Abtak Media Google News

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં કરી કાર્યવાહી

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા  લાલપુર તાલુકાના મેઘપર-પડાણા-કાનાલૂસ તેમજ આસપાસની લેબર કોલોની  વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કુમળીવયના બાળકોને તમાકુનું વેચાણ કરવા સંબંધીત જાહેર ચેતવણીના બોર્ડ નહીં લગાવનારા કુલ 12 વેપારીઓ સામે તેમજ શૈક્ષણિક સંસ્થાનો- હોસ્પિટલ સહિતના પ્રતિબંધિત 100 મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ નહિ કરવાના નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને 08 વિક્રેતાઓ મળી કુલ 39 વેપારી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે તા 19-4-2023ના  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને  એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003ની ગાઈડલાઈન મુજબ મેઘપર- પડાણા કાનાલૂસ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કલમ 4 એ જાહેર સ્થળ ઉપર ધુમ્રપાન પર પ્રતિબંધ પરના 12 કેસ કરવામાં આવ્યા હતા જ્યારે કલમ 6 (અ) 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચાણ માટે આપવા પર પ્રતિબંધ  મુજબ 19 કેસ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આવા વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુ ના વેચાણ મુજબના  8 કેસ મળી કુલ 39 કેસ કરવામાં આવ્યા છે, જેમાં રૂપિયા 7000નો દંડ કરાયો છે. આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર નીરજ મોદી,તાલુકા સુપર વાઈઝર જી.પી.મકવાણા,,જિલ્લા કાઉન્સેલર નઝમા બેન, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ  મહેશભાઈ ડાંગર હાજર રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.