Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્રારા દેશભરમાં પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવાર તા.૧૩/૦૮/ર૦૧૮ ના રોજ સમગ્ર દેશના શિવાલયોમાં જળાભિષેકના કાર્યક્રમોમાં શ્રધ્ધાળુ ભકતો તથા હિંદુત્વ નિષ્ઠ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ સંતોએ દેશના પ્રમુખ ત્રણ આરાધ્ય દેવ શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી મહાદેવ ના મૂળ સ્થાન અયોધ્યા, મથુરા અને કાશી સ્થિત મસ્જીદો હટાવી ભગવાનની કિર્તીને અનુરૂપ ભવ્ય મંદિર બનાવવા માટે સંકલ્પ કરેલ છે.

Advertisement

અયોધ્યામાં ૧૯૯ર થી ભગવાન જન્મ સ્થાનમાં તાળપત્રીની અંદર બિરાજમાન છે. તે સ્થાને હજુ ભવ્ય મંદિર બન્યુ નથી. મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સ્થાનના પ્રવેશ દ્રારે દિવાલ ચણીને મસ્જીદ ઉભી કરવામાં આવી છે. કાશીમાં કાશી વિશ્વનાથ મંદિરને અપમાનિત કરી જ્ઞાનવાપી મસ્જીદ ઉભી છે. પાછળના ભાગમાં મંદિરની મુળ દિવાલો મંદિરના પુરાવા રૂપે છે. અને મસ્જીદની સામે નંદી આજે પણ વિરાજીત છે. આક્રમણ સમયે શિવલીંગ નજીકના સ્થાને લઇ જઇ સ્થાપિત કરી વર્ષોથી ત્યાં પૂજન થાય છે.

હિન્દુ સમાજની અને સંતોની લાગણી અને માંગણી છે કે કાશીમાં ભગવાનની કિર્તીને અનુરૂપ મંદિર બનાવવા નો માર્ગ પ્રશસ્ત કરવામાં આવે અર્થાત ત્યાંથી જ્ઞાનવાપી મસ્જીદ હટાવવામાં આવે. આ સંકલ્પને પુર્ણ કરવા માટે જલાભિષેક ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં જયાં જ્ઞાનવાપી મસ્જીદ બની છે. ત્યાં જ શ્રૃંગાર ગૌરી માતાનું મંદિર વર્ષોથી દર્શન-પૂજન-અર્ચનથી વિમૂખ છે.

ત્યાં પ્રશાસન દ્રારા તાળા મારવામાં આવેલ છે. તેથી હિંદુ સમાજ દર્શન-પૂજન થી વંચિત રહે છે. તેથી હિંદુ સમાજની લાગણી દુભાય છે, તો આ સાથે માંગણી કરવામાં આવે છે કે વિના વિલંબ શ્રૃંગાર ગૌરી માતાના મંદિરના તાળા ખોલવામાં આવે. ભારતીય બંધારણ અનુસાર દરેક ધર્મના લોકોને પોતાના ધાર્મિક સ્થાનના દર્શન-પૂજન-અર્ચનનો મૌલિક અધિકાર છે. તેથી સંવિધાનનું સન્માન કરી તત્કાલ મંદિરના તાળા ખોલવામાં આવે તેવી આંતરરાષ્ટ્રીય હિંદુ ષરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ ની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.