Abtak Media Google News

શિક્ષણ જગતને લાંછનરૂપ કિસ્સામાં

અભ્યાસ ક્ષેત્રે રાહત આપવા અને ઈમોશનલ બ્લેકમેલ કરી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું

‘ટાટ’ નું પેપર લીક કરવા અગાઉ લંપટ સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે 

જામનગરની એક ખાનગી શાળામાં આજથી પાંચ વર્ષ પહેલાં એક વિદ્યાર્થીની પર અનેક વખત દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી પ્રકરણમાં શાળાના પૂર્વ લંપટ આચાર્યની વડોદરાથી અટકાયત કરી લેવાયા પછી તેને અદાલત સમક્ષ રજૂ કરી 6 દીવસના રિમાન્ડ પર લેવાયો છે. જેણે સગીરાને શિક્ષણમાં રાહત આપવાના બહાને અને ત્યારબાદ ઈમોશનલ બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે, ઉપરાંત અગાઉ ’ટાટ’ની પરીક્ષામાં પેપર લીક મામલે પણ તેની સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે. સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ આજથી 5 વર્ષ પહેલાં તેણી સગીર વયની હતી તે વખતે વિદ્યાર્થીની ઉપર શાળાના પૂર્વ આચાર્ય મનીશ બુચ કે જેણે શાળામાંજ એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

તાજેતરમાં જ જે મામલો સામે આવ્યો હતો, અને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતની ભોગ બનનાર સગીરા ની ફરિયાદના અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ જે ભાગી છૂટ્યો હતો, અને પોલીસ તેને શોધી રહી હતી.

દરમિયાન ગઈકાલે આરોપી મનીષ બુચ વડોદરામાં સંતાયો છે, તેવી બાતમીના આધારે જામનગરની સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી વડોદરા પહોંચી ગઈ હતી, અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી ને ઝડપી લીધો છે. અને તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ઘરી હતી.લંપટ પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચને 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં અદાલતે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી દ્વારા પોતાને આગોતરા જામીન પર મુક્ત કરવા માટે પણ અદાલતની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લેવાયો છે, અને પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે સગીરાને શિક્ષણમાં રાહત અપાવાવ બાબતે દુષ્કર્મ ગુજાર્યું હતું, ત્યાર પછી પોતે તેના સંપર્કમાં આવ્યો હતો, અને વારંવાર ઈમોશનલ બ્લેકમેલ કરતો હતો. પોતે આત્મહત્યા કરી લેશે, અને તેનો સમગ્ર આરોપ તેણી પર આવશે, તેવું દબાણ કરીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યે રાખતો હોવાનું પણ સામે આવ્યું છે.

ઉપરોક્ત આરોપી સામે અગાઉ ની પરીક્ષા ના પેપર લીક મામલે ગુનો દાખલ કરાયો હતો, જે ગુનામાં તેની ધરપકડ કરી લેવાઈ હતી, અને જેલ હવાલે થયો હતો. જામનગરની  સેશન્સ અદાલતે તેના જામીન પણ મંજુર કર્યા ન હતા. આખરે ગુજરાત હાઇકોર્ટ માંથી તેને જામીન મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.