Abtak Media Google News

જરૂરિયાતમંદ લોકોને ‘ઘરનું ઘરનું’ સપનું સાકાર કરવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જરૂરિયાતમંદોને અપાતી મકાન સહાયમાં ૭૦ ટકા જેટલો વધારો કર્યો છે, એટલે કે રૂ. ૭૦ હજાર મકાન સહાય અપાતી હતી, તે હવે રૂપિયા ૧.૨૦ લાખ અપાશે.અનુસૂચિત જાતિ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ અને બિન અનામત જાતિઓને ઘરના ઘરનું સપનું સાકાર કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૧૪માં જે સહાય ૪૫ હજાર હતી, તેમાં વધારો કરીને રૂ.૭૦ હજાર કરાઇ હતી. વધતી જતી મોંઘવારી અને લોકોની માંગણીઓને ધ્યાને લઇને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે રૂ.૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. જેને સુસંગત થવા ગુજરાત સરકારની આવાસ યોજનામાં પણ અનુસૂચિત જાતિઓ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ, બિન અનામત, આર્થિક પછાત જાતિઓને મકાન દીઠ રૂ. ૧.૨૦ લાખની સહાય અપાશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષીપંચની ૧૪૨ જાતિઓ, વિચરતી અને વિમુક્ત ૪૦ જાતિઓ, અંદાજે ૫૮ બિનઅનામત સવર્ણ જાતિઓ તેમજ ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત ૩૬ અનુસૂચિત જાતિઓને હાલ મકાન બનાવવા માટે આ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખની આવક મર્યાદા ધરાવતા અંદાજે ૨૦ હજાર કુટુંબોને આવરી લઇને અંદાજે રૂ.૨૪૦ કરોડની સહાય આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ઓ.બી.સી., ઇ.બી.સી., વિચરતી-વિમુક્ત જાતિ સમૂહો માટે અંદાજે રૂ. ૨૫૬ કરોડના ખર્ચે ૮૧,૩૫૪ ગરીબ પરિવારોને મકાન સહાય આપવામાં આવી છે અને અનુસૂચિત જાતિના ૨૩,૮૮૯ લાભાર્થીઓને અંદાજે રૂ. ૭૧.૯૫ કરોડની સહાય આપવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.