Abtak Media Google News
 ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયામાં બોગસ એકાઉન્ટ બનાવી યુવતિને પજવતા સાધુની ધતિંગલીલાનો મોરબી પોલીસે પર્દાફાશ કર્યા બાદ તેને રીમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ અગાઉ વર્ણવેલી તમામ  હકીકતો ખોટી સાબિત થતાં પોલીસને પણ ઊંધા ચશ્માં પહેરાવ્યાનુ ખુલ્યું છે અને આ સાધુ ક્યારેય લંડન ગયો જ ન હોવાનું બહાર આવ્યું છે.
વાંકાનેરની યુવતીને પરેશાન કરનાર સાધુનો ભાંડો ફુટયો બાદ પોલીસે દબોચી લેતા પોતે લંડનમાં એમબીએનો અભ્યાસ કર્યાનું જણાવ્યું હતું પરંતુ તપાસમાં એક નવો જ વળાંક આવ્યો હતો. સાધુએ પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે લંડન રીટર્ન અને ઉચ્ચ અભ્યાસી હોવાનું તેમજ તેની માતા મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું જે તમામ પોલીસ તપાસમાં ખોટું સાબિત થયું છે.
વાંકાનેરની યુવતિના યુ.એસ.ના ફેસબુક આઇ.ડી. મારફત ફોટા મંગાવી યુવતિને બ્લેકમેઇલ કરનાર સાધુ ગૌતમ ઉર્ફે ગૌતમનાથ ગોંડલિયાને ગત તા. ૧ના રોજ પોલીસે ઝડપી લીધા બાદ સાધુએ પોલીસને વિગતો આપી હતી કે, પોતે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ભારતમાં આવી જુનાગઢના વિસાવદરમાં આવ્યો હતો અને માતા-પિતાના અવસાન બાદ પોતે સાધુતા ધારણ કરી હતી અને યુવતિઓને પણ ફેક આઇડી બનાવી પોતે યુ.એસ.હોવાના પુરાવા હોય ફોટા મોકલી, મોહજાળમાં ફસાવીને બ્લેકમેઇલ કરતો હતો. પોલીસે સાચી હકીકત મેળવવા તેને ચાર દિવસના રીમાન્ડ પર લીધો હતો.
પરંતુ રીમાન્ડ દરમિયાન સાધુએ પોલીસને આપેલી તમામ વિગતો ખોટી સાબિત થઇ હતી. આ અંગે તપાસનીશ અધિકારી એએસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, રીમાન્ડ દરમિયાન સાધુ સુરતમાં રહેતો હોવાનું ખુલતા સુરત જઇને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી અને તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ શખ્સ સુરતનો જ છે અને તે કદી લંડન ગયો જ નથી.
પોતે લંડન રીટર્ન હોવાની વાત ઉપજાવી કાઢી હતી. પોતે લંડનમાં રહેતો હોવાની ફેક આઇ.ડી.માં યુવતિઓ સાથે ચેટીંગ દરમિયાન ગુગલમાં લંડનના ફોટા ડાઉનલોડ કરી ટેકનીકલી ફેરફારો કરી નવા જ રૂપમાં રજુ કરતો હતો અને તેની માતા મૃત્યુ પામી છે તે વાત પણ ખોટી છે. આ સાધુએ પિતાને માર માર્યો હતો. તદુપરાંત સુરતમાં પણ એક છોકરીને આ રીતે ફસાવી હોવાની ત્યાં ફરિયાદ નોંધાઇ હતી. ચાર દિવસના રીમાન્ડ દરમિયાન સાધુની તમામ અસલિયત બહાર આવી ગઇ હતી અને રીમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરાયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.