Abtak Media Google News

રાજકોટમાં જાહેર સભા યોજી રાત્રિ રોકાણ પણ કરશે કાર્યક્રમને આખરી ઓપ આપવા ચાલતી તડામાર તૈયારીઓ

રાજધાની દિલ્હી બાદ પંજાર વિધાનસભાની ચુંટણીમાં સફળતા મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાત પર મીટ માંડી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે આપના નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વઘ્યા છે. આગામી 11મી મેના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્રયાસ દરમિયાન રાજકોટમાં તેઓનો રોડ-શો યોજાઇ તેવી શકયતા જણાય રહી છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીના કદાવર નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વઘ્યા છે.

આજે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે છે દરમિયાન એવા અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે આગામી 11મી મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં એક વિશાળ રોડ-શો યોજાશે અને જાહેર સભાને સંબોધશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત રાત્રી રોકાણ પણ રાજકોટ ખાતે કરશે.

જો કે હાલ અરવિંવ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ફાઇનલ થયો નથી પરંતુ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પંજાબના મુખ્યમત્રી ભગવંત માને પણ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદમાં રોડ-શો યોજયો હતો હવે કેજરીવાલ આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિધાનસભાની ચુંટણી પહેલા આપ ગુજરાતમાં પોતાનું સંગઠન મજબુત કરવા ઇચ્છી રહ્યું છે. અન્ય રાજકીય પક્ષના કેટલાક મોટા નેતાઓ પણ હવે ‘આપ’નું ઝાડુ પકડી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.