસીએલનાં એમ.ડી., શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરી શકાય તેની પણ વિગતો મેળવવાની તાકીદ કરવામાં આવી છે. જિલ્લામાં ૧૨મી જાન્યુઆરીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કામોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનું શરૂ કરી દેવામાં આવશે. રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ઐતિહાસિક બની રહે તેવા પ્રયત્નો તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

Dsc 0985

શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં સિમેન્ટનાં રોડ બનાવવા કોંગ્રેસની માંગણી

ડામરનાં રોડ દર વર્ષે ચોમાસાની સીઝનમાં તુટતા હોવાનાં કારણે કરોડોનું થાય છે આંધણ: સિમેન્ટ રોડ ૧૦ વર્ષ સુધી રહે છે અકબંધ: કોંગ્રેસનું આવેદન

શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં ડામરનાં રોડ બનાવવાનાં બદલે સિમેન્ટનાં રોડ બનાવવાની માંગણી સાથે આજે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Dsc 0998

આવેદનપત્રમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં દર વર્ષે ચોમાસામાં ડામર રોડ તુટી જાય છે અને કરોડો રૂપિયાનાં ખર્ચ કરી રોડ પર ડામરનાં થથેડા મારવામાં આવે છે. પેચવર્કનાં કારણે ખાડા બુરીને ટેકરા બનાવવામાં આવતું હોય તેવો અનુભવ થાય છે. કોંગ્રેસનાં તમામ કોર્પોરેટરો દ્વારા એવી માંગણી કરવામાં આવે છે કે, શહેરનાં તમામ ૧૮ વોર્ડનાં એવા રાજમાર્ગો કે જયાં ચોમાસાની સીઝનમાં વધુ પાણી ભરાઈ છે અને ડામરને નુકસાન થાય છે ત્યાં વોર્ડ દીઠ હાલનાં તબકકે એક-એક રોડને પસંદ કરી તેને સિમેન્ટનાં બનાવવા જોઈએ જેનાથી નુકસાની પણ અટકાવી શકાય. ચાલુ સાલ ચોમાસામાં ત્રણેય ઝોનમાં ડામરનાં રસ્તાઓને વરસાદથી ૫૨ કરોડનું નુકસાન થયું છે જેની સામે સરકાર દ્વારા માત્ર ૨૫ કરોડ ફાળવણી કરવામાં આવી છે. અગાઉ નાનામવા મેઈન રોડ અને રૈયા ચોકડીથી રૈયા ગામ સુધીનો રોડ સિમેન્ટનો બનાવવામાં આવ્યો છે જેનાં ખુબ જ સારા પરીણામ મળ્યા છે છતાં મહાપાલિકાનાં કોઈ ઈજનેર શા માટે સિમેન્ટ રોડ બનાવવાનું સુચવતા નથી તેની પાછળ પણ ભ્રષ્ટાચારની શંકા હોય તેવું લાગે છે. તેઓએ ઉમેર્યું હતું કે, ડામરનાં બદલે સિમેન્ટનાં રોડ બનાવવામાં આવે તો પૈસાની વેડફાટ પણ ઓછો થશે અને ૧૦ વર્ષ સુધી રોડની સામે જોવું નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.