Abtak Media Google News

સર્વિસ ક્ષેત્રમાં કમિશનરેટ મેળવનાર પ્રથમ રાજ્ય બનતું ગુજરાત!!

સર્વિસ ક્ષેત્રને મજબૂત કરીને રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ગુજરાત સરકારે હાલના ઉદ્યોગો અને એમએસએમઇ કમિશનરેટની જેમ સર્વિસ ક્ષેત્ર માટે પણ કમિશનરેટની સ્થાપના કરવાની યોજનાને અંતિમ મંજુર આપી દીધી છે.

Advertisement

સર્વિસ ક્ષેત્ર એ દેશનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. જે સૌથી વધુ રોજગાર ઉભું કરે છે.   ઉપરાંત બહુવિધ અને અસંકલિત સંચાલક મંડળો આ ક્ષેત્રના વિકાસને પ્રતિકૂળ અસર કરતી હોવા છતાં પણ સમાવેશી વૃદ્ધિ તરફ દોરી જાય તેવી કોઈ નીતિ નથી.

આ તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સરકારે ટૂંક સમયમાં સર્વિસ સેક્ટર કમિશનરેટની સ્થાપના કરવી જરૂરી માન્યું છે. જે હેઠળ આ ક્ષેત્રની દેખરેખ માટે કમિશનરની નિમણૂક કરવામાં આવશે. સરકાર આ ક્ષેત્ર માટે એક નવી નીતિ જાહેર કરવાની યોજના ધરાવે છે, જે એમએસએમઇ અને અન્ય ઉદ્યોગોને ઓફર કરવામાં આવતા નાણાકીય અને અન્ય લાભોની સમકક્ષ ઓફર કરે છે. આ ક્ષેત્રને વધુ નફાકારક બનાવવા અને રોજગારીની તકો વધારવાનો હેતુ છે.

જીએસટીની અમલવારી બાદ ઉત્પાદન ક્ષેત્ર ઓછું નફાકારક બનતું હોવાથી સરકારે સર્વિસ ક્ષેત્રને વેગવંતુ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી કમિશનરેટની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે.

હસમુખ અઢિયા સમિતિએ રૂ. 38.64 લાખ કરોડ (500 બિલિયન ડોલર)ના જીએસડીપી હાંસલ કરવા માટે “ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ગુજરાત સરકારની વ્યૂહરચના” પર તેનો અહેવાલ રજૂ કર્યો તે પહેલાં જ સરકારે નવા કમિશનરેટની સ્થાપના કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

એક સૂત્રએ જણાવ્યું હતું કે સરકારે વિવિધ વિભાગો સાથે સમિતિના પરામર્શ દરમિયાન સર્વિસ ક્ષેત્રના કમિશનરેટની સ્થાપનામાં રસ દર્શાવ્યો હતો. અઢિયા સમિતિએ રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે સર્વિસ ઉદ્યોગ કમિશનરેટની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકાર ટૂંક સમયમાં જ સેવા ક્ષેત્રની જરૂરિયાતો અને ઓફર કરી શકાય તેવા પ્રોત્સાહનોને સમજવા માટે ઉદ્યોગ સાથે ચર્ચા કરશે, તેવું સૂત્રએ જણાવ્યું હતું.

ભારતના ભૂતપૂર્વ નાણા સચિવ અઢિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસનો મુખ્ય ડ્રાઇવર અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્ર રહ્યું છે. આ ક્ષેત્ર ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી) માં 30% ફાળો આપે છે, જે ભારતમાં સૌથી વધુ છે.  જો આપણે ઉર્જા અને પરિવહન ક્ષેત્રનો સમાવેશ કરીએ, તો નાણાકીય વર્ષ 2020-21 માં તેનો હિસ્સો 48.4% છે. જો કે, ગુજરાતના જીએસડીપીમાં સર્વિસ ક્ષેત્રનો હિસ્સો નાણાકીય વર્ષ 2020-21માં 32% છે.  જ્યારે ભારતના વિકાસ દરમાં સર્વિસ ક્ષેત્રનો હિસ્સો 54% છે ત્યારે ગુજરાતમાં આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.